અંજારમાં આવકવેરાની ટીમે પ૦ લાખ ખંખેરી લીધા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જમીન-વ્યાજનો ધંધો કરતો શખ્સ હાથોહાથ ઝડપાયો
- ઇન્કમટેક્સ રિટર્નમાં સર્વિ‌સની આવક બતાવી અને 'બાપુ’ ફસાયા


ગાંધીધામ આવકવેરાની એક ટીમને શનિવારે બગાસું ખાતાં પતાસું હાથમાં આવી ગયું હોય, તેવો તાલ સર્જા‍યો હતો. અંજારના એક 'બાપુ’ જેઓ જમીન તેમજ વ્યાજ વટાવનો ધંધો કરે છે, તેમના ઘરે તપાસને બહાને જઇ પ૦ લાખનો 'વહીવટ’ કરી લીધો હોવાનો આક્ષેપ ઉઠયો છે. આઇટી ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા સૂત્રોનું માનીએ, તો આવકવેરા વિભાગમાં કામ કરતા ઇન્સ્પેક્ટરકક્ષાના કર્મચારીની સાથે બીજા બે-ત્રણ મળીને એક ટીમ અંજારમાં જમીન તેમજ વ્યાજે રૂપિયા ફેરવવાનો ધંધો કરતા એક બાપુને ત્યાં તપાસ માટે પહોંચી ગઇ હતી, આ બાપુએ તેમના રિટર્નમાં આવકના સ્ત્રોત તરીકે ખેતીની તેમજ સર્વિ‌સની વિગત આપી હતી. બાપુએ તેમના રિટર્ન ઉપરાંત મમ્મી- પપ્પા અને પત્નીના નામે રિટર્ન ફાઇલ કર્યું હતું.

આઇટીની ટીમે ખેતી ઉપરાંત સર્વિ‌સની આવક અંગે પૂછપરછ કરી, ત્યારે બાપુ મૂંઝાઇ ગયા હતા. રિટર્ન તૈયાર કરનારી વ્યક્તિને ફોન કરી ઘરે બોલાવી લીધી હતી. રિટર્ન ભરનારી વ્યક્તિએ તો દોષનો ટોપલો બાપુ ઉપર નાખીને કહ્યું કે, તમે કહ્યું એટલે મેં આવક બતાવી દીધી છે, આવકવેરાની ટીમ પરિસ્થિતિ પામી ગઇ હતી બાપુ ઉપર દબાણ વધારી દીધું હતું. અંજારના બાપુએ ભચાઉમાં તેમના સગા એવા એક જાણીતા રાજકીય બાપુને ફોન કરીને ઘટના અંગે કહ્યું હતું. આઇટીની ટીમે કોઇને દાદ આપી ન હતી અને છેવટે મામલો પ૦ લાખમાં સમેટાઇ ગયો હતો.