નખત્રાણાના સરકારી તબીબની દવા કોણે કરી? રાપર બદલી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકીય દબાણ કામ કરી ગયું હોવાનો આક્ષેપ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન વિરુદ્ધ ફરિયાદ કરી હોવાનું પરિણામ : ડો. પ્રસાદ થોડા સમય પૂર્વે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન વિરુદ્ધ ફરિયાદ કરનારા અને આ ફરિયાદ પરત ખેંચવા ધારાસભ્યના દબાણને વશ ન થનારા નખત્રાણા સીએચસીના ડો. પ્રસાદની પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા રાપર બદલી કરાઇ છે. તેમના પત્ની પણ વ્યવસાયે તબીબ હોવાથી ડોક્ટર દંપતીને એકજ સ્થળે નોકરીની નિમણૂક આપવાનો નિયમ હોવા છતાં આ પગલું લેવાયું છે તેના પાછળ રાજકીય દબાણ કરાણભૂત છે તેવું ડો. પ્રસાદે જણાવ્યું હતું. આ અંગે ડો. પ્રસાદે કહયું હતું કે, અમારા પરિવારને હેરાન પરેશાન કરવા માટે રાજકીય પ્રેસરથી ઇરાદાપૂર્વક બદલી કરવામાં આવી છે. થોડા દિવસો પહેલાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન પ્રદ્યુમનસિંહ જાડેજા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા સ્થાનિક ધારાસભ્ય જયંતિભાઇ ભાનુશાલીએ ડો. દંપતીને ફોન ઉપર કહયું હતું પણ તે વખતે દબાણને વશ થયા ન હતા તેનું પરિણામ આજે અમોને મળી રહયું છે. આરોગ્ય વિભાગની સ્પષ્ટ સૂચના છે કે , જગ્યાએ દંપતી ફરજ બજાવતા હોય ત્યાં તેમને સાથે રાખવા ત્યારે અહીંના રાજકીય દબાણે બન્નેને અલગ કરીને પોતાની તાકાત બતાવી આપી છે. ડો. પ્રસાદે ઉમેર્યું હતું કે, મારી બદલી એક રાજકીય કિન્નાખોરી હોવાથી હું ગાંધીનગરમાં મંત્રીઓ અને અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરીશ અને જરૂર પડશે તો ર્કોટનો સહારો લઇશ. આમ, કરવાથી આરોગ્યની સેવાઓ ખોરવાય છે. પ્રજાના પ્રતિનિધિઓ જનતા વિરુદ્ધ કામો કરી રહયા છે. ડોક્ટરે સ્થાનિક ધારાસભ્ય તેમજ તા.પં. પ્રમુખ અને પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરે આ બદલીમાં રસ લીધો છે તેવો આક્ષેપ કરતાં બદલી થવાથી આ વિસ્તારના ગરીબ લોકોની સારી સુવિધા મળતી હતી તે છીનવાઇ ગઇ છે તેવું જણાવ્યું હતું. આ અંગે ડી.એચ.ઓ ડો. મોડનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, ડો. પ્રસાદની બદલી બાબતે તેમને ખાતાકીય રીતે કોઇ જાણ નથી કરાઇ.