યુવાનો પોતાની શકિત દેશ માટે જ ઉપયોગ કરે
ભારતના યુવાનો પાસે ગજબની શકિત છે, પણ કમનસીબે તેનો લાભ અન્ય દેશોને મળે છે, જે સ્થિતિ મારે નિવારવી છે. આવા વિચાર મુળ ભુજના પરિવારના અને ગાંધીનગરમાં જન્મેલા યુવક જય વોરાના છે.
જય નિલેન્દુ વોરાએ ઉચ્ચ ગુણાંક સાથે કમ્પ્યૂટર એન્જિનિયરિંગની પરીક્ષા પાસ કરી તે સાથે અમેરિકા સહિતના દેશોમાંથી લાખોના પેકેજની ઓફરો આવવા લાગી, પણ જયના મનમાં તો રાષ્ટ્રભાવના રમતી હતી એટલે તેણે તમામને ઠોકર મારી દીધી અને અમદાવાદ સ્થિત એક કંપનીમાં જોબ શરૂ કરી હતી. આજે તેની ગાંધીનગરમાં એક શ્રેષ્ઠ ઉદ્યોગ સાહસિક તરીકે ગણના થાય છે.
ર૬ વર્ષની તરવરાટભરી વયે તેણે આ જોબ મૂકીને આ ક્ષેત્રે ભણતા યુવાનો માટે નોકરીની તકો ઊભી કરવા નિર્ધાર કર્યો. નાની વયે સફળ ઉદ્યોગ સાહસિક બનેલા જયે તેના મિત્ર હુસેન દાઉદી સાથે મળી ગાંધીનગરમાં જ કન્સલ્ટન્સ કંપની શરૂ કરી. બે જણ સાથે શરૂ કરેલું કામ આજે ૧૬ કર્મચારી કરી રહયા છે. આગામી દિવસોમાં તેને પ્રાઇવેટ લિમિટેડ તરીકે પણ માન્યતા મળી જશે. ગાંધીનગરમાં બન્ને યુવાનની કંપનીમાં દરેક વ્યકિતએ પોતાનું કામ સ્વયં કરવું જોઇએ અને એટલે જ તેણે પોતાની ફર્મમાં પટાવાળા (પ્યૂન)ની પોસ્ટ રાખી જ નથી.
માતૃભાષા જ શ્રેષ્ઠ માધ્યમ
ભારતમાં નવું આપવાવાળા યુવાનોની કમી નથી જરૂર છે, માત્ર તેને પ્રોત્સાહન આપવાની બસ, આ વિચારને લક્ષમાં રાખી જય વોરાએ કહયું કે, તેણે ભારતમાંથી જ શિક્ષણ મેળવ્યું છે અને તેનો લાભ પણ હિન્દુસ્તાનને જ મળે તો જ સાચું ઋણ અદા કર્યું કહેવાય. માતૃભાષામાં શિક્ષણ મેળવી અંગ્રેજીમાં કાબેલિયત મેળવનારો જય કહે છે. માતૃભાષા જ શ્રેષ્ઠ કારકિર્દી માટે જરૂરી છે અને તો ઇંગ્લિશ પર કમાન્ડ આવે.
વ્યવસાયની સાથે ટીચિંગ
જય અને તેના મિત્ર હુસેન માત્ર જોબવર્ક કરી પૈસા રળવામાં નથી માનતા. તેઓએ એન્જિનિયરિંગમાં ભણતા છાત્રોને ભણાવવાનું કામ પણ શરૂ કર્યું છે, જેમાં દેશના તો ઠીક અન્ય દેશોમાંથી પણ ઓનલાઇન શિક્ષણનો લાભ વિદ્યાર્થીઓ લઇ રહયા છે. આ ઉપરાંત તેઓની કંપની દ્વારા સામાજિક જવાબદારી નિભાવાઇ રહી છે, જેના બ્લડ ડોનેશન કેમ્પ, એઇડસગ્રસ્તોને મીઠાઇ વિતરણ, ગરીબોને સહાય જેવાં કામો મુખ્ય છે. ખુદ જય અને હુસેન પણ અનેકવાર લોહી આપી ચુકયા છે.