સિંચાઇના ડિવિઝનો ભુજની બહાર મૂકવાનો નિર્ણય અદ્ધર જ રહી ગયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકારે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકોની ભાવનાને અનુસરીને સિંચાઇ ખાતાના ત્રણેક ડિવિઝનના હેડકવાર્ટર ભુજ સિવાયના અન્ય તાલુકા મથકે કરવાનો નિર્ણય લીધાને છ મહિ‌ના કરતાં પણ વધુ સમય થઇ ગયા પછી પણ આ ડિવિઝનો ભુજમાં જ કામ કરતા હોવાથી એટીવીટીની ભાવનાનો છેદ જ ઉડી ગયો હોવાનું માલૂમ પડી રહ્યું છે.
કાર્યપાલક કક્ષાના અધિકારીનો લાભ તાલુકા મથકે જ મળે, તે માટે સરકારે ભુજમાં સિંચાઇના કાર્યરત ચાર ડિવિઝન પૈકી ત્રણના ભચાઉ, માંડવી અને અંજારમાં મુખ્યમથક બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ વાતને છ મહિ‌નાથી પણ વધુ સમય થઇ ગયો હોવા છતાં તમામ ડિવિઝનો આજે પણ ભુજમાં જ મુખ્યમથક બનાવીને કાર્ય કરી રહ્યા છે.
સિંચાઇ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આ નિર્ણય લેવાયો ત્યારે અલગ-અલગ કામગીરી કરતા ડિવિઝનોએ હવેથી તમામ પ્રકારની કામગીરી કરવાની પણ પોતાના વિસ્તારમાં જ એવું પણ નક્કી થયું હતું, તેને લીધે ક્ષાર નિયંત્રણની કામગીરી માત્ર ક્ષાર અંકુશ ડિપાર્ટમેન્ટ નહીં, પણ જે ડિવિઝનના વિસ્તારમાં જે કાર્ય આવતું હોય, તે તેણે કરવાનું નક્કી થયું હતું.
સૂત્રોના કહેવા મુજબ પહેલી સપ્ટેમ્બરથી આ રીતની કામગીરી શરૂ થઇ ગઇ છે, પણ હેડકવાર્ટર દરેકના હજુ ભુજમાં જ રહ્યા છે. તેને લીધે જે-તે પ્રાંત અધિકારીને એટીવીટીમાં સિંચાઇની કામગીરી આટોપવામાં પણ તકલીફ પડી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સંદર્ભે સિંચાઇના સુપ્રિ. એન્જિનિયર પટેલનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ તેઓ આઉટ ઓફ સ્ટેશન હોવાને લીધે મળી શક્યા ન હતા.
- કયા વિભાગને કયાં મુકાયો હતો ?
જળસંપત્તિ સંશોધન વિભાગ ભચાઉ
કચ્છ સિંચાઇ બાંધકામ વિભાગ માંડવી
પંચાયત મોજણી-સંશોધન વિભાગ (ગુણવત્તા) અંજાર
કચ્છ સિંચાઇ વિભાગ ભુજ
- માત્ર એક જ કાર્ય. ઇજનેરથી તંત્ર ચાલે છે
સિંચાઇ વિભાગના કચ્છમાં ચાર ડિવિઝન છે. ચારેયમાં કાર્યપાલક ઇજનેર કક્ષાના અધિકારીની ઉપરી પોસ્ટ છે. આ ચારેય ડિવિઝનમાંથી માત્ર એક જ ડિવિઝન પાસે ફુલટાઇમ કાર્યપાલક ઇજનેર છે. બાકીના ત્રણ ડિવિઝન લાંબા સમયથી ઇન્ચાર્જના ભરોસે જ ચાલે છે.