તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભચાઉ વિસ્તારમાં આરોગ્યની ટીમો દ્વારા સઘન તપાસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પોલીસના ડરના કારણે ઘરે પૂરાઇ ગયેલા ચારને વધુ સારવાર માટે ભુજ-ગાંધીધામ ખસેડાયા

ભચાઉમાં થયેલા લઠ્ઠાકાંડની ગંભીરતા લઇને તંત્ર દ્વારા ઉતારાયેલી આરોગ્ય વિભાગની ટીમોએ ઝુંબેશ ચલાવતાં ચાર લોકોને લઠ્ઠાની અસર જણાઇ આવતાં સારવાર માટે ભુજ અને ગાંધીધામ ખસેડાયા હતા, જ્યારે અન્ય કેટલાકને સ્થાનિકે સારવાર અપાઇ હતી. બનાવના પગલે સરકારી હોસ્પિટલમાં આવેલા ગાંધીધામ મતવિસ્તારના ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી.

દરમિયાન આરોગ્ય વિભાગની ૧૦ જેટલી ટુકડીએ જૂનાવાડા, વાદીનગર, મદીનાનગર જેવા વિસ્તારમાં ઘરોઘર ફરીને તપાસ કરી હતી તેમજ એમ્બ્યુલન્સમાં માઇક લગાડીને લોકોને ગભરાવવાનું છોડી જો કોઇ તપાસ કરાવતાં ડરતું હોય તેમને બહાર આવવા અનુરોધ કર્યો હતો, જેના પગલે તપાસ કરાવતાં અસીન માંગીલાલ મારવાડી, સુદામા ગુપ્તા (યુ.પી.), સોમા જેમા વસૈયા (દાહોદ) અને દિનેશ રૂપશી ભંગીને લઠ્ઠાકાંડ બાદ અસર વર્તાઇ હતી. તેમને પ્રથમ સ્થાનિકે સારવાર અપાયા બાદ ભુજ અને ગાંધીધામ રિફર કરાયા હતા, જ્યારે અમૃતભા કલ્યાણભા ગઢવી, ભરત રામજી કોલી, ધર્મેન્દ્રસિંહ ભીખુભા જાડેજા, મનજી જેમલ ભીલને સારવાર અપાઇ હતી.

- કોંગ્રેસ સહિ‌ત બે રાજકીય પાર્ટીએ કરી આકરી નિંદા

ભચાઉની ઘટના અને ભુજ નજીક દારૂ બનાવવાનો આથો પીવાથી ગાયોનાં મોતના બનાવ વિશે કચ્છ જિલ્લા કોંગ્રેસ અને લોક જનશક્તિ પાર્ટીએ રાજ્ય સરકારની આકરા શબ્દોમાં ટીકા કરીને દારૂના દૂષણને તાત્કાલિક કડક હાથે ડામી દેવા માગણી કરી છે. ભચાઉમાં કોંગ્રેસ દ્વારા પોલીસની બેદરકારી સામે પગલાં લેવા ગુરુવારે તંત્ર સમક્ષ આવેદનપત્ર ધરવામાં આવશે, જ્યારે ભુજમાં શુક્રવારે જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે એકત્ર થઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે.