કંડલામાં ગુડ્સ ટ્રેનના ૪ વ્હીલ નીકળ્યાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-કંડલામાં ગુડ્સ ટ્રેનના ૪ વ્હીલ નીકળ્યાં
-શનિવારે રાત્રે બનેલી ઘટનાને પગલે રેલવેની સાઇરનથી લોકો મૂંઝાયા
ફોસ્ફેટ ભરેલી ગુડ્સ ટ્રેનના એક વેગનના ચાર વ્હીલ નીકળી ગયાં હતાં. માલગાડી ડિ-રેલ થઇ જતાં ગાંધીધામ રેલવે દ્વારા ચેતવણીરૂપે ત્રણ સાઇરન વગાડવામાં આવ્યા હતા. એકાએક રાતના સમયે સાઇરન ગુંજી ઉઠતાં કંડલા તેમજ આસપાસના લોકો પણ આશ્ચર્ય સાથે મૂંઝાઇ ગયા હતા.
શનિવારે કંડલા પોર્ટમાંથી માલગાડી નીકળી હતી. ટ્રેનને શન્ટિંગ કરવાની કામગીરી દરમિયાન વેગનના ચાર વ્હીલ નીકળીને ટ્રેકની બહાર આવી ગયાં હતાં, ગુડ્સ ટ્રેનને અટકાવી દેવામાં આવી હતી. માલગાડી ડિ-રેલ થવાની આ ઘટના અંગે જવાબદાર રેલવે વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓને જાણ કરવાના આશયથી ત્રણ વાર સાઇરન વગાડવામાં આવ્યા હતા. ઓચિંતા સાઇરનને પગલે કંડલામાં રહેતા લોકો પણ એક તબક્કે મૂંઝાઇ ગયા હતા. માલગાડીના પૈડાં નીકળી ગયાની વાત ખબર પડતાં છેવટે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ક્યારે સાઇરન વાગે?
રેલવે દ્વારા સંકટના સમયે કર્મચારીઓ તથા લોકોને જાણ થાય તે માટે સાઇરન સિસ્ટમ વિકસાવી છે, જેમાં જુદા-જુદા સંજોગોમાં કેટલી વાર, કેવી રીતે સાઇરન વગાડવા તેના સ્પષ્ટ દિશાનિર્દેશ પણ આપવામાં આવેલા છે, જેમાં સાવ સામાન્ય ઘટનામાં ડી-રેલ જેવું બન્યું હોય અને ટ્રેન કેન્સલ થઇ હોય, તો એક વાર સાઇરન વગાડવામાં આવે છે. ગાંધીધામ યાર્ડમાં ગુડ્ઝ ટ્રેન ડી-રેલ થવાની ઘટના બને, તો બે વાર સાઇરન વાગે છે. યાર્ડ અને ગાંધીધામથી બહાર ગુડ્ઝ ટ્રેન ખડી પડે તેવા સંજોગોમાં ત્રણ વાર સાઇરન વાગતી હોય છે. શનિવારે બનેલી ઘટના કંડલામાં થઇ હોવાથી નિયમ પ્રમાણે ત્રણ વાર સાઇરન વાગ્યા હતા, જ્યારે ચાર વાર સાઇરન વાગે ત્યારે રેલવે તેને ખૂબ જ ગંભીરતાથી લેતું હોય છે. કારણ કે, પેસેન્જર ટ્રેનને કોઇ અકસ્માત થાય, તો ચાર વાર સાઇરન વાગતા હોય છે.