સુરજબારી પાસે ૭૨ હજારનો ગેરકાયદે કોલસો પકડાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બન્નીથી ભરાયેલો જથ્થો ટ્રકમાં ભરીને મોરબી લઈ જવાતો હતો

કચ્છના પ્રવેશદ્વાર સમા સુરજબારી પુલ નજીક રૂ.૭૨ હજારનો ગેરકાયદે કોલસો ભરેલી ટ્રક વન વિભાગે પકડી પાડી હતી. આ જથ્થો બન્ની વિસ્તારમાંથી ભરવામાં આવ્યો હતો અને મોરબી લઈ જવાતો હતો.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, પૂર્વ કચ્છ વન વિભાગ દ્વારા સામખિયાળી-ભચાઉ રોડ પર પેટ્રોલિંગ ચાલતું હતું એ દરમિયાન એક શંકાસ્પદ ટ્રક નજરે પડી હતી. આ ટ્રકને અટકાવવા જતા તે ભાગી છૂટી હતી. એનો પીછો કરીને સુરજબારી ચેકપોસ્ટ પાસે તેને આંતરી લેવામાં આવી હતી. એના ડ્રાઇવર ભીમજી ખેતાજી પઢિયાર તેમજ કોલસા અને ટ્રકના માલિક મહેન્દ્રસિંહ ગોળજી પઢિયાર(રહે. બેય નિરોણા, તા. નખત્રાણા)ની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવતા ટ્રકમાં ૧પ૦ બોરી કોલસો ભર્યો હોવાનું માલૂમ પડયું હતું. જેની કિંમત ૭૨ હજાર આંકવામાં આવી હતી.

આ કોલસો વાહતુક કરવા માટે તેઓ પાસે કોઇ પરવાનગી મળી ન આવતા ટ્રક સાથેનો મુદ્દામાલ કબજે કરીને ભચાઉ ખાતેની નર્સરીમાં રાખવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કોલસાનો આ જથ્થો બન્ની વિસ્તારના શેરવો ગામથી ભરીને મોરબી લઈ જવામાં આવતો હતો. ચોમાસા દરમિયાન કોલસાના વહન પર પ્રતિબંધ છે, એવા સમયે પ‌શ્ચિ‌મ કચ્છમાં બનેલો કોલસો મોરબી લઈ જવામાં આવી રહ્યો છે, જ્યાં ધંધાદારીઓને તગડો મુનાફો મળે છે. પૂર્વ વિભાગમાં પકડાતો કોલસો મોટા ભાગે પ‌શ્ચિ‌મ કચ્છમાંથી નીકળ્યો હોવાનું સામે આવતા એ વિસ્તારના અધિકારીઓની આ કાળા કારોબારમાં મિલિભગત હોવાનો મુદ્દો પણ અગાઉ ઉછળી ચૂક્યો છે.