કચ્છમાં સ્ત્રી સશક્તિકરણને વેગ મળ્યો, શ્વેતક્રાંતિને ગૃહ રાજ્યમંત્રીએ બિરદાવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(મહિલાને સન્માન પત્રક આપી રહેલા ગૃહ રાજ્યમંત્રી રંજનીભાઇ પટેલ)

-કચ્છમાં થયેલી શ્વેતક્રાંતિને ગૃહ રાજ્યમંત્રી રજનીભાઇ પટેલે બિરદાવી

ગાગોદર: દેશભરમાં સ્ત્રી સશક્તિકરણ માટે મુહિમ છેડાઇ છે ત્યારે કચ્છમાં મહિલાઓની દૂધ મંડળીની સ્થાપના સાથે આ સરહદી જિલ્લામાં મહિલાઓને મજબૂત કરવાના અભિયાનને વેગ મળ્યો છે તેવું ગૃહરાજ્યમંત્રીએ રાપર તાલુકાના પલાસવામાં રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી પ્રસંગે જણાવ્યું હતું. આ તકે તેમણે કચ્છમાં થયેલી શ્વેતક્રાંતિને બિરદાવી હતી.

ગૃહરાજ્યમંત્રી રજનીભાઇ પટેલે વાગડની 4 જેટલી મહિલા દૂધ ડેરી સહકારી મંડળીઓને તેમના 300 વારના પ્લોટના હુકમો આપતાં કચ્છના કલેક્ટર મહેન્દ્ર પટેલ દ્વારા કરાયેલી મહિલા દૂધ મંડળીઓને પ્લોટ અને સહાયની કામગીરી બિરદાવી હતી. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત સંસદીય સચિવ સામજીભાઇ ચૌહાણે રાજ્યમાં 15.36 ટકા પશુધન વધારાને દેશભરમાં અભૂતપૂર્વ ગણાવતાં ગતિશીલ ગુજરાત હવે વિરાટ ગુજરાતની દિશામાં ડગ ભરી રહ્યું હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ગોપાલક નિગમના અધ્યક્ષ અરજણભાઇ રબારી, જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઇ છાંગા તથા રાપરના ધારાસભ્ય પંકજભાઇ મહેતા, ગાંધીધામ ધારાસભ્ય રમેશ મહેશ્વરીએ પ્રાસંગિક પ્રવચનમાં વડાપ્રધાન મોદી દ્વારા કરાયેલા શ્વેતક્રાંતિના આહવાનને કચ્છમાં વલમજીભાઇ હુંબલે જે કુશળતા, કાર્યક્ષમતાથી ઉપાડી 300 કરોડ ઉપરાંતનું ટર્ન ઓવર અને 600 ગામમાં દૂધ સહકારી મંડળીઓનું નેટવર્ક ઉભું કરી મુઠ્ઠી ઉચેરી કચ્છીયત દર્શાવી આપી છે તેની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે સીધા પ્રસારણમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શ્વેતક્રાંતિના પાયારૂપ દિવંગત ત્રિભુવનદાસ પટેલ, સંવર્ધક ડો. કુરિયનને સ્મરણાંજલી પાઠવતાં રાજ્યના પશુપાલકો તથા કિશાનોને ખંત અને નિષ્ઠાથી શ્વેતક્રાંતિને સફળ બનાવી હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં રાપર સત્તા મંડળના ચેરમેન કેશુભાઇ વાઘેલા, ભાડા-ભચાઉના ચેરમેન વિકાસ રાજગોર, જિલ્લા વિકાસ અધિકારી આર.જી.ભાલારા, પૂર્વ કચ્છ એસ.પી. દીપક મેઘાણી, જિલ્લા શિક્ષણાધિકારી ડો. મુકેશ પટેલ, પ્રા. શિક્ષણાધિકારી બહાદૂરસિંહ સોલંકી તેજમ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આગળ વાંચો ભચાઉમાં મહિલાઓને માર્ગદર્શન અપાયું