લીકેજ પાછળ લાખો ખર્ચવા છતાં લાઇનોમાં મોટાં છીંડાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા કલેકટર દ્વારા આદેશ અપાયા હોવા છતાં સુધરાઇના કર્મચારીઓ અને અધિકારી દાદ જ દેતા નથી

ગાંધીધામ પાલિકા દ્વારા લીકેજીસના સમારકામ માટે વર્ષે લાખો રૂપિયાનો ધૂમાડો કરવામાં આવે છે અને હજુ પણ ખર્ચાય જ રહ્યા છે તેમ છતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણીની લાઇનોમાં તો ઠેર-ઠેર લીકેજ જોવા મળી રહ્યાં છે. આશ્ચર્યની વાત તો એ છે કે, દરરોજ લીકેજના બહાને પાલિકાના માલ-સામાન સ્ટોકમાંથી ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે આ માલ-સામાન વપરાય છે કયાં એ વિશે પાલિકાના મુખ્ય અધિકારી સહિ‌તનાને અંધારાંમાં રાખી રોજમદારો અને કોન્ટ્રાકટર દ્વારા એક વ્યવસ્થિત કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે. શહેરોમાંથી લીકેજો દૂર કરવા જિલ્લા સમાહર્તાએ પણ અનેકવાર આદેશો આપ્યા છે તેમ છતાં સત્તાધીશો આ આદેશને ઘોળીને પી ગયા છે.

ગાંધીધામ પાલિકા દ્વારા શહેરમાં નાખવામાં આવેલી પીવાના પાણીની લાઇનમાં અનેક છીંડાં છે, જેમાં કિડાણા, સપનાનગર, જગજીવનનગર અને ભારતનગર તથા આદિપુરના પણ અનેક વિસ્તારોમાં પાણીની લાઇનો લીકેજ છે. એકતરફ ગત ચોમાસું નબળું રહેતાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની વિકટ સ્થિતિ ઊભી થઇ છે.

દરરોજ અનેક વિસ્તારો પાણીથી વંચિત રહે છે. ગાંધીધામને તો ટપ્પર ડેમનું મળતું પાણી પણ બંધ થઇ ગયું છે. પ્રથમ સુધરાઇ દ્વારા જ આવા લીકેજીસ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવતી હતી, પણ છેલ્લા ઘણા સમયથી રોજમદારો આવા કામ જ ન કરતા હોવાથી લીકેજ બંધ કરવા કોન્ટ્રાકટ આપવામાં આવે છે. ૧પથી વધુ દિવસથી આદિપુરમાં તો મરંમતની કામગીરી ચાલી રહી છે, જે હજુ સુધી પૂરી થઇ નથી જે-તે સમયે રાજ્ય સરકારના જવાબદાર વિભાગ દ્વારા પણ શહેરોમાંથી લીકેજીસ દૂર કરવાની કામગીરી કરવાની તેમજ જિલ્લા કલેકટરે પણ આદેશ કર્યો છે.

લીકેજ જેમ થતાં જાય તેમ દૂર કરાય છે
આ અંગે સુધરાઇના મુખ્ય અધિકારી જિગર પટેલનો સંપર્ક કરતાં જ્યાં-જ્યાં લીકેજીસની જાણ કરવામાં આવે તેની સાથે તુરંત જ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, પરંતુ આ સમસ્યાનો કેમ ઉકેલ આવતો નથી તે અંગે પૂછતાછ કરતાં જવાબ દેવાનું ટાળ્યું હતું.

સપનાનગરથી કિડાણા તરફ જતા માર્ગ પર પાણીની લાઇનોમાં ભંગાણ પડવાને કારણે બેથી ત્રણ જગ્યાએ મોટા પ્રમાણમાં પાણી ભરાઇ ગયાં હતાં. વિવેક વ્યાસ