લખપત પંથકમાં ૪પ લાખનો ગેરકાયદે કોલસો પકડાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાત સુધી અભયારણ્ય સહિ‌તના વિસ્તારોમાં દરોડાનો દોર જારી

છેલ્લા લાંબા સમયથી લખપત પંથકમાં ગેરકાયદે કોલસાનો કારોબાર ધમધમી રહ્યો છે, જેમાં માથાભારે શખ્સો મબલખ કમાણી કરી રહ્યા છે અને અમુક અધિકારીના ખિસ્સા પણ ગરમ થઈ રહ્યાં છે, એવી વરવી હકીકતો સામે આવ્યા બાદ વનતંત્રના ટોચના અધિકારીઓની પણ દાઢ સળકી હોય એવું લાગી રહ્યું છે. આ મુદ્દે છેલ્લા કેટલાય દિવસોથી લખપતમાં જંગલખાતું સક્રિય બન્યું છે અને દરોડાનો દોર બનાવી રાખ્યો છે, એવા સમયે ગુરુવારે સવારથી સાંજ સુધી બેથી ત્રણ ટીમ આ પંથકમાં ફરી વળી હતી.

ગુરુવારે સવારથી લખપત તાલુકામાં જંગલખાતાની ત્રણ ટીમે અહીં પડાવ નાખ્યો હતો. એસીએફ બારડની આગેવાનીમાં આ ટીમોએ તાલુકામાં જ્યાં-જ્યાં ગેરકાયદે કોલસો બનતો હતો, ત્યાં બાતમીના આધારે દરોડા પાડયા હતા. સૂત્રોએ વધુમાં આપેલી વિગતો મુજબ અમુક સ્થાનિક અધિકારીની મિલિભગત કે નબળી કામગીરીથી છેલ્લા લાંબા સમયથી અહીં બાવળનો સોથ વાળીને કોલસાની કાળી કમાઈ કરોડોને આંબી ગઈ છે. એ બાબત સરાજાહેર પ્રકાશમાં આવતાં ફોરેસ્ટના ઉચ્ચકક્ષાના અધિકારીઓના પગ નીચે પણ રેલો આવી ગયો છે અથવા તો તેમને પણ આ કાળી કમાઈમાં રસ જાગ્યો હોય એવું લાગી રહ્યું છે. ગુરુવારે મોડી સાંજ સુધી જંગલખાતાએ કરેલી કાર્યવાહીમાં કોલસાના કાળા ધંધા માટે કુખ્યાત ગણાતા મુખ્ય-મુખ્ય પોઇન્ટ પર આ ટીમોએ દરોડા પાડીને કોલસાનો મહાજથ્થો ઝડપી પાડયો છે, જેની કિંમત આશરે ૪પ લાખ આંકવામાં આવી રહી છે.

શું કહ્યું વન અધિકારીએ?
હજી કાર્યવાહી ચાલી રહી છે, એટલે કોઇ માહિ‌તી આપી શકાય એમ નથી. ઉપરી અધિકારીની સૂચનાથી ગેરકાયદે કોલસો પકડવાનું કામ ચાલી રહ્યું છે. -આઇ.કે. બારડ, એસીએફ, પ‌શ્ચિ‌મ કચ્છ વન વિભાગ સૂત્રધારો પકડાતા નથી
લખપત તાલુકામાં વનતંત્રે સપાટો બોલાવીને કોલસાના કારોબારીઓમાં ફફડાટ ફેલાવ્યો હોવાનું ભલે કહેવાતુંહોય, પણ આ દરોડાઓમાં હજી સુધી તંત્ર દ્વારા નાના કે મોટા કોઇ માથાંને પકડવામાં આવ્યો નથી, એ હકીકત દાળમાં કંઇ કાળું હોવા તરફ નિર્દેષ કરે છે.