સામાન્ય પરિવારનાં કિશોરની સિદ્ધિ, ફૂટબોલ રમવા જશે બેંગકોક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ઇફ્કો કેવીનો વિદ્યાર્થી ફૂટબોલ રમવા બેંગકોક જશે
- સામાન્ય પરિવારમાંથી આવતા કિશોરની સિદ્ધિ
- મિનિ ફૂટબોલ ટીમમાં ૧૦મા ધોરણના છાત્રની પસંદગી થતાં શહેરના મહેશ્વરી સમાજમાં ખુશીનો માહોલ

ગાંધીધામની ઇફ્કોની કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતો ૧૦મા ધોરણનો વિદ્યાર્થી આગામી જૂન મહિ‌નામાં થાઇલેન્ડના બેંગકોક ખાતે યોજાનારા મિનિ ફૂટબોલની સ્પર્ધામાં ભાગ લેવા જશે. સંકુલના મહેશ્વરી સમાજમાં ગૌરવ લઇ શકાય તેવી કદાચ આ પ્રથમ ઘટનાને કારણે વિદ્યાર્થીની શાળામાં તથા તેના સમાજમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઇફ્કોના કેન્દ્રીય વિદ્યાલયના ધોરણ ૧૦મા અભ્યાસ કરતા રમેશભાઇ મીઠુભાઇ દાફડાની ખૂબ જ નાનીવયે ફૂટબોલની ટીમમાં પસંદગી થઇ છે. આગામી ૧૩મી જૂનથી ૧૮મી જૂનના યોજાનારી ફૂટબોલની ટીમમાં આ વિદ્યાર્થી ભાગ લેવા જઇ રહ્યો છે.

મહેશ્વરી સમાજના આ કિશોરની સિદ્ધિથી સંકુલનો મહેશ્વરી સમાજ પણ ગૌરવ અનુભવી રહ્યો હોવાનું ગોપાલપુરી મહેશ્વરી સમાજના પ્રમુખ મેઘજીભાઇ એમ. રોશિયા, મહામંત્રી કરસનભાઇ ધુવા, ઉપપ્રમુખ મણિલાલ ડોરૂ તથા સમાજના અન્ય અગ્રણીઓએ એક લેખિત નિવેદનમાં આ પ્રમાણે જણાવ્યું હતું.

સૈનિક પિતાનું નામ રોશન કરતો વિદ્યાર્થી

રમેશ દાફડા નામના આ વિદ્યાર્થીના પિતા મીઠુભાઇ દાફડા મૂળ માંડવીના શેરડી ગામના વતની છે. જેમણે ભારતીય સેનામાં ૧૭ વર્ષ સુધી તેમની સેવા આપેલી છે. માત્ર એટલું જ નહીં, પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચે છેલ્લીવાર થયેલાં યુદ્ધમાં કારગિલ ખાતે તેમણે ભાગ લીધો હતો. હાલ તેઓ સેવા નિવૃત્ત છે અને બેંકમાં ફરજ બજાવી રહ્યા છે.