• Gujarati News
  • Kachchh University. The Student To His Father, 'James Bond'

કચ્છ યુનિ.એ વિદ્યાર્થીઓના પિતાને બનાવ્યા 'જેમ્સ બોન્ડ’

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લો કોલેજની સુધારેલી માર્કશીટમાં પણ છબરડા

હોલીવૂડની જાસૂસી ફિલ્મ માટે જાણીતા જેમ્સ બોન્ડ (૦૦૭) વિશે ભાગ્યે જ કોઇ અજાણ હશે. આ પાત્ર માટે હીરો બનવા અત્યાર સુધી ૮ કલાકારે તનતોડ મહેનત કરી છે, પણ કચ્છ યુનિવર્સિ‌ટીએ લો કોલેજના વિદ્યાર્થીઓના પિતાઓના નામની પાછળ ૦૦૭ લગાવી જેમ્સ બોન્ડ બનાવી દીધા છે.

લો કોલેજના વિદ્યાર્થીઓને ૧૬ નવેમ્બર ૨૦૧૨માં લેવાયેલી પરીક્ષાની માર્કશીટ મળી હતી, જેમાં ભૂલ જણાતાં કચ્છ યુનિ.એ તેમાં વિદ્યાર્થીઓના ખર્ચે સુધારા-વધારા કરી આપ્યા, પરંતુ જે માર્કશીટ સોમવારે મળી, તેમાં પણ મોટા છબરડા જણાતાં લો કોલેજના ૭૦ જેટલા વિદ્યાર્થીએ વિરોધ કરી કોલેજના આચાર્ય અને કલાર્ક સામે હુરિયો બોલાવ્યા હતો.

બાર કાઉન્સિલની પરીક્ષા જુલાઇ માસમાં છે, જેમાં આ માર્કશીટની ઝેરોક્ષ બિડવાની હોય છે, જેની આખર તારીખ ૩૦મી મે છે, છતાં સુધારેલી માર્કશીટ ન મળતાં કચ્છ યુનિ.ના કુલપતિ સમક્ષ વિદ્યાર્થીઓએ વાત કરતાં ઉડાઉ જવાબ મળ્યા હતા. આ અંગે પરીક્ષા નિયામકને મળો તેવું કહેવામાં આવ્યું. એટલું જ નહીં, પરંતુ કુલપતિએ વિદ્યાર્થીઓને જણાવ્યું કે, આ બાબતે હું નવો છું, મને કશી ખબર નથી. કેટલાક વિદ્યાર્થીઓએ 'દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, આ વખતે અમે બાર કાઉન્સિલની પરીક્ષાનું ફોર્મ ભરી નહીં શકીએ. કારણ કે, હજુ સુધી માર્કશીટ આવી નથી. આવી છે તો પિતાના નામ પાછળ ૦૦૭ લખેલું છે, કયાંક ૦૦૮ લેખેલું છે. એટલું જ નહીં, પરંતુ ઓછામાં ઓછા ગુણ પ૦ છે, પરંતુ માર્કશીટમાં ૩૩ બતાવવામાં આવ્યા છે અને જેમાં પાંચ વિષયનો સરવાળો ૨પ૦ કુલ થતો નથી. આ એક ગંભીર પ્રકારની ભૂલ છે. આ બાબતે માર્કશીટ સુધારણાના પણ રૂ.૧૦૦ વિદ્યાર્થીઓને ચૂકવવા પડશે.

આ બાબતે કચ્છ યુનિવર્સિ‌ટીના પરીક્ષા નિયામક ડો. બી.એમ.બકરાણિયાએ જણાવ્યું હતું કે, આ અંગે મને કોઇ માહિ‌તી નથી, કોઇએ જાણ કરી નથી, ભૂલ હશે તો ચોક્કસ સુધારવામાં આવશે. આ મુદ્દે વિદ્યાર્થીઓમાં ભારેભાર રોષ જોવા મળે છે.