તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છમાં ૨૨ દિ’માં જ બદલી કરાવતા ઇન્સ્પેક્ટર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પૂર્વ કચ્છ LCBમાંથી રાપર CPI તરીકે ગયા હતા

ગુજરાતી ભાષામાં એક કહેવાત છેને કે, 'ઓળખાણ એ મોટી ખાણ છે’ તેમાંય વળી મહત્ત્વપૂર્ણ કહી શકાય તેવી જગ્યા ઉપર કોઇ અધિકારી હોય, પછી તો વાત જ શું કરવાની હોય. આ કહેવત પૂર્વ કચ્છ એલસીબીના ઇન્સ્પેક્ટર રહી ચુકેલા હરદેવસિંહ કે. વાઘેલાને એકદમ ફિટ બેસે છે. કારણ કે, માત્ર ૨૨ દિવસ પહેલાં જ તેમને પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ની મહત્ત્વપૂર્ણ એવી ઇન્સ્પેક્ટરની ટ્રાન્સફર ખાસ મહત્ત્વપૂર્ણ ન કહી શકાય એવી રાપર સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર (સીપીઆઇ)ની જગ્યા ઉપર મૂકવામાં આવ્યા હતા.

ઇન્સ્પેક્ટર એચ.કે. વાઘેલાની આ બદલી થઇ ત્યારથી જ નક્કી હતું કે, તેઓ હવે પૂર્વ કચ્છના અંતિમ કહી શકાય તેવાં રાપરમાંથી ગમે ત્યારે કચ્છ છોડીને વિદાય લઇ લેશે. બન્યું પણ એવું. ખુદ ઇન્સ્પેક્ટર એચ.કે. વાઘેલાનું એવું કહેવું છે કે, તેમની કામગીરીને કારણે ગાંધીનગર અને અમદાવાદ સ્થિત ઉચ્ચ આઇપીએસ અધિકારીઓએ તેમની માગણી કરીને બદલી કરી છે, તેમનો પરિવાર પણ અમદાવાદમાં હોવાથી આ ટ્રાન્સફર તેમના માટે સુખદ છે તેવું વાઘેલાએ વધુમાં ઉમેર્યું હતું. વાઘેલા જ્યારે કચ્છમાં બદલી થઇને આવ્યા ત્યારે એવી પણ ચર્ચા થતી હતી કે, તેઓ તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી પ્રફુલ્લ પટેલના ખૂબ જ નજીક છે.

મજા ન આવે એટલે બદલી કરાવી લેવાની

ઇન્સ્પેક્ટર એચ.કે. વાઘેલાના કિસ્સામાં બદલીના કારણો ભલે ગમે તે હોય, પરંતુ કચ્છ પોલીસનો ઇતિહાસ કહે છે કે, કોઇપણ વજનદાર પોલીસ અધિકારી જ્યારે કચ્છમાં સાઇડ લાઇન થઇ જાય છે, ત્યારે તેની બદલી કચ્છ બહાર થઇ જાય છે. પૂર્વ કચ્છની જ વાત કરીએ, તો ભૂતકાળમાં ગાંધીધામ બી ડિવિઝનમાં ઇન્સ્પેક્ટર રહી ચૂકેલા ડી.વી. બસિયાને પણ જ્યારે સીપીઆઇ અને એલઆઇબી જેવી બ્રાન્ચ મળી, ત્યારે તેમની પણ ઓચિંતી બદલી થઇ ગઇ હતી. ટ્રાફિકના મહિ‌લા પીએસઆઇ રહી ચૂકેલા એ.આર. વાઘેલાએ પણ સિંગલ ઓર્ડર કરાવી કચ્છ બહાર નીકળી ગયા હતા.

આ તે કેવો વહીવટ : ક્યાંક આપઘાત અને..

સબ ઇન્સ્પેક્ટર હનીફ ગોરી જેવા વ્યક્તિએ બદલી જેવા મુદ્દે આપઘાત કર્યો છે તેવી વાત ખુદ પોલીસ કહી રહી છે ત્યારે, લાગવગ વાળા અધિકારીઓ ગણતરીના દિવસોમાં કચ્છમાંથી ચાલ્યા જાય છે.