રાજકોટ ગયેલા મુન્દ્રા પોર્ટના કર્મચારીના ઘરમાંથી ચોરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસ્કરો તાળાં તોડીને રૂ. ૪૭પ૦૦ના દાગીના-રોકડ ઉઠાવી ગયા
પાડોશીએ જાણ કરતાં ખબર પડી
મુન્દ્રામાં પોર્ટના કર્મચારીના ઘરમાંથી રવિવારે વહેલી સવારે અજાણ્યા શખ્સો રૂા.૪૭પ૦૦ના સોનાના દાગીના અને રોકડનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. કર્મચારીને હરસ-મસાની બીમારી હોવાથી તેમના પત્ની તેમને છ દિવસ પહેલા સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા. વળતાં તેઓ અંજાર રોકાયા હતા. ત્યારે પાડોશીએ તેમને રવિવારે ફોન કરીને ચોરી થયાની જાણ કરી હતી. ઘરે આવીને જોયું તો તાળાં તૂટેલાં હતાં અને ચોરી થઈ ગઈ હતી. પરિવારજનો ચિંતામાં મૂકાઈ ગયા હતા. આ મુદ્દે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો.
પોલીસ સૂત્રોએ કહ્યું કે, મુન્દ્રાના મારુતિનગરમાં રહેતા રેખાબેન હડિયાના પતિ લવજીભાઈ ભાણજીભાઈ હડિયાને હરસ-મસાની બીમારી છે. તા.૨૯ જાન્યુઆરીએ સવારે તેમની સારવાર માટે તેઓ સવારે ૯ વાગ્યે રાજકોટ જવા નીકળ્યા હતા. ત્યાં ઓપરેશન કરાવવાનું હતું. ઓપરેશન કરાવ્યું એ દરમિયાન તેઓ ત્રણ દિવસ ત્યાં રોકાયા હતા. બાદમાં પરત ફર્યા ત્યારે અંજારમાં રોકાણ કર્યું હતું.
અંજારમાં રેખાબેનના માવતર રહે છે. ત્યાં પતિને આરામ મળી રહે એ માટે રોકાયા હતા. પરિવારમાં સૌ ખુશ હતા. એ દરમિયાન જ તેમના પાડોશીનો ફોન આવ્યો કે, તેમના ઘરના તાળાં તૂટેલા છે, ચોરી થઈ હોવાનું લાગે છે. તેઓ તાબડતોબ પરત આવ્યા અને ઘરે જોયું, તો અજાણ્યા શખ્સો તાળાં તોડીને કબાટમાં મૂકેલી સોનાની ચેઈન અન વીંટી તેમજ રોકડા ૭પ૦૦ મળીને કુલ રૂ.૪૭પ૦૦ની માલમતા ઉઠાવી ગયા હતા.