કોન્ટ્રાક્ટરે ખોટી બેંક ગેરંટી રજૂ કરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજની બેંકના ધ્યાનમાં ૧૪.૧૦ લાખના બોગસ કાગળિયા હાથમાં આવતાં પોલીસ સુધી મામલો પહોંચ્યો : હજુ એફઆઇઆર નથી થઇ
સરકારી કોન્ટ્રાક્ટ માટે રૂ. ૧૪.૧૦ લાખની બેંક ગેરંટી તરીકે ભુજની એક બેંકના બનાવટી દસ્તાવેજો ઊભા કરીને તંત્ર તથા બેંક સાથે છેતરપિંડી કરવાનો એક પ્રયાસ બેંકના ધ્યાનમાં આવ્યા બાદ મામલો પોલીસ ચોપડા સુધી પહોંચ્યો છે. જોકે, રાબેતા મુજબ તેની એફઆઇઆર દાખલ થઇ શકી નથી.
માહિ‌તગાર સૂત્રોના જણાવ્યા મુજબ ભુજના બહુમાળી ભવનમાં ઓફિસ ધરાવતી ક્ષાર અંકુશ નિયંત્રણ કચેરી સાથે આ બનાવ બન્યો છે. બનાવની વિગત એવી છે કે, ભચાઉ તાલુકામાં મોટી નદી પર ચેકડેમ બનાવવા માટે પેકેજ નં. ૪૦ અંતર્ગત કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. જેતપુરના ડબલ એ ક્લાસ કોન્ટ્રેકટર વી.આઇ.પંડયાને ફાળે આ કોન્ટ્રાકટ આવ્યા બાદ તેમણે સ્થાનિકના એક કોન્ટ્રેકટરને આ કામ પેટામાં આપી દીધું હતું.
સૂત્રોના કહેવા પ્રમાણે કોન્ટ્રાકટરે સિંચાઇ ખાતાની આ કચેરી સાથે કોન્ટ્રાક્ટમાં સહી સિક્કા કરવા સમયે રૂા. ૧૪.૧૦ લાખની ખોટી બેંક ગેરંટી આપી દીધી હતી. કચેરીએ પણ કોઇ પણ જાતની ચકાસણી વગર આ બેંક ગેરંટીને માન્ય રાખી દીધી હતી. બાદમાં જ્યારે એફડીઆર પરત લેવાનો સમય આવ્યો અને મામલો બેંક સુધી પહોંચ્યો, ત્યારે બેંકે આવી કોઇ ગેરંટી પોતે ઇસ્યુ કરી જ ન હોવાની જાણ કરી હતી.
બેંકના અધિકારીઓએ પોતાના નામનો દુરુપયોગ થયો હોવાથી વડી કચેરીનું માર્ગદર્શન મેળવીને ભુજ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
મળતી માહિ‌તી પ્રમાણે પોલીસે હજુ આ કેસમાં એફ.આઇ.આર. દાખલ નથી કરી અને અરજીના સ્વરૂપમાં તપાસ શરૂ કરી છે. સિટી પીઆઇ જમોડનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે કહ્યું હતું કે, હાલમાં કાર્નિ‌વલ સહિ‌તની કામગીરીમાં રોકાયેલા રહ્યા હોવાથી હવે સોમવારથી આ બનાવની તપાસ શરૂ કરવામાં આવશે.
દરમિયાન ભુજની આઇડીબીઆઇ બેંકના સત્તાવાર સૂત્રોના કહેવા મુજબ તેમણે આવી કોઇ બેંક ગેરંટી ઇસ્યુ જ નથી કરી. બેંકનું તો એવું પણ કહેવું છે કે, છેક જેતપુરનો કોન્ટ્રાકટર અમારી પાસે શા માટે બેંક ગેરંટી માટે આવે. અમે ભુજ સિવાયના કામ કરતા જ નથી.
આ મામલે સંબંધિત કોન્ટ્રાટર વી.આઇ.પંડયાનો મોબાઇલ પર સંપર્ક સાધવામાં આવ્યા બાદ વિગતે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પણ તેમણે વાત કરવાનું ટાળ્યું હતું.
સરકારી તંત્રની આંખમાં ધૂળ ઝોંકવાની કોશિષ કરતા આ બનાવના પગલે ભારે ચકચાર જગાવી હોવાનું જાણવા મળ્યું છે.
ટેન્ડર કલાર્કની પણ બેદરકારી ?
સામાન્ય રીતે નિયમ મુજબ જ્યારે ટેન્ડર ભરાય, ત્યારે દરેક સરકારી કચેરીના ટેન્ડર કલાર્કની એ ફરજ હોય છે કે સંબંધિત સોલવન્સી કે બેંક ગેરંટીનું વેરિફિકેશન કરાવવું પડે. આ કેસમાં આવી કોઇ ગતિવિધિ જો શરૂઆતના તબક્કામાં જ થઇ ગઇ હોત તો શરૂઆતમાં જ આ છેતરપિંડી પકડાઇ ગઇ હોત. સૂત્રોમાંથી મળતી માહિ‌તી પ્રમાણે ફરજમાં બેદરકારી માટે ક્ષાર અંકુશ નિયંત્રણ કચેરીએ ટેન્ડર કલાર્કને મેમો પણ આપ્યો છે. તો આ કેસ સાથે સંકળાયેલાઓનું એવું પણ કહેવું છે કે, મોટા અધિકારીઓની મિલિભગત વગર આવું શક્ય પણ ન બને.
આવા અનેક ગોટાળા થઇ રહ્યા છે
સરકારી કચેરી સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ જલદીથી ધનવાન થઇ જવાની લ્હાયમાં થોડો ઘણો પણ રાજકીય સપોર્ટ ધરાવતા યુવાનો સરકારી કચેરી સાથેના કાગળિયામાં બેધડક છેડછાડ કરે છે અને પરિણામની પણ ચિંતા નથી કરતા. સૂત્રોના કહેવા મુજબ જેમ આ કેસમાં ખોટી બેંક ગેરંટી ઊભી થઇ, તેમ અન્ય કેસોમાં પણ જો તલસ્પર્શી તપાસ થાય, તો કદાચ લાખો-કરોડોના લોચા લાપસી મળી શકે એમ છે.
સ્થાનિક કોન્ટ્રાકટરના ચેક પાસ નથી થતા
અમારા સામખિયાળીના પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે સ્થાનિકે જે કોન્ટ્રાકટરે આ ખોટી બેંક ગેરંટી બનાવી હતી, તેણે સામખિયાળીના રો મટિરિયલના વેપારીઓના પણ લાખો રૂપિયા સુવડાવી દીધેલા છે. ભચાઉ તાલુકાના એક મોટા ભાજપી નેતાની ઓથ ધરાવતા આ કોન્ટ્રાટરે આધોઇમાં બનાવેલો ચેકડેમ મામૂલી વરસાદમાં જ તૂટી ગયો હતો.