• Gujarati News
  • Mahabandarga Privatization Agian Fight Latest News Bhuj

ગાંધીધામ: બંદરના ખાનગીકરણ સામે લડી લેવા હાકલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( બંદરગાહના પાંચ મહાસંઘોની રાષ્ટ્રીય બેઠકમાં ભાગ લીધેલા પ્રતિનિધિઓ )

બંદરના ખાનગીકરણ સામે લડી લેવા હાકલ
મહાબંદરગાહોના મહાસંઘ યુનિયનોનું અધિવેશન યોજાયું
બોનસની નવી નીતિ તાકીદે અમલમાં મૂકવા ઠરાવ કરાયો
અધ્યક્ષ તરીકે નિષ્ણાતને મૂકવા જોઇએ


ગાંધીધામ: 11 મહાબંદરગાહના પાંચ મહાસંઘની યુનિયનોની રાષ્ટ્રીયસ્તરની પ્રથમ બેઠક કોચીન પોર્ટ (કેરાલા)માં મોટી સંખ્યામાં હાજર નેતાઓ અને ડેલિગેટે ભાગ લીધો હતો. આ બેઠકને રાષ્ટ્રીય સ્તરના કામદાર નેતાઓ, સંસદ સભ્યો અને કામદાર નેતાઓએ સંબોધન કર્યું હતું. આ બેઠકમાં પોર્ટના ખાનગીકરણ અને કોર્પોરેટાઇઝેશન સામે લડી લેવા નિર્ણય લેવાયો હતો.આ રાષ્ટ્રીય સ્તરની સમિતિનો મુખ્ય હેતુ મહાબંદરગાહોમાં કામદારોને અને વિકાસના મુદ્દાઓ અને પ્રશ્નોની વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી.

શિપિંગ મંત્રાલયની નકારાત્મક અને અનિર્ણાયક નીતિઓના કારણે દેશને મોટું નુકસાન થઇ રહ્યું છે. તેની સામે આવનારા દિવસોમાં દેશ વ્યાપી આંદોલન કરી પોતાના હક્કો અને વિકાસના પ્રશ્નો માટે મુખ્ય મુદ્દાઓ ઉપર ઠરાવો પણ પસાર કરવામાં આવ્યા હતા, જેમાં મુખ્યરૂપે પોર્ટોને ખાનગીકરણ અને કોર્પોરાઇઝેશનના નિર્ણયને લડી લેવા, ડ્રેજિંગની સમસ્યા અને મોટો ખર્ચ જે થાય છે, તે કેન્દ્ર સરકારને ભોગવવો જોઇએ, હાલમાં મહાબંદરગાહો ટેમ્પના આધારે પોતાના દરો નક્કી કરવાની ફરજથી મુક્તિ કારણ કે, ખાનગી બંદરગાહોને ટેમ્પ લાગુ પડતુું નથી, તેથી દરેક બંદરગાહો માટે રાષ્ટ્રીસ્તરની ટેમ્પ જેવી સંસ્થા બનાવવી જોઇએ, જેથી દરેક બંદરગાહના ભાવ એક સરખા કરી શકાય.

પોર્ટ અને ગોદી કામદારોને નિવૃત્તિ પછી પેન્શનની ચૂકવણી કેન્દ્ર સરકારના સીસીએસ પેન્શન કાયદાઓના આધારે પેન્શન મળવું જોઇએ, જે વર્ષ 2007થી આવવું જોઇએ. બધા બંદરગાહોના વિકાસ માટે કેન્દ્રીય સ્તરની એક ઉચ્ચ સમિતિ જેમાં કામદારોને પણ સમાવેશ કરી મહાબંદરગાહોનો વિકાસ સાચી દિશા અને સમયમર્યાદામાં કરી શકાય. બોનસની નવી નીતિનો નિર્ણય તાત્કાલિક અલમમાં મૂકવો એવો પણ ઠરાવ કરવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રીય સ્તરની બેઠકમાં બંદરગાહો ઉપર અનૈતિક રીતે ચાલી રહેલા અને પાબંદીઓ તાત્કાલિક નાબૂદ કરવી જોઇએ, જેમાં શિપિંગ મંત્રાલય દ્વારા જે અધ્યક્ષોની નિમણૂક થાય છે, તેમાં યોગ્ય ફેરફાર કરી નિષ્ણાત વ્યક્તિઓને અધ્યક્ષ તરીકે નિમણૂક આપવી જોઇએ.

મહાબંદરગાહો પર ઇન્ડિયન પોર્ટ એસોસિએશન (સોસાયટી) દ્વારા જે નિર્ણયો ઠોકી બેસાડવામાં આવે છે, તેના પર પણ રોક લગાવી આ આઇપીએ જેવી સોસાયટીને તાત્કાલિક નાબૂદ કરવી અથવા તેમાં કામદાર અગ્રણીઓને પણ અધ્યક્ષો જેવો ભાગીદારીનો હક્ક આપવો, કેન્દ્ર સરકાર દ્વારા ભરતી પર લગાવેલા પ્રતિબંધ હટાવી લેવામાં આવે છે, પરંતુ મહાબંદરગાહોમાં આવો પ્રતિબંધ ચાલુ રાખી ઠેકેદારી પ્રથાને વધારે ઉત્સાહ આપવામાં આવે છે, જેથી નોકરી મેળવવાની તકોમાં નાગરિકોને નુકસાન ભોગવવું પડે છે. આ રીતે રાષ્ટ્રીય સ્તરની આ બેઠકમાં અનેક નિર્ણયો થયેલા અને આવનારા દિવસોમાં મહાસંઘો એક મેમોરેન્ડમ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને રૂબરૂ આપવાનો પણ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

મહાસંઘોએ રાષ્ટ્રીય સ્તરની જે કેન્દ્રના યુનિયનોનું આંદોલન તા. 5/12ના નવી દિલ્હી ખાતે તથા દરેક રાજ્યના વડા મથકે મહારેલી અને આંદોલનોના નિર્ણયને સંપૂર્ણ ટેકો આપી તેમાં ભાગ લેવાનો પણ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રીય સ્તરના બેઠકમાં કંડલા પોર્ટ કર્મચારી સંઘના 12 પ્રતિનિધિનું એક પ્રતિનિધિ મંડળ યુનિયનના પ્રમુખની આગેવાની હેઠલ ભાગ લીધો હતો. પાંચ મહિલા પણ ઉપસ્થિત રહી હતી. યુનિયનના મુખ્ય પદાધિકારીઓમાં રાણાભાઇ વીસરિયા, કે.સી. આયંગર, રાજેન્દ્ર સતીજા, અનવર માંજોઠી, જયદેવસિંહ ઝાલા, ગુલશન ઇલાવિયા, શોભના નાયર, મનીષા હેડાઉ, વીના વીસારિયા તથા મહામંત્રી નારિભાઇ રામદાસાણી વગેરે જોડાયા હતા.

સંમેલનનું સંચાલન સમિતિના મહામંત્રી પી. મહોમ્મદ હનીફ અને અધ્યક્ષ પ્રભાતકુમાર સામંતરાય દ્વારા કરવામાં આવ્યું હતું. હાજર રહેલા કામદાર નેતા અને ડેલિગેટ સમક્ષ કેપીકેએસ યુનિયનના પ્રમુખ મોહનભાઇ આસવાણીએ મહત્ત્વના મુદ્દાઓ પ્રસ્તુત કરી, તે માટે સૂચન પણ કરવામાં આવ્યા હતા.