કચ્છમાં મહિલાઓની સુરક્ષા માટે એન્ટી રોમિયો સ્ક્વોડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દુષ્કર્મ, છેડતી, ગેંગરેપ જેવી ઘટનાઓને અટકાવવા એસપીએ કરી રચના
પૂર્વ કરછના તમામ પોલીસ મથકોમાંથી ૨-૨ પોલીસ કર્મચારીને લેવાયા


દિલ્હીમાં બનેલી ગેંગરેપની ઘટના બાદ પૂર્વ કરછમાં પણ દુષ્કર્મ, છેડતી સહિતના વધતા જતા બનાવોને પગલે પોલીસ વડાએ મહિલાઓની સુરક્ષા માટે એન્ટી રોમિયો સ્ક્વોડની રચના કરી છે, જેમાં તમામ પોલીસ મથકોમાંથી ૨-૨ જવાનના સ્ટાફને નિમવામાં આવ્યા છે. આ સ્ક્વોડ શહેરના જાહેર સ્થળો, ટયૂશન કલાસીસ પર પેટ્રોલિંગ કરી મહિલા-યુવતીઓની છેડતી કરનારા રોમિયોને કાયદાના પાઠ ભણાવશે.

પૂર્વ કરછમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ-યુવતીઓ અસુરિક્ષિત હોવાનું ચિત્ર ઉપસી રહ્યું હતું, તેમાંય વાગડ પંથકમાં તો સપ્તાહમાં બે-ત્રણ છેડતીના બનાવો બની રહ્યા છે, ત્યારે જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રની સૂચનાથી તાજેતરમાં મહિલાની સુરક્ષા માટે એન્ટી રોમિયો સ્ક્વોડની રચના કરાઇ છે.

હાલ દરેક પોલીસ સ્ટેશનમાંથી બે-બે જવાનનો સ્ટાફ મૂકવામાં આવ્યો છે. આ ટીમો સ્કૂલ, કોલેજ, બાગ-બગીચા, સિનેમા, શોપિંગ મોલ, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર દિવસ પેટ્રોલિંગ કરી મહિલા-યુવતી અસામાજિક તત્ત્વોને પકડી ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવશે.

આ અંગે એસપી કચેરીના સૂત્રોનો સંપર્ક કરતાં આ વાતને સમર્થન આપ્યું હતું હાલ રાપર, ભચાઉ સહિતના ગામોમાં પોલીસને કાર્યક્રમ યોજી સ્ક્વોડ અંગે લોકોમાં જાગૃતતા લાવવાની સૂચના આપી છે. પ્રથમ વખત છોડી મુકાયા બાદ પણ અસામાજિક પ્રવૃત્તિ ચાલુ જ રાખશે તો તેને જેલ મોકલાશે.

દર મહિને ત્રણ ચેકિંગ ડ્રાઇવ તો કરવી જ પડશે

એન્ટી રોમિયો સ્ક્વોડના ઇન્ચાર્જ પીએસઆઇ જે.પી. સોલંકીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગામે-ગામ દરેક સ્ક્વોડને દર માસે ત્રણ ચેકિંગ ડ્રાઇવ ગોઠવવી પડશે. સાથોસાથ ટયૂશન કલાસીસ સહિતના સ્થળોએ પેટ્રોલિંગ તો કરવાનું રહેશે. સ્ક્વોડ કામગીરી સમયે મહિલા કર્મચારી પણ સાથે રાખશે.