• Gujarati News
  • In Samakhiyali Drunk Constable In Hospital Demolition

સામખિયાળીમાં પીધેલા કોન્સ્ટેબલે હોસ્પિટલમાં કરી તોડફોડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિલ્હી ગયેલા તબીબને મળવાની જીદ કરી: સમજાવવા જતાં ઉશ્કેરાઈને કાચનો દરવાજો તોડી નાખ્યો : મહિ‌લાને કાચ લાગ્યો

સામખિયાળીમાં એક પીધેલા કોન્સ્ટેબલે ભારે તરખાટ મચાવ્યાની ઘટનાએ ચકચાર જગાવી હતી. આ પોલીસ કર્મચારીએ નશાની હાલતમાં એક હોસ્પિટલમાં ઘૂસીને દિલ્હી ગયેલા તબીબને મળવાની જીદ પકડી હતી. અન્ય ડોક્ટર એને સમજાવવા ગયા, ત્યારે આ શખ્સે ઉશ્કેરાઈને તેના હાથ કાચના દરવાજા પર પછાડયા હતા અને કાચ તોડી નાખ્યો હતો, જેમાં એક મહિ‌લા તબીબને પણ કાચ લાગ્યો હતો. સામખિયાળીની ગોકુલ હોસ્ટિપલમાં બનેલી આ ઘટના વિશે ડો. જયેશ પટેલે જણાવ્યું કે, દિલીપ બારિયા નામનો પોલીસ કર્મચારી ગુરુવારે સાંજે હોસ્પિટલમાં ઘૂસી આવ્યો હતો. તે દારૂ પીધેલો હતો. તેને ડો. મહેન્દ્ર યાદવને મળવું હતું અને આ તબીબ લગ્ન પ્રસંગે દિલ્હી ગયા હતા. એ વાત તેને કરતાં તે ઉશ્કેરાઈ ગયો હતો. નશામાં ભાન ભૂલેલા કોન્સ્ટેબલએ ઉશ્કેરાઈને કાચના દરવાજામાં બળપૂર્વક હાથ પછાડયો હતો, જેના લીધે કાચ તૂટી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, આ તોડફોડની ઘટનાથી હોસ્પિટલનો સ્ટાફ પણ ભયમાં મૂકાઈ ગયો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અહીં ફરજ બજાવતા એક મહિ‌લા તબીબને પણ કાચ લાગ્યો હતો. સાંજે બનેલી આ ઘટના વિશે હોસ્પિટલના સત્તાવાળા સામખિયાળી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચી ગયા હતા.

રાપરના આ કોન્સ્ટેબલના કરતૂત જગજાહેર
સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાપરમાં ફરજ બજાવતા અને સામખિયાળીમાં વસવાટ કરતા દિલીપ બારિયાના કરતૂત જગજાહેર છે, તે અવાર નવાર પીને ધમાલ મચાવે છે. કેટલીયવાર તો તેણે લોકોના હાથનો મેથીપાક પણ ખાધો હોવાનું કહેવાય છે.

સામખિયાળીમાં કોન્સ્ટેબલે દવાખાનામાં તોડફોડ કરી હતી.