ગઢશીશાને તાલુકો બનાવવા પૂરતા પ્રયત્નો હાથ ધરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર - જૈન સંતોનું સ્વાગત)

- ગુરુવંદના ગચ્છ ગૌરવ દિનની ઉજવણી પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રીએ આપી ખાતરી

ગઢશીશા: ગઢશીશામાં ચાતુર્માસ પ્રસંગે આવેલા અચલ ગચ્છાધિપતિ ગુણોદયસાગર સૂરીશ્વર મ.સા.ના 83માં જન્મદિનની ઉજવણી નિમિત્તે યોજાયેલા ગુરુવંદના ગચ્છ ગૌરવ દિનમાં ઉપસ્થિતોને સંબોધતાં રાજ્યકક્ષાના મંત્રી અને માંડવીના ધારાસભ્યે ગઢશીશાને અલગ તાલુકો બનાવવા પૂરતા પ્રયત્નો કરાશે તેવી ખાતરી આપી હતી. સમારોહનું દીપ પ્રાગટ્ય રાજ્યના કુટિર ઉદ્યોગ મંત્રી તારાચંદભાઇ છેડા, ગઢશીશા પાંજરાપોળના ચેરમેન પ્રફૂલભાઇ દેઢિયા, પ્રમુખ વિસનજીભાઇ દેઢિયા, માંડવી તા. ભાજપ પ્રમુખ અમુલ દેઢિયાના હસ્તે કરાયું હતું. કાર્યક્રમને ખુલ્લો મૂકતા રાજ્યમંત્રી ગઢશીશાને જિલ્લા કક્ષાનું સેન્ટર બનાવવાનું અભિયાન હાથ ધરાશે તેવું જણાવ્યું હતું. જૈન સંકુલ શીતલ જલધારા, ભોજનાલય, ઓફિસ, મહાજનવાડી, હોલ સાથેના પ્રસ્થાનોનું ઉદ્દઘાટન દાતાઓના હસ્તે કરાયું હતું.

આ પ્રસંગે માનસી કિરણ વિસરિયા દ્વારા ગુરુ પૂજા કરાયું હતું. વીરભદ્રસાગર અને પ્રિયંકર સાગર મ.સા.એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ગુરુવંદનાના ચડાવા તેમજ દાતાઓ દ્વારા દાનની ગંગા વહી હતી. મુંબઇ જૈન મિત્ર મંડળના શાંતિલાલ દેઢિયા, જેન્તીભાઇ દેઢિયા, નવીનભાઇ દેઢિયા, સોહિતભાલ દેઢિયા, માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ વાડિયા સહિત રેખાબેન દવે, સરપંચ હીરાભાઇ રબારી, મામલતદાર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 42 જેટલા સંઘે હાજરી આપી હતી. ઝવેરચંદભાઇ દેઢિયા તેમજ સાથી કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી. વિશા ઓસવાળ દેશવાસી જૈન સંઘ યોજિત કાર્યક્રમોનું સંચાલન જીજ્ઞેશ દેઢિયા અને જૈન ટ્રસ્ટીઓએ સંભાળી હતી. જન્મદિવસની પૂર્વ સંધ્યાએ રાણશીભાઇ શાહના સૌજન્યથી નિ:શુલ્ક નેત્રનિદાન કેમ્પ યોજાયો હતો.

ડિપ્લોમા અને હોમ સાયન્સનો અભ્યાસક્રમ શરૂ કરાશે
ગઢશીશા શૈક્ષણિકક્ષેત્રે વધારે અગ્રેસર રહે તે હેતુથી ટૂંક સમયમાં ડિપ્લોમા અને હોમ સાયન્સના અભ્યાસક્રમ શરૂ કરાશે, તેવી રાજ્યમંત્રીએ જાહેરાત કરતાં તેને તાળીઓના ગડગડાટથી વધાવી લેવાઇ હતી.