વોંધડાની સીમમાં બંદૂકના ભડાકે વધુ એક નીલગાયની હત્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભચાઉ તાલુકાના વોંધડા ગામની સીમમાં બે દિવસ પહેલાં જ નીલગાયની હત્યા કરી દેવાની વિગતો પ્રકાશમાં આવી હતી, ત્યાં ફરી એ જ વિસ્તારમાં બંદૂકના ભડકે એક નીલગાયને મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવતા ચકચાર વ્યાપી ગઈ હતી. આ મામલે તંત્ર વાકેફ હોવા છતાં નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે.

વોંધડાના એક ખેતરના સેઢા પર નીલગાયનું મારણ થયું હતું. અવશેષો પરથી ત્રણેક દિવસ પહેલાં જ તેને ગોળી મારવામાં આવી હોવાનું લાગી રહ્યું હતું. તેના ડાબી બાજુના પડખામાં ગોળી લાગ્યાનું નિશાન જોવા મળ્યું હતું.

ભચાઉ તાલુકાના ગામડાંમાં અત્યારે ચોમાસાં બાદ ખેતરોમાં મોલને વાઢવાનું કામ શરૂ થયું છે. ચોમાસા બાદ ઘાસચારો ખાઈને નીલગાયો હષ્ટપુષ્ટ થઈ ગઈ છે. એના માંસથી મોટી કમાણી કરી લેવાના મૂડમાં શિકારીઓ મોટાપાયે સક્રિય માલૂમ પડી રહ્યા છે. એક માલધારીના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં દરરોજ ત્રણ-ચાર નીલગાયને હણવામાં આવતી હોવાથી મહિ‌ને અંદાજે એકસો જંગલી પશુના શિકાર થાય છે.

ઉલ્લેખનીય છે કે, આ શિકારની વાત કરમરિયાના માજી સરપંચ શંકર આહિ‌રે વનતંત્રના એક અધિકારીને કરતાં તેમણે ઉડાઉ જવાબ આપ્યો હતો. વનતંત્રને લોકો સામેથી માહિ‌તગાર કરે છે આમ છતાં દાખવવામાં આવતી નિષ્ક્રિયતા ગંભીર રૂપ ધારણ કરે એ પહેલાં શિકારીઓ સામે કડક હાથે કામ લેવાનો સમય આવી ગયો હોવાનું ગામલોકોએ જણાવ્યું હતું.