ભચાઉમાં પિતા- પુત્ર એક વૃદ્ધની ૧૦ લાખની ટોપી ફેરવી ગયા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂના ખાતેના નકલી મકાનને ગિરવે મૂકીને ૧૦ લાખ રોકડા લીધા બાદ આરોપીઓ એકાએક ગુમ : આરોપીઓએ આપેલા ચેક પણ બોગસ નીકળ્યા ભચાઉની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા એક શખ્સે પોતાના પિતાની સાથે મળી શહેરના એક વૃદ્ધ સાથે રૂા. ૧૦ લાખની છેતરપિંડી કરી હોવાના બનાવે ભારે ચર્ચા જગાવી છે. પિતા-પુત્રની આ ઠગ ટોળકીએ સૌપ્રથમ વૃદ્ધ પટેલને વિશ્વાસમાં લઇ રૂપિયા ઉછીના લેવા માટે પૂના ખાતે તેઓનો ફ્લેટ હોવાનું આભાસી ચિત્ર રજૂ કર્યું હતું. ત્યાર બાદ ૧૦ લાખની રોકડ રકમ લઇને બન્ને ઉડન છૂ થઇ જતાં વૃદ્ધને શંકા ગઇ હતી અને આરોપીઓએ આપેલા ચેક પણ બોગસ નીકળતાં છેતરપિંડીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. નવી ભચાઉમાં નિવૃત્ત જીવન ગાળી રહેલા જેઠાભાઇ ગામી (ઉ.વ.૬પ) સાથે શહેરની નામાંકિત હોસ્પિટલમાં આસિસ્ટન્ટ ર્વોડબોય તરીકે ફરજ બજાવતા આશિષ મહેતા તથા તેના પિતા પ્રવીણકુમારે ખોટા દસ્તાવેજો તથા બોગસ ચેક આપી ૧૦ લાખની ઠગાઇ કરી હતી. આશિષના પિતા પ્રવીણકુમાર મહેતાએ પોતાની ઓળખ હિ‌ન્દુ-નાગર બ્રાહ્મણ બતાવી હતી અને તેઓ ભચાઉના લાયન્સનગરમાં રહેતા હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેઓએ વૃદ્ધ પટેલ સમક્ષ તેઓનો એક ફ્લેટ પૂનામાં કાલરજ રોડના બાલાજીનગર-૨માં આવેલા સૂર્યદીપ એપાર્ટમેન્ટમાં હોવાનું જણાવ્યું હતું અને ત્યાર બાદ આ ફ્લેટને ગિરવે મૂકવાના બહાને તેઓએ વૃદ્ધ પટેલ પાસેથી રૂા. ૧૦ લાખ લઇ લીધા હતા. ત્યાર બાદ આરોપીઓએ રૂપિયાની ભરપાઇ માટે ચેક પણ આપી દીધા હતા, પરંતુ થોડા દિવસો લઇને બન્ને પિતા-પુત્ર ગુમ થઇ જતાં વૃદ્ધ પટેલને શંકા ગઇ હતી. ત્યાર બાદ તપાસ કરાતાં આ ચેક ડુપ્લિકેટ હોવાનું બહાર આવ્યું હતું.આ દરમિયાન ઠગી પ્રવીણકુમારે પોતાના એક સંબંધીને અંજાર ચિત્રકૂટ સોસાયટી પર બતાવેલી, પરંતુ તપાસ કરતાં અહીંના રહેવાસીઓ સાથે પણ પિતા-પુત્ર ઠગાઇ કરી નાસી છૂટયા હોવાનું બહાર આવ્યું હતું.આ ત્રણેય લોકોએ ભચાઉના અન્ય લોકો સાથે ઠગાઇ કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. વ્યક્તિઓનો કોઇ પત્તો અથવા માહિ‌તી મળે તો જેઠાભાઇ પટેલ મો. નં. ૯૮૨પ૭ ૦૦પ૨૩નો સંપર્ક કરવા જણાવાયું છે.