ભારતમાં પ્રથમવાર ભુજમાં 'બ્લ્યૂબીન’નો પ્રયોગ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સહજીવન સંસ્થા દ્વારા પર્યાવરણ આરોગ્ય ક્ષેત્રે કામગીરી દેશમાં અન્યત્ર બ્લ્યુબીન પદ્ધતિ વેસ્ટ કચરાના કમ્પોસ્ટ માટે વપરાય છે, જ્યારે ભુજમાં એઠવાડ જેવો ભીનો કચરો દૂધાળા પશુઓ સુધી પહોંચે તેવી વ્યવસ્થા અમલી બનાવાઇ

ભૂકંપ બાદ ભુજનો વિસ્તાર ચાર ગણો વધી ગયો છે. ભૂકંપ પહેલાં ૯ કિ.મીના ઘેરાવામાં ફેલાયેલું ભુજ આજે ૩૬ કિ.મીના ઘેરાવામાં વિસ્તરી ચૂક્યું છે તથા હજી પણ રાત-દિવસ તેનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે હવે શહેરમાં સૂકા- ભીના કચરાની વ્યવસ્થાપનની ડામાડોળ સ્થિતિના કારણે ગંદકીની ગંભીર સમસ્યા શહેરને ઘેરી વળી છે. ટૂંકા સ્ટાફ, ટૂંકા સાધનો તથા નગરપાલિકાની બેદરકારીના કારણે આ સમસ્યા વિકરાળ સમસ્યા ધારણ કરશે તે દિવસ દૂર નથી, ત્યારે પર્યાવરણના સંરક્ષણ તથા લોકોને આરોગ્યને જાળવવા ભુજની એક એનજીઓએ બ્લ્યૂબીનના માધ્યમથી એંઠ કે ભીના કચરાના યોગ્ય નિકાલ માટે લોકોના સહ્યોગથી એક બીડુ ઝડપ્યું છે. આ પ્રયોગ ભારતમાં પણ પ્રથમ છે. પ્રથમ તબક્કામાં શહેરના પાંચ વિસ્તારમાં અમલીકરણ કરતા જબ્બર સફળતા મળી છે.

હાલની પરિસ્થિતિ જોતાં લોકો એંઠ અને ભીનો કચરો શેરી અને રસ્તા પર જાહેરમાં નાખતા હોય છે. રસ્તા-વિસ્તારમાં ગંદકી વધવા સાથે રખડતા ઢોરોનો ત્રાસ તેમજ તેના કારણે અકસ્માતો સર્જાય છે અને બીમારીનું પ્રમાણ પણ વધે છે. ભુજ સ્થિત એનજીઓ સહજીવન સંસ્થા દ્વારા શહેરમાં ઉત્પન્ના થતાં કચરા અંગેના એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે, શહેરમાં દરરોજ ઉત્પન્ન થતાં કુલ કચરાનો ૬૮ ટકા કચરો માત્ર ભીનો કચરો કે એંઠ હોય છે, યોગ્ય નિકાલ માટે તથા તેનો સદ્ ઉપયોગ થાય તે માટે આ સંસ્થા દ્વારા બ્લ્યૂબીન પદ્ધતિ વિકસાવવામાં આવી છે. હાલે ભુજના પાંચ વિસ્તારમાં સુચારું રીતે છેલ્લા બે વર્ષથી સફળ રીતે અમલી બની છે.

શું છે બ્લ્યુબીન પદ્ધતિ? શુક્ર

આ પદ્ધતિની વિશેષતા એ છે કે, એંઠ અને ભીનો કચરો લોકો જાહેર રસ્તા કે, પાલિકાના કન્ટેઇનરમાં ફેંકે અને ગંદકી થાય, તેના બદલે જે તે વિસ્તારમાં એક વાદળી ડ્રમ (બ્લ્યૂબીન) મૂકવામાં આવે છે. જેને એક જગ્યાએ ફિક્સ કરી દેવામાં આવે છે જેમાં તે વિસ્તારના લોકો ભીના કચરો તથા એંઠવાડ નાખે અને આ એંઠવાડ ગોવાળ પોતાના પશુઓ માટે ખોરાક તરીકે લઇ જાય છે. ૪૦થી પ૦ ઘર વચ્ચે બ્લ્યૂબીન મૂકવામાં આવે છે.જે તેના ભરાવાના પ્રમાણે દિવસમાં એકથી વધુ વખત ગોવાળ ખાલી કરી લઇ જાય છે.

જાહેરહિ‌ત માટે ભુજના નાગરિકો પહેલ કરે તે જરૂરી

ભુજના જે વિસ્તારોમાં આ વ્યવસ્થા અમલી બનાવાઇ છે, તે વિસ્તારમાં તેના સફળતાપૂર્વક સંચાલન માટે નાગરિકોની સમિતિ બનાવાઇ છે. ત્યારે શહેરના અન્ય વિસ્તારો પણ ખુદના આરોગ્ય તથા પર્યાવરણની જાળવણી માટે આ તરફ પહેલ કરે તે હાલના તબક્કે જરૂરી બન્યું છે. જો કોઇ વિસ્તારના લોકો આ પદ્ધતિ અમલી બનાવવા માગતા હોય તો તે સહજીવન, ૧૭પ જલારામ સોસાયટી, હોસ્પિટલ રોડ, ફોન: ૦૨૮૩૨- ૨પ૧૮૧૪, ૨પ૧૯૧૪નો સંપર્ક કરી શકે છે.

ભારતમાં પ્રથમવાર આ પદ્ધતિ કચરાના ઉપયોગ માટે અમલી બનાવાઇ છે

આ અંગે સંસ્થાના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર ધર્મેશ અંતાણીએ જણાવ્યું હતું કે, ભારતમાં વેસ્ટ મેનેજમેન્ટ માટે જે સંસ્થાઓ કામ કરે છેકે, બ્લ્યૂબીન મારફતે એકત્ર કરેલા કચરાને કમ્પોઝસ્ટ કરે છે, જ્યારે અમારા દ્વારા ભારતમાં પ્રથમવાર બ્લ્યૂબીન ભીના કચરાના નિકાલ નહીં પરંતુ તેને દૂધાળા પશુઓ સુધી પહોંચાડાવાના ઉદ્દેશ માટે અમલી બનાવાઇ છે.

બ્લ્યૂબીન પદ્ધતિ જ્યાં અમલી બની છે તે વિસ્તારના લોકો શું કહે છે?

પ્રકાશભાઇ મહેતા:કાયસ્થ શેરી વિસ્તારના સક્રિય સમિતિ સભ્ય જણાવે છે કે, ૨૦૦૯થી અમારા વિસ્તારમાં આ બીન મૂકાવેલું છે, જે આજ સુધી સારી રીતે ચાલે છે લોકો આ બીનમાં જ એંઠ નાખે છે અને ગોવાળ પણ નિયમિત એંઠ લઇ જાય છે. પશુઓની અવરજવર પણ ઘટી છે. ગીતાબેન પારેખ: વૈજનાથ શેરી વિસ્તારમાં ગંદકીનો પ્રશ્ન ઘણો હતો અને લોકોને અવરજવર કરવી હોય તો રૂમાલ મોં પર રાખીને અવર જવર કરતાં હાલમાં ડ્રમ મૂકાવ્યા બાદ ગંદકીનું પ્રમાણ ઓછું થયું છે અને લોકો હવે બીનમાં ભીનો કચરો નાખતા થયા છે.

રાજશ્રીબેન ગજજર : અમારા ઉપલીપાળ વિસ્તારમાં તપોવન એપાર્ટમેન્ટમાં લોકો પહેલા બહાર છૂટો એંઠ નાખતા પરિણામે ગાયો તથા ગંદકી ખૂબજ થતી હતી હવે અહીં મૂકાવેલા ડ્રમમાં એંઠ નાખે છે, જેથી માખી-મચ્છરનું પ્રમાણ એન ગંદકીનું પ્રમાણ ઓછું થયું છે.

જયશ્રીબેન પટેલ:લોકોને સમજાવ્યા બાદ ખૂબજ સારા પરિણામ જોવા મળ્યા છે. જલારામ સોસાયટીમાં સંતોષ ટાવર્સ પાસે બીન મૂકેલી છે જેમાં લોકો કચરો નાખે છે ગોવાળિયાઓ સમયસર ઉપાડી પણ જાય છે. તેથી લોકોની આદત સુધરી છે અને સ્વચ્છતા આંખે ઉડીને વળગે છે.

ખાતર બનાવવા કરતાં આ પદ્ધતિ વધુ સરળ અને ફાયદાકારક છે

સામાન્ય રીતે જોવા મળ્યું છે કે, એંઠ અને ભીના કચરામાંથી નગરપાલિકાઓ અને શહેરી સંસ્થાઓ ખાતર બનાવી તેનું વેચાણ કરે છે, પરંતુ બ્લ્યૂબીન એ ઉત્કૃષ્ટ પદ્ધતિ છે. જેને વિસ્તારમાં સહેલાઇથી અમલી બનાવી શકાય છે. રોકાણ તથા શ્રમની જરૂર પણ પડતી નથી તથા દૂધાળા પશુઓને પણ પૌષ્ટિક આહાર પ્રાપ્ત થતા તથા ગોવાળોને આર્થિ‌ક ફાયદો થાય છે.

ભુજના આ વિસ્તારમાં અમલી છે આ પદ્ધતિ

કાયસ્થ શેરી, વેજનાથ શેરી, કલુભાનો ડેલો, ઉપલીપાળ, જલારામ સોસાયટી.

બ્લ્યૂબીન પદ્ધતિના ફાયદા

વિસ્તારમાં ગંદકી થતી અટકશે, રખડતા ઢોરોનું પ્રમાણ ઘટશે, અકસ્માતોનું પ્રમાણ ઘટશે, પ્લાસ્ટિકના ઝબલાં સહિ‌ત એંઠ ખાવાથી પશુનો બચાવ થશે, બીમારીનું પ્રમાણ ઘટશે.