લલિયાણાના સીમાડે ફાયરિંગ કરી માદા નીલગાયનો શિકાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જીપ લઈને આવેલા પાંચથી છ શખ્સ ફાયરિંગ કરીને ફરાર
તપાસ માટે વનખાતાની ટીમ પહોંચી ગઈ


ભચાઉ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી નીલગાયના શિકારીઓએ ત્રાસ ફેલાવ્યો છે, એવા સમયે તાલુકાના લલિયાણા ગામનો સીમાડો પણ બુધવારે સાંજે શિકારી શખ્સોના પગરણથી થથરી ઉઠયો હતો. સાંજે જીપમાં આવેલા શખ્સોએ બંદૂકમાંથી બે રાઉન્ડનું ફાયરિંગ કરતાં સીમાડો ભડાકાથી ગાજી ગયો હતો અને ગામલોકોએ ત્યાં જઈને જોયું તો એક માદા નીલગાય તરફડિયાં મારીને મરી ગયેલી હાલતમાં પડી હતી. આ બનાવની જાણ થતાં જંગલખાતાની ટુકડી પણ ધસી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જોકે, આરોપી શખ્સો ફરાર થઈ ગયા હોવાથી પ્રારંભિક તબક્કે કોઇ સગડ મળી શક્યા નહોતા. વનવિભાગના સૂત્રોએ જણાવ્યું કે, લલિયાણા ગામની સીમમાં આ બનાવ બુધવારે સાંજે સાડા સાત વાગ્યા દરમિયાન બન્યો હતો. જીપમાં આવેલા પાંચેક શખ્સે ફાયરિંગ કરીને માદા નીલગાયને બે ગોળી ધરબી દીધી હતી. બંદૂકના ભડાકાથી સીમાડો ગાજી ઉઠતાં ગામલોકો સચેત થઈ ગયા હતા.

આ બનાવ વિશે માજી સરપંચ કિરીટસિંહ જાડેજાએ વનખાતાને જાણ કરતાં ભચાઉના આરએફઓ જે.બી. ગોજિયા અને વનપાલ ગાગલભાઈ સહિ‌તની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃત નીલગાયનો કબજો લઇને તેના પીએમની તજવીજ હાથ ધરી તપાસનો દોર આરંભી દીધો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, ભચાઉના જંગી સહિ‌તના કાંઠાળપટ્ટી વિસ્તારમાં અગાઉ પણ નીલગાયોને શિકારીઓ નિશાન બનાવી ચૂક્યા છે, ફરીવાર ફાયરિંગથી બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ હતી.