બેટરી અને રેડિયેટરની દુકાનમાં લાગેલી ભીષણ આગ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધડાકાભેર ફાટી નીકળેલી આગને કારણે લોકો બોમ્બ વિસ્ફોટ સમજીને દોડભાગ કરતા નજરે પડયા હતા ગાંધીધામમાં બેંકિંગ સર્કલ વિસ્તારમાં આવેલી એક બેટરી અને રેડિયેટરની દુકાનમાં શુક્રવારે સવારમાં અચાનક ધડાકાભેર ભિષણ આગ ફાટી નીકળી હતી. ઓચિંતી બનેલી ઘટનાને કારણે લોકો એક તબક્કે બોમ્બ વિસ્ફોટ થયો હોવાનું માનીને ભાગદોડ કરતા નજરે પડયા હતા. બેંકિંગ સર્કલ વિસ્તારમાં આવેલાં એક બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી પંજાબ બેટરી એન્ડ રેડિયેટર નામની દુકાનમાં ધડાકાભેર ઓચિંતી આગ ફાટી નીકળી હતી. એક પછી એક બેટરી ફૂટીને આગ લાગવાને કારણે લોકો ભયભીત બની બિલ્ડિંગમાંથી ઝડપથી નીચે ઉતરી ગયા હતા, જ્યારે કેટલાક લોકોને ફાયર બ્રિગેડના સ્ટાફને તેમની સીડી દ્વારા નીચે ઉતારવામાં મદદ કરી હતી. આગની આ ઘટનામાં કોઇનું મોત નીપજ્યું ન હતું કે ઘાયલ પણ થયા ન હતા, પરંતુ ચહલપહલવાળા વિસ્તારમાં ઓચિંતી આગની ઘટનાને કારણે લોકોમાં ચિંતાનું મોજું જરૂર ફરી વળ્યું હતું. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો સ્ટાફ પાણીના બાઉઝર સાથે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તાત્કાલિક આગ પર કાબૂ મેળવા માટે પ્રયત્ન કર્યો હતો. ૩૦થી ૩પ મિનિટ સુધી સતત પાણીનો મારો ચાલુ રાખવાને કારણે આગ ઉપર કાબૂ મેળવી શકાયો હતો. પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવીને આ અંગે જરૂરી નોંધ કરી હતી.