માંડવીનો વેપારી સોનાના બિસ્કિટમાં ઠગાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ૪.૮૦ લાખની છેતરપિંડીથી માંડવીમાં ચકચાર
- જોકે, રૂપિયા કઢાવવા માટે પોલીસના બદલે વચેટિયાની મદદ લીધી


માંડવીની બાંધણી બજારમાં બાંધણીના વેપારી સાથે રૂ.૪.૮૦ લાખની છેતરપિંડી થયાના બનાવે શહેરમાં ચકચાર જગાવી દીધી હતી. બુલિયન માર્કેટ કરતાં દસ ટકા નીચા ભાવે સોનાના બે બિસ્કિટ આપવાની લાલચ આપી સલાયાના શખ્સે તેમને ધૂતી લીધાનો આ બનાવ ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.

ગુરુવારે બહાર આવેલાં આ સનસનીખેજ પ્રકરણમાં સલાયાના શાતિર દિમાગના માણસે તેનો કારસો પાર પાડ્યો હોવાનું કહેવાય છે. ઠગ શખ્સે અહીંના બાંધણીના અગ્રણી વેપારીને બુલિયન માર્કેટ કરતાં દસ ટકા નીચા ભાવે સોનાનું ૧૦૦ ગ્રામનું બિસ્કિટ બતાવીને બે બિસ્કિટ વેચાણથી આપવાની લાલચ બતાવી હતી. એક બિસ્કિટના ૨.૪૦ લાખ અને બે બિસ્કિટના ૪.૮૦ લાખ પ્રમાણે બુલિયન માર્કેટના હિ‌સાબે વેપારીએ ગણતરી કરતાં ૬૦ હજારનો ફાયદો થતો હોવાથી વેપારી લલચાઈ ગયા અને સોદો પાકો થયો હતો.

બિસ્કિટ સલાયામાં પડ્યા હોવાથી સલાયા આવવાનું વેપારીને કહેવામાં આવ્યું હતું. નિયત સ્થળે વેપારી પૈસા લઇને આવ્યા, ત્યારે સલાયાના ઠગે ઇસમ પૈસા આપો બિસ્કિટ લઇ આવું તેમ કહેતાં બાંધણીના વેપારીએ પૈસા આપ્યા હતા, પરંતુ પૈસા લઇને ઠગ ગયા પછી પાછો ન ફરતાં વેપારીને છેતરાયા હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસની બદલીમાં વચેટિયા રાખીને રકમ પરત મેળવવા મથામણ કરવામાં આવી છતાં સફળતા મળી નહોતી. આ પ્રકરણે શહેરભરમાં ચકચાર જગાવી દેતાં ખળભળાટ વ્યાપી ગયો હતો.