માણાબામાં સાંતલપુરના દાદી-પૌત્રી ટ્રેક્ટર નીચે દબાઈ ગયાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પગપાળ જતાં હતાં અને અકસ્માતે ઉથલી ગયેલું ટ્રેક્ટર માથે આવ્યું
રાપર તાલુકાના માણાબામાં એક મહિ‌લા અને તેની માસૂમ વયની પૌત્રીને કાળ ભેટી જતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. હતભાગી બન્ને સાંતલપુરના મઢૂત્રા ગામના વતની હતા. તેઓ ડેમની પાળ પર
રવિવારે બપોરે પગપાળા જતાં હતાં, ત્યારે અકસ્માતે ઉથલી ગયેલું ટ્રેક્ટર તેમના માથે પડતાં બેય દબાઈ ગયાં હતાં.
મળતી વિગત અનુસાર ભીમાસર પોલીસના સૂત્રોએ કહ્યું કે, આ ગોઝારી ઘટના રવિવારે બપોરે ૨ વાગ્યા દરમિયાન બની હતી, જેમાં સાંતલપુરના મઢૂત્રા ગામના ડાહીબેન અરજણ આહિ‌ર(૪૩) અને તેની ત્રણ વર્ષી‍ય પૌત્રી કાજલ વજાભાઈ આહિ‌રે જીવ ગુમાવ્યો હતો. તેઓ માણાબામાં ડેમની પાળ પર પગપાળા જતાં હતાં, ત્યારે એકાએક ત્યાંથી પૂરઝડપે પસાર થતું એક ટ્રેક્ટર ઉથલી ગયું હતું અને તે બેયની માથે આવી પડયું હતું. ડાહીબેન અને કાજલ બન્ને દબાઈ ગયાં હતાં, તેઓને ગંભીર ઇજાઓ થતાં તાબડતોબ તેમને સારવાર માટે ગાગોદર ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતાં.
આ બનાવ અંગે પોલીસે તપાસનો દોર આગળ વધાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને પગલે માણાબા ગામમાં પણ શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.
ગામના આદમ સુલતાન રાઉમાની ફરિયાદ પરથી ટ્રેક્ટરચાલક અલીમામદ અબ્દુલ રાઉમા સામે ગુનો નોંધી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
નંદગામ પાસે રાહદારીને કાળ ભેટી ગયો
નંદગામમાં રહેતા એક પ્રૌઢ બહારનું કામકાજ પતાવીને પોતાના ઘરે પગપાળા જતા હતા, ત્યારે હાઇ-વે પસાર કરતી વખતે પૂરપાટ જતી ટ્રકે તેમને ઉડાવી દીધા હતા. રવિવારે સાંજે બનેલી આ ઘટનામાં જીવાભાઈ હિ‌રા રબારીએ જીવ ગુમાવ્યો હતો, તેમને અડફેટે લીધા બાદ ટ્રકનો ડ્રાઇવર નાસી છૂટયો હતો. બનાવને પગલે ગામ લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અરેરાટી પણ વ્યાપી ગઈ હતી. આ બનાવ વિશે તેમના પત્ની નાથીબેનની ફરિયાદ પરથી પોલીસે ટ્રકચાલક સામે ગુનો તો નોંધ્યો હતો, પણ છેક સોમવારે સાંજે પણ તપાસ હજી શરૂ થઈ નહોતી.