ગાંધીધામ: ટ્રાન્સપોર્ટ નગરમાં બે જૂથ વચ્ચે અથડામણ, લાકડીથી મારામારી થઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણ ક્ષત્રિય યુવાનને પહોંચી ઇજા : જોકે, બન્ને પક્ષે સમાધાન થઇ જતાં ફરિયાદ ન નોંધાઇ

ગાંધીધામના ટ્રાન્સપોર્ટનગરમાં મંગળવારે બપોરે બાઇક અથડાવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે લાકડીથી મારામારી થઇ હતી, જેમાં ત્રણને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે પોલીસ પણ પહોંચી હતી. જોકે, બાદમાં બન્ને પક્ષે સમાધાન થઇ જતાં વિધિવત ફરિયાદ નોંધાઇ ન હતી. આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિ‌તી અનુસાર, શહેરના ટ્રાન્સપોર્ટનગરમાં બપોરના સમયે ક્ષત્રિય અને આહિ‌ર યુવાનની બે બાઇક વચ્ચે ટક્કર થઇ હતી, જેથી બન્ને વચ્ચે જોરદાર બોલાચાલી થઇ હતી અને બન્ને પક્ષે ત્રણ-ત્રણ શખ્સ સામસામા આવી ગયા હતા. ત્યાર બાદ હાથાપાઇ પર ઉતરી આવ્યા હતા. આ સમયે કોઇએ એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.

બનાવને પગલે એ ડિવિઝનનો પોલીસ કાફલો તાબડતોબ સ્થળ પર દોડી ગયો હતો, પરંતુ ત્યાં સુધીમાં તો બન્ને લાકડીથી મારામારી પર ઉતરી આવ્યા હતા. પોલીસે સ્થળ પર દોડી જઇ મામલો થાળે પાડયો હતો. આ મારામારીમાં વિશ્વરાજ ગૌતમસિંહ ગોહિ‌લ, બ્રિજરાજસિંહ ભગીરથસિંહ ગોહિ‌લ, સતરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિ‌લ સહિ‌તનાને ઇજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે રામબાગ હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરી હતી. તેવામાં બન્ને કોમના આગેવાનોની એક બેઠક બોલાવવામાં આવી હતી અને સમાધાન થઇ જતાં પોલીસે નિવેદન નોંધી કાર્યવાહી પૂર્ણ કરી દીધી હતી.