સરક્રીકમાં ફાસ્ટ ક્રાફ્ટ : બોર્ડર પર લિંક રોડ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છની દરિયાઇ, લેન્ડ બોર્ડરની બે દિવસની કેન્દ્રીય ગૃહમંત્રીની મુલાકાત બાદ બીએસએફના આઇજીએ કરેલી જાહેરાત બે દિવસની મુલાકાત દરમિયાન કેન્દ્રના રાજ્યકક્ષાના ગૃહમંત્રીએ સમીક્ષા કરી

૨૬/૧૧ના મુંબઇ હુમલા બાદ કોસ્ટલ સિક્યોરિટી બાબતે ખૂબ જ સંવેદનશીલ બનેલી કેન્દ્ર સરકાર કચ્છની દરિયાઇ સીમામાં તૈનાત થયેલી સીમા સુરક્ષા દળની મરીન બટાલિયનમાં આગામી દિવસોમાં ૪ ફાસ્ટ એટેક વોટર ક્રાફ્ટ તૈનાત કરવાનું વિચારી રહી છે, જેને કારણે દરિયાઇ સીમાની સુરક્ષાને વધુ બળ મળશે. ગુજરાતના સરહદી જિલ્લા કચ્છની બે દિવસની સૌપ્રથમ મુલાકાતે આવેલા કેન્દ્રના રાજ્યકક્ષાના ગૃહમંત્રી જીતેન્દ્ર સિંઘે બોર્ડર સિક્યોરિટી ફોર્સના ઉચ્ચ અધિકારીઓ સહિ‌ત સૈનિક સંમેલન ઉપરાંત બોર્ડરની સિક્યોરિટીની સમીક્ષા કરતાં આગામી દિવસોમાં સીમાને જોડતા લિંક રોડ તૈયાર કરવા અંગે પણ દિલ્હીની સરકાર વિચારી રહી હોવાનું બીએસએફના ઇન્સ્પેક્ટર જનરલ અરૂણકુમાર સિન્હાના માધ્યમથી જણાવ્યું હતું.

અગાઉથી નિર્ધારીત થયેલા કાર્યક્રમ મુજબ જીતેન્દ્ર સિંઘને ભુજમાં સાંજે મીડિયા સાથે ચર્ચા-વિચારણા બાદ દિલ્હી જવાનું હતું, પરંતુ ખરાબ હવામાન અને વેગીલા પવનને કારણે તેમનું હેલિકોપ્ટર વિઘાકોટમાં નિયત સમયે ઉડી શક્યું ન હતું, જેને કારણે મિનિસ્ટરનો કાફલો ભુજ મોડો પહોંચ્યો હતો. પરિણામે, નિર્ધારીત કાર્યક્રમમાં ફેરફાર કરીને કેન્દ્રીય ગૃહમંત્રી સીધા દિલ્હી જવા રવાના થઇ ગયા હતા. ગૃહમંત્રીની કચ્છ મુલાકાત ઉપર પ્રકાશ પાડતાં આઇજી એ.કે. સિન્હાએ જણાવ્યું હતું કે, શુક્રવારે સાંજે તેઓ ભુજથી કોટેશ્વર જવા રવાના થઇ ગયા હતા, જ્યાં તેમને અધિકારીઓ અને જવાનો સાથે મીટિંગ કરી હતી.

બીએસએફના જવાનો તેમજ ઓફિસર્સે મિનિસ્ટર સમક્ષ બોર્ડર ઉપર ફરજ બજાવતી વખતે પડી રહેલી સમસ્યાઓથી વાકેફ કરાયા હતા. ખાસ કરીને કચ્છના વિશષ્ટિ ભૌગોલિક વાતાવરણને કારણે જે સમસ્યાઓ નડે છે તેનાથી મંત્રીને પરિચિત કરાવવામાં આવ્યા હતા. કોટેશ્વરમાં સ્થાનિક લોકોને મળ્યા બાદ મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર હોમ અર્ફેસે કચ્છના સમગ્ર ક્રીક વિસ્તારનો એરિયલ સર્વે પણ કર્યો હતો. ત્યાર બાદ તેઓ પ્રસિદ્ધ લખપતના કિલ્લાની મુલાકાતે પણ ગયા હતા.

લખપતથી તેઓ ભારત-પાકિસ્તાનની સીમાના અંતિમ પિલ્લર નં. ૧૧૭પ સુધી ગયા હતા અને લાલાછત્તા બોર્ડર આઉટ પોસ્ટની પણ વિઝિટ કરી હતી. ત્યાર બાદ તેઓ હેલિકોપ્ટર મારફતે જ બોર્ડર પિલ્લર નં. ૧૧૧૧ની વિઘાકોટની પોસ્ટની મુલાકાતે ગયા હતા. વિઘાકોટથી તેઓ ભુજ આવ્યા હતા અને સાંજે છ વાગ્યે તેઓ બીએસએફના ખાસ વિમાન દ્વારા દિલ્હી નીકળી ગયા હતા. ગૃહમંત્રીની આ મુલાકાત વખતે ગુજરાત બીએસએફના ફ્રન્ટીયર સિન્હા ઉપરાંત કચ્છ સેક્ટર હેડ ક્વાર્ટરના ડેપ્યુટી આઇ.જી. વીરેન્દ્રકુમાર તેમજ ગાંધીનગર ફ્રન્ટીયરથી આવેલા ડીઆઇજી યુ.કે. બંસલ તેમજ આર.એસ. રાઠોડ સાથે રહ્યા હતા. કચ્છમાં આ સમગ્ર મુલાકાત દરમિયાન હરામીનાળા વિસ્તાર બટાલિયનના કમાન્ડન્ટ ભાટિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

ને જ્યારે એરફોર્સની મદદ મગાઇ

વિઘાકોટ ખાતે ખરાબ હવામાન અને વેગીલા પવનને કારણે કેન્દ્રીય ગૃહમંત્રીના હેલિકોપ્ટરના કાફલાને એક તબક્કે અટકાવી દેવામાં આવ્યું હતું, જેને પગલે મંત્રી સહિ‌તના અધિકારીઓને ભુજ લાવવા માટે ભુજ એરફોર્સ સ્ટેશનનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો. જોકે, ત્યાર બાદ હવામાન સ્થિર થઇ જતાં હેલિકોપ્ટર મારફતે જ તેમનો કાફલો ભુજ આવી પહોંચ્યો હતો.

જવાનો માટે નર્મદાની લાઇન પહોંચાડાશે

ધોમધખતા તાપમાં રણ સીમાએ ફરજ બજાવતા જવાનોની સમસ્યામાં સૌથી મોખરે પીવાના પાણીની સમસ્યા હોવાથી બોર્ડર પોસ્ટ ઉપર પાણી નિયમિત મળી રહે તે માટે રાજ્ય સરકારની મદદથી નર્મદાના જળની પાઇપલાઇન નાખવામાં આવી રહી હોવાનું સીમા સુરક્ષા દળના આઇજી સિન્હાએ જણાવ્યું હતું.

કોટેશ્વર મૂરિંગ પોઇન્ટનો સર્વે થશે

દરિયામાં રફ સીઝન દરમિયાન બીએસએફના જહાજ ઉપરાંત ફ્લોટિંગ બીઓપી અને સ્પીડ બોટને હાલમાં રાખવા માટે જખૌ પોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે. કોટેશ્વર ખાતે રાજ્ય સરકારે સીમા સુરક્ષા દળને મૂરિંગ પોઇન્ટ બનાવવા માટે જે જગ્યા આપવામાં આવી છે તેનો ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા વિઝિબિલિટી અંગેનો સર્વે કરવામાં આવશે તેમ પણ સીમા સુરક્ષા દળના અધિકારીએ જણાવ્યું હતું.

એરપોર્ટથી બારોબાર દિલ્હી નીકળી ગયા

કચ્છના ઇતિહાસમાં સૌપ્રથમ વાર એવી ઘટના બની હતી, જેમાં કેન્દ્રની સરકારના કોઇ મંત્રી મીડિયાને ત્રણ કલાકથી પણ વધુ રાહ જોવડાવીને તેમને મળ્યા વિના એરપોર્ટથી જ બારોબાર દિલ્હી જતા રહ્યા હતા. સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે, કચ્છના કોંગ્રેસના સ્થાનિક નેતાઓને ગૃહમંત્રી જીતેન્દ્ર સિંઘે એરપોર્ટ પર જ મળી લીધું હતું. અગાઉ નક્કી થયા મુજબ આ સ્થાનિક નેતાઓને તેઓ ભુજના ઉમેદભવન ખાતે મળવાના હતા, પરંતુ વાતાવરણ ખરાબ હોવાને કારણે તેમને મોડું થવાનું ખબર પડતાં સ્થાનિક નેતાઓને એરપોર્ટ પર જ બોલાવી લેવામાં આવ્યા હતા.

મંત્રીએ બીએસએફનો યુનિફોર્મ પર્હેયો

કચ્છની મુલાકાતે આવેલા કેન્દ્રના રાજ્યકક્ષના ગૃહમંત્રી જીતેન્દ્ર સિંઘે જ્યારે સીમા સુરક્ષા દળના અધિકારીઓ અને જવાનો સાથે મીટિંગ કરી અને બોર્ડરની વિઝિટ કરી, ત્યારે તેમણે સિવિલ ડ્રેસમાં એટલે કે સાદા લૂકમાં રહેવાને બદલે બીએસએફના જવાનો જે યુનિફોર્મ પહેરે છે તે પહેરીને તેમની સાથે રહ્યા હતા. રાજકારણીઓ મોટા ભાગે આ પ્રકારે કરતા હોતા નથી. રાજસ્થાનના પોખરણમાં જ્યારે ભારતે સૌપ્રથમ વાર અણુ વિસ્ફોટ કર્યો હતો, ત્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ તેમજ વડાપ્રધાન અટલબિહારી વાજપેયી સહિ‌ત ડીઆરડીના તેમજ અન્ય અધિકારીઓએ યુનિફોર્મમાં પોખરણની મુલાકાત લીધી હતી. સરહદ ઉપર જ્યારે કોઇ વીવીઆઇપી જવાના હોય, ત્યારે દુશ્મન દેશ કોઇ છમકલું ન કરે તે માટે તેમને છેતરવા માટે પણ અતિ વિશષ્ટિ મહેમાનને યુનિફોર્મમાં જ રાખવામાં આવતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. કચ્છની સીમા પણ ખાસ કરીને હરામીનાળા વિસ્તાર સુરક્ષાની દૃષ્ટિએ પણ ખૂબ જ સંવેદનશીલ હોવાને કારણે તથા આ વિસ્તારમાં અવારનવાર ઘૂસણખોરી તથા ફાયરિંગની પણ ઘટનાઓ બનેલી હોવાથી કદાચ સુરક્ષા દળે કેન્દ્રીય ગૃહમંત્રીને યુનિફોર્મ પહેરવાની સલાહ આપી હશે તેવું સૂત્રોએ કહ્યું હતું.

કચ્છના આઇપીએસ અધિકારીઓ વિવેક ચૂક્યા

કેન્દ્રના ગૃહવિભાગના રાજ્યકક્ષાના મંત્રી જીતેન્દ્ર સિંઘની કચ્છની બે દિવસની મુલાકાત દરમિયાન જિલ્લાના આઇપીએસ અધિકારીઓએ પ્રોટોકોલ ન જાળવીને વિવેક ચૂકી ગયા હોય તેવું જાણવા મળ્યું હતું. મંત્રી જ્યારે શુક્રવારે ભુજ આવ્યા, ત્યારે પ‌શ્ચિ‌મ કચ્છના એસપી અંતિમ ઘડીએ દોડીને તેમને રિસીવ કરવા ભુજના એરપોર્ટે ગયા હતા, પરંતુ બોર્ડર રેંજના આઇજી કે પૂર્વ કચ્છના એસપીએ કેન્દ્રના ગૃહમંત્રીને રિસીવ કરવાનું કે મળવાનું ટાળ્યું હતું. માત્ર એટલું જ નહીં ,પરંતુ હોમ મિનિસ્ટર દિલ્હી પરત જઇ રહ્યા હતા, ત્યારે તો ત્રણેયમાંથી એક પણ આઇપીએસ અધિકારી મંત્રીને સીઓફ કરવા માટે ડોકાયા ન હતા, જેને પગલે સુરક્ષાના જાણકારોને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. જે મંત્રીને સલામી આપી દીક્ષાંત સમારોહ બાદ પ્રોબેશનરી આઇપીએસ તરીકેનો દરજ્જો મળતો હોય છે તેમને જ જિલ્લામાં ન આવકારીને આ અધિકારીઓએ શિષ્ટાચારનો ભંગ કર્યો હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. જિલ્લાના આઇપીએસ અધિકારીઓની આ બેદરકારી અંગે કેટલાક સૂ્ત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની બીકને કારણે કદાચ કોંગ્રેસી મંત્રીને મળવાનું અધિકારીઓએ ટાળ્યું હશે.