કચ્છી બાળ વૈજ્ઞાનિકોની કમાલ: બહેરા દાંત વડે સાંભળી શકશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજની જયેષ્ઠાનગર પ્રા.શાળાની કૃતિએ રાજ્ય -કક્ષાએ સ્થાન મેળવ્યું કચ્છની સરકારી શાળાના બાળકો પણ પોતાના જ્ઞાન અને વિજ્ઞાન દ્વારા બહેરાને સાંભળતા કરી શકે તેવું યંત્ર વિજ્ઞાન મેળામાં રજૂ કરીને રાજ્યકક્ષાએ વાહ વાહ મેળવી ગયા છે. જ્ઞાન એ આંખ છે, જ્યારે વિજ્ઞાન એ પાંખ છે. બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે અને ભાવિ વૈજ્ઞાનિકો તૈયાર થાય તેવા આશય સાથે જીસીઇઆરટી-ગાંધીનગર દ્વારા પ્રાથમિક શાળાઓમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત ભુજની જયેષ્ઠાનગર પ્રા.શાળા નં.૬ના બાળ વૈજ્ઞાનિકોએ બહેરાં બાળકો દાંત વડે શિક્ષા મેળવી શકે અને સાંભળી પણ શકે તેવી ટેકિનકની શોધ કરતાં આ કૃતિને રાજયકક્ષાએ સ્થાન મળ્યું છે. આ પદ્ધતિનો સિદ્ધાંત જણાવતાં બાળ વૈજ્ઞાનિકોના માર્ગદર્શક શિક્ષક નિલેશ પટેલે જણાવ્યું હતું કે, કાનમાં ત્રણ વસ્તુ એરણ, હથોડી, પેગડુ તેમજ પ્રવાહીમાં ધ્રૂજારી ઉદ્ભવીને જે કર્ણચેતા દ્વારા મગજમાં સાંભળી શકાય છે, જે કર્ણચેતાનો સીધો સંપર્ક દાંત સાથે છે, જે ધ્રૂજારી દ્વારા મગજમાં સંભળાય છે. આ કૃતિને અકરમ બ્રેર અને સંઘાર મુસ્તાકે તૈયાર કરી છે. શાળાના આચાર્ય ધીરજ ઠકકર અને સંજય ગોરનું માર્ગદર્શન સાંપડયું હતું. વાહનવ્યવહાર અને સંચાર વિભાગમાં પસંદગી પામેલી કૃતિને જિ.પ્રા.શિ.નટવરસિંહ રાઠોડ, ડાયેટના પ્રાચાર્ય લોખંડવાલા, જિલ્લા શિક્ષણાધિકારી મુકેશ પટેલ, ભુજ બી.આર.સી.ભૂપેશ ગોસ્વામીએ બિરદાવી હતી.