ભુજ: કેનેડા ટ્રેડ મિશન માટે કચ્છનું ડેલિગેશન રવાના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર - કેનેડા જઈ રહેલા ઉદ્યોગપતિઓનું સન્માન)

- કચ્છ ચેમ્બરના 23 ઉદ્યોગપતિ વ્યાપાર વિનિમય માટે વિદેશ પ્રવાસે : ભુજમાં અપાઇ વિદાય

ભુજ: કચ્છીઓ વર્ષોથી વિદેશ વ્યાપાર અર્થે વસવાટ કરવાની પરંપરાને આગળ વધારતા હોય તેમ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની આગેવાની હેઠળ જિલ્લાના 23 ઉદ્યોગપતિ આગામી તા.13 સપ્ટેમ્બરના વ્યાપારિક વિસ્તરણના હેતુથી કેનેડા જઇ રહ્યા છે. ગત વર્ષે કેનેડાના હેમંતભાઇ શાહના પ્રયત્નથી વિનિપેગ વ્યાપાર વિનિમયના મિસ બોનીએ કચ્છની મુલાકાત લઇ વ્યાપાર માટે આમંત્રણ આપ્યું હતું, જેને પગલે કચ્છ મેમ્બર અને વિનિપેગ વચ્ચે સફેદ રણમાં ઐતિહાસિક એમઓયુ થયા હતા. વ્યાપારિક આદાન પ્રદાનના પગલે કચ્છના ઉદ્યોગપતિઓ કેનેડાના ભૌગોલિક, વ્યવસાયિક અને ઔદ્યોગિક રીતે કેમ સફળ છે તથા કઇ રીતે એમની સાથે જોડાઇ શકાય તેનો અભ્યાસ કર્યો હતો. ત્રણ દિવસ બાદ જતા ડેલિગેશનનો કચ્છમાંથી જતો સૌ પ્રથમ ડેલિગેશન છે.
સર્વેને શુભેચ્છારૂપ યોજાયેલા કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે, કેનેડામાં તા.13થી 20 સુધી વિનિપેગમાં વિવિધ બિઝનેસ ડેલિગેટ્સ સાથે મીટિંગ છે તથા ભારત તરફથી ત્યાંની એસેમ્બલીમાં પ્રેઝન્ટેશન દ્વારા અહીં વ્યાપારની શક્યતાઓની સમજ અપાશે, જ્યારે તા.20થી 25 સુધી ટોરન્ટોમાં કચ્છથી ગયેલાં ઉદ્યોગપતિઓ વિવિધ સેક્ટરમાં કેમ જોડાણ થઇ શકે તેની શક્યતાઓ માટે મીટિંગ યોજાશે. આ પ્રસંગે શુભેચ્છા આપતા કલેક્ટર મહેન્દ્ર પટેલે સૌને કચ્છી વ્યાપારી કુનેહનું કેનેડામાં ઉપયોગ કરી અને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ થવા કહ્યું હતું. જાન્યુઆરી 2015માં વાઇબ્રન્ટ ગુજરાત માટે અત્યારથી અધિકારીઓ દ્વારા તૈયારીઓ આરંભાઇ ગઇ છે, ત્યારે કચ્છ ચેમ્બરનું ડેલિગેશન પણ તેમાં આગવા એમઓયુ થાય તેવી આશા વ્યક્ત કરી હતી.

ચેમ્બરને જમીન ફાળવવા માગણી
કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના કેનેડા જઇ રહેલા ડેલિગેટ્સને વિદાય આપતા સમારંભમાં સંસ્થાના મંત્રી ઉપસ્થિત કલેક્ટરને તેમને ભવન બનાવવા જમીનની માગણીને મંજૂરીની મહોર મારવા ભલામણ કરી હતી. બે વર્ષ અગાઉ જ મૂકાઇ ગયેલી તથા સંપૂર્ણ વિધિ બાદ માત્ર મંજૂરી બાકી છે, ત્યારે ઝડપથી જો પાસ થાય તો આંતરરાષ્ટ્રીય બિઝનેસ થઇ શકે તેવી સંભાવના વ્યક્ત કરી હતી.