‘હેરિટેજ વિલેજ જાહેર થતાં જ તેરામાં દબાણોએ માઝા મૂકી’

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લગડી જેવી સરકારી અને ગૌચર જમીનો પર થયેલાં દબાણ નહીં હટાવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જવા ગ્રામજનોની ચીમકી અબડાસા તાલુકાનું તેરા ગામ હેરિટેજ વિલેજ જાહેર થતાં જ જમીનના ભાવો આસમાને ગયા હોવાથી સરકારી અને ગૌચર જમીનો પર માથાભારે શખ્સો દ્વારા કરાયેલાં દબાણને દૂર કરવા જિલ્લા કલેકટર સમક્ષ માંગ કરાઇ છે. ગામના ત્રણે ઐતિહાસિક તળાવની આવ પર દબાણ કરાતાં આગામી ચોમાસામાં તળાવનું પાણી કોલીવાસમાં પ્રવેશશે તેવી ભીતિ વ્યકત કરતાં લોકોએ ઉમેર્યું હતું કે, રાજાશાહી વખતના ચાર પ્રવેશદ્વાર પૈકીના ઉગમણે આવેલા એક દ્વાર પાસે પણ દબાણ શરૂ કરી દેવાયું છે. આવી જ રીતે ગઢરાંગથી ઐતિહાસિક કોઠા સુધી ગેરકાયદે બાંધકામ થયાં છે. ગામના ચાર સદી પુરાણા શીતલા માતાજીના મંદિરે જતા માર્ગમાં પણ દબાણ કરાતાં દર્શનાર્થે આવતા ભાવિકો મુશ્કેલીમાં મુકાય છે. દર વર્ષે આ ધાર્મિ‌ક સ્થાનકે ભરાતા મેળા માટેની ખુલ્લી જમીન પણ દબાવી દઇ તેના પર બાંધકામ કરાયાં છે. ગૌચર જમીન પણ દબાણમાં આવી જતાં પશુધનને ભૂખે મરવાનો વારો આવી ગયો છે. દબાણ પ્રવૃત્તિ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરતાં માધવજી દામજી, લાલજી બુધિયા, વેરશી રામજી, ભરત ચંદન, જુમા જુસા, કોલી સહિ‌તના ૬૦થી વધુ ગ્રામજનોએ ગાંધી ચિંધ્યા માર્ગે જવા ચીમકી ઉચ્ચારી છે.