• Gujarati News
  • In Kutch Three Three Locations Of Thepht In Bhuj, Anjar And Mandavi

કચ્છમાં ત્રણ-ત્રણ સ્થળે તસ્કરોનો તરખાટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોટી નાગલપરમાં પરિવારજનો ગયા લગ્નમાં, તો તસ્કરો ઘૂસ્યા ઘરમાં
તાળાં તોડીને તસ્કરો રૂ..૨૭૦૦૦ની માલમતા ઉઠાવી ગયા


વાગડ વિસ્તારની વ્યાપક તસ્કરીનો હજી ગાંધીધામની એલસીબીએ ભેદ ઉકેલ્યો છે, ત્યાં તો કચ્છમાં ફરી તસ્કરીનો સિલસિલો શરૂ થયો હોય એમ અંજારના મોટી નાગલપરમાં એક ઘરમાં ઘૂસીને હરામખોર શખ્સો રૂ..૨૭ હજારની માલમતા ઉઠાવી ગયા હતા. આ બનાવની વિચિત્ર વાત એ હતી કે, પરિવારજનો મુન્દ્રા ખાતે લગ્નપ્રસંગમાં મહાલવા ગયા હતા અને પાછળથી ઘરના તાળાં તૂટયાં હતાં.

સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મોટી નાગલપરના મારુતિનગરમાં રહેતા ખોજા પરિવારનો મુન્દ્રામાં લગ્નપ્રસંગ હતો. તેઓ એક સાથે ત્યાં ગયા હતા અને ઘરને તાળાં માર્યાં હતાં. ગુરુવારે તેઓ મુન્દ્રાથી પાછા આવ્યા અને જોયું તો તાળાં તૂટેલાં હતાં અને ઘરમાં તપાસ કરી તો સોના ચાંદીના દાગીના સહિ‌ત રૂ..૨૭૦૦૦ની મત્તા ચોરાઈ ગઈ હતી. આ બનાવ વિશે પરિવારના સભ્ય ઝુબેદાબેન મહેંદી અલી ખોજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એ ફરિયાદમાં દર્જ થયા પ્રમાણે તેમના ઘરમાંથી તસ્કરો રોકડા ૮૦૦૦, તેમજ ચાંદીના બે જોડી સાંકળાં, સોનાની એક વીંટી અને ત્રણ લેડીઝ ઘડિયાળ અને એક જેન્ટ્સ ઘડિયાળ ઉપાડી ગયા હતા.

ભુજમાં એન્જિનિયર સહિ‌ત બેના
મકાનમાંથી ત્રણ દિ’માં હાથફેરો
બંધ રૂમનો નકૂચો તોડીને તસ્કરો રૂ..૪૧૬૯૯ની મત્તા ઉઠાવી ગયા


ભુજમાં રહેતા એક એન્જિનિયર સહિ‌ત બેના મકાનમાં તસ્કરીનો બનાવ બન્યો હતો. એશિયા મોટર્સ વર્ક્સમાં નોકરી કરતા આ બન્ને તેમના વતન દક્ષિણ ભારતમાં ગયા હતા એ દરમિયાન બનેલા બનાવ વિશે તેમના મકાન માલિક નિવૃત્ત શિક્ષકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. શહેર પોલીસના સત્તવાર સૂત્રોએ કહ્યું કે, શિવકૃપાનગરમાં ચોરીનો આ બનાવ છેલ્લા ત્રણ દિવસ દરમિયાન બન્યો હતો. આ બનાવ વિશે મકાનના માલિક અને નિવૃત્ત શિક્ષક જીતેન્દ્રભાઈ પલિવાડે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમને તેમના મકાનની બાજુમાં આવેલા બે રૂમ ભાડે આપેલા છે. એમાં નીચલા રૂમનો નકૂચો તોડીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને એમાં કબાટ તોડીને સોનાની એક ચેન, એક વીંટી, ચાંદીની એક વીંટી તથા રોકડા મળીને કુલ ૨૭પ૦૦નો માલ ઉઠાવ્યો હતો.

સલાયામાં સાસરિયે ગયેલા યુવાનના
ઘરમાં ૮૮ હજારનું ખાતર પડયું


માંડવીના સલાયામાં એક ઘરમાં તસ્કરોએ ઘૂસીને રૂ..૮૮૦૦૦ની તસ્કરી કરી હતી. આ મસમોટી તસ્કરીના બનાવથી માંડવીમાં ચકચાર વ્યાપી ગઈ હતી. પોલીસ પણ એનો ભેદ ઉકેલવા માટે દોડધામમાં પડી ગઈ હતી. મકાન માલિક યુવાન જામનગરના બેટદ્વારકા ખાતે તેના સાસરિયાના ઘરે પરિવાર સાથે ગયો હતો, એ દરમિયાન રેઢાં પડેલાં તેના ઘરને નિશાન બનાવ્યાની આ ઘટનાથી ચકચાર વ્યાપી ગઈ હતી.

આ બનાવ વિશે પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે માંડવીના સલાયામાં આવેલા ઇબ્રાહીમશાનગરમાં મોચી તળાવ નજીક આવેલાં ઘરમાં ચોરી થઈ હતી. ચોરીનો આ બનાવ છેલ્લા નવ દિવસ દરમિયાન બન્યો હતો. ઘરધણી હુસેનભાઈ સિદ્દીક સપના સસરા જામનગરના બેટદ્વારકામાં રહે છે. તા.૧ના રોજ તેઓ પરિવાર સાથે ત્યાં ગયા હતા. ઘરે તાળાં માર્યાં હતાં. આઠ દિવસ સાસરિયામાં ગાળીને આ યુવાન તેના કુટુંબ સાથે પરત આવ્યો, ત્યારે ઘરે જોયું તો તાળાં તૂટેલાં હતાં. અંદર રાખેલા સોનાના દાગીના, વીંટી, હાથમાં પહેરવાના કડાં સહિ‌ત ૮૮૦૦૦ની માલમતા ઉપડી ગઈ હતી. આ બનાવ વિશે યુવાને તાત્કાલિક માંડવી મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ પણ ધંધે લાગી ગઈ હતી. વાગડમાં તરખાટ મચાવનારી ટોળકીનો એક સૂત્રધાર ગાંધીધામ એલસીબીએ પકડયો છે.