આજે ધોરડોના સફેદરણ અને માંડવીના બીચ પર આયોજિત પતંગોત્સવમાં વિદેશી પતંગરસિયાઓ પતંગ ચગાવશે, ત્યારે ત્રણ દિવસ પહેલાં જ મકરસંક્રાતિનો માહોલ સર્જાશે.
ધોરડોમાં સફેદરણની વચ્ચે જયારે પતંગબાજો પતંગ ઉડાવશે ત્યારે રણની વચ્ચે આકાશમાં સપ્તરંગી મેઘધનુષ્ય જેવું દ્રશ્ય સર્જાઈ રહેશે. બીજી બાજુ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજો ભાગ લેવાના છે, ત્યારે માંડવીમાં રમણીય બીચ તટે મહોત્સવના પ્રારંભે 'દિવ્ય ભાસ્કર’ કાઈટ ફેસ્ટિવલની પતંગ સ્પર્ધામાં ભાગ લઈ કનકવાના કસબી બનેલા માંડવી પોર્ટ ઓફિસના કર્મચારી જયેશ સિસોદિયા તેમજ જનક પરમારના સહિયારા પ્રયાસથી બનાવેલો આંતરરાષ્ટ્રીય લોગાવાળો ૧પ૦ ફૂટ લાંબો પતંગ ગગનમાં ચગાવ્યા બાદ દેશ-વિદેશના પતંગબાજો પોતાના પતંગનું પ્રદર્શન કરશે.
વધુમાં દર વર્ષે નવા પતંગ બનાવવાના શોખીન જયેશભાઈએ મકરસંક્રાંતિ માટે ગણેશની પ્રતિમાની થીમ પર ૧૨પ ફૂટના પતંગની સાથે બીચ ખાતેની સ્પર્ધામાં ભાગ લેશે.
પતંગ મહોત્સવના બીજા દિવસે ૧૨ જાન્યુઆરીએ માંડવી નગરપાલિકા દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે યોજાયેલી પતંગ સ્પર્ધામાં ૧પ પ્રાથમિક શાળા ,સાત માધ્યમિક શાળા સહિત ૨૨ સ્કૂલના વિદ્યાર્થીઓ ભાગ લેશે. સ્પર્ધામાં વિજેતા થનારા છાત્રોને શેઠ ગોકલદાસ ખીમજી અને મથરાદાસ ખીમજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોકડ પુરસ્કાર અને વી.આર.ટી.આઈ. દ્વારા પ્રમાણપત્ર એનાયત કરાશે. કાર્યક્રમની વ્યવસ્થા દેવાંગ દવે, ભરત વેદ, વસંતબેન સાયલ, ગોરધન પટેલ અને મૂલેશ દોશી સંભાળી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે, ઉતરાયણ પૂર્વે પતંગોત્સવની ઉજવણીમાં સ્થાનિક તેમજ દેશ - વિદેશના પતંગબાજોને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટશે.
માંડવીમાં ગગનવિહાર કરતો ૧૨પ ફૂટ લાંબો ગણેશની થીમવાળો તેમજ ૧પ૦ ફૂટનો આંતરરાષ્ટ્રીય લોગોવાળો પતંગ નજરે પડે છે. શુક્રવારે રમણીય બીચ પર આ પતંગ ચગાવીને કાઇટ ફેસ્ટિવલ ખુલ્લો મૂકાશે - મૂલય ગોસ્વામી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.