ભુજમાં રોજ સરેરાશ ચાર વ્યક્તિને કરડે છે કૂતરું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કેટલાય રોડ પર વાહન પાછળ દોડીને અકસ્માતનું ઊભું કરે છે જોખમ ભુજમાં કૂતરાઓનો ત્રાસ વધ્યો છે. કેટલાક વિસ્તારમાં લોકો જતાં પણ ડરે છે. પસાર થતાં બાઇક કે કાર જોયાં નથી કે એ ભાઉ-ભાઉ કરતા દોડયા નથી.રખડતાં આખલા અને ગાય અડચણરૂપ હતાં હવે કૂતરાં પણ એમાં મોખરે બન્યાં છે. કૂતરાં કરડવાના બનાવ પણ ગંભીર રીતે જોવા મળે છે. જનરલ હોસ્પિટલના ઇન્જેકસ વિભાગમાંથી મળતી વિગતો પ્રમાણે મહિ‌ને સરેરાશ ૪૦૦ લોકોને હડકવાની રસી આપવામાં આવે છે. ભુજમાં મહિ‌ને ૧૨૦ વ્યક્તિને કૂતરું બચકું ભરે છે અને બીજા શબ્દોમાં કહીએ તો એવરેજ રોજના ૪ શહેરીજન ભોગ બને છે. - આ રોડ પર સાચવીને ચાલજો ભુજમાં કૂતરાઓનો જે માર્ગો પર સૌથી વધુ ત્રાસ છે, એમાં આઠ રસ્તા નામચીન છે. જેમાં હોસ્પિટલ રોડ, કોલેજ રોડથી મંગલમ તરફ જતો શાંતિનગરનો રોડ, રામધૂન પાસેનો રોડ, આશાપુરા રિંગ રોડ, ગાંધીનગરી રોડ, ભીડગેટથી સરપટનાકા સુધીનો રોડ નોંધપાત્ર છે. ઉપરાંત સંસ્કારનગર ગરબી ચોક પાસે અને ન્યૂ ઉમેદનગર ગરબી ચોક નજીક કૂતરાઓનો ભારે ત્રાસ છે. - કૂતરાં કરડવામાં આ બે વિસ્તાર નંબર વન જનરલ હોસ્પિટલમાં કૂતરાં કરડવાના જે બનાવ નોંધાય છે એમાંથી મોટાભાગના સંજોગનગર અને રામનગરી વિસ્તારના હોય છે. આ બે એરિયા એ રીતે કૂતરાં કરડવામાં નંબર વન બન્યા છે. - ફરિયાદ આવે તો પકડીએ: ચીફ ઓફિસર કૂતરાંના ત્રાસ વિશે ભુજમાં કોઇ ચોક્કસ વિસ્તાર કહી શકાય નહીં. આમ છતાં જે વિસ્તારમાંથી ફરિયાદ આવે, તો ત્યાં પકડવાની કાર્યવાહી કરવામાં આવે છે. શહેરમાં દર અઠવાડિયે સરેરાશ ચારથી પાંચ કૂતરાં પકડાવામાં આવે છે. લોકો લેખિતમાં કે ફોન(૨૨૦પ૧૬) પર રાવ કરે, તો પાલિકા કાર્યવાહી કરે છે. - ચેતન ડુડિયા, ચીફ ઓફિસર નગર પાલિકા ભુજ - કૂતરું કરડે તો શું કરવું? શરીરના કોઇ ભાગે કૂતરું કરડે તો એને તરત સાબુ વડે પાણીથી સાફ કરવો જોઇએ. ત્યાર બાદ એ ભાગને ખુલ્લો જ રાખવો ઢાંકવો નહીં. લોહી નીકળતું હોય તો નીકળવા દેવું તેના લીધે હડકવાના વાયરસ હોય તો એ પણ નીકળી જાય એનાથી ફાયદો રહે છે. હા, વધારે બ્લીડીંગ થતું હોય તો હળવેથી એ ભાગ ઢાંકવો જોઇએ. પ્રથમ તબક્કે આ પગલાં લીધા બાદ તાત્કાલિક દવાખાનમાં પહોંચીને સારવાર લેવી જોઇએ. - ડો.મીરા ઝા, મેડિકલ ઓફિસર, ભુજ જનરલ હોસ્પિટલ - નગરવાસીઓ શું કહે છે? અમારા વિસ્તારમાં કૂતરાંનો ત્રાસ એટલો છે કે, ધો.૭માં અભ્યાસ કરતી મારી પુત્રી શાળા કે ટ્યુશને એકલી જતાં ડરે છે. ટિચર પણ વાલીને લાવવા-મૂકી જવા માટે તાકીદ કરે છે. - મહેશ વૈદ્ય, સંસ્કારનગર ભુજમાં ત્રાસરૂપ બનેલાં કૂતરાઓને પકડી પકડીને માનવ વસતીથી દૂર કરવાં જોઇએ, એની સત્તા અને જવાબદારી પાલિકાની છે. - રિયાઝ સમેજા, કેમ્પ વિસ્તાર કૂતરાઓનો ત્રાસ દૂર કરવા બે રસ્તા છે: (૧)વારંવાર કરડતા કૂતરા(કે કૂતરી)ને કોઇ પણ રીતે મારી નાખવા અને (૨) શહેરના પુખ્તવયના કૂતરાની ખસી કરી નાખવી જેથી તેઓની વસતી ન વધે. - ઇબ્રાહીમ એચ. લાહેજી, બકાલી કોલોની કેટલાંક કૂતરાં હડકાયાં થાય તે કરડે છે. બધાં કૂતરાં સરખાં નથી હોતાં. અમુક કૂતરાં નિરુપદ્રવી હોય છે. તો કેટલાંકને ઉશ્કેરવામાં આવે તો કરડવા દોડે છે, બાકી શાંત પડયાં રહે છે. અમારા વિસ્તારમાં તોફાની કૂતરાં નથી.કદાચ પૂરતું ખાવા-પીવાનું મળતું રહે, તો કૂતરાં કોઇને કરડવાં દોડતાં નથી. - ચિરાગ ચાવડા, આરટીઓ રિલોકેશન - અભિપ્રાય અંગે એસએમએસ કરો ૯૬૮૭૬ ૦૮૪૩૬