ચૂંટણી ઓળખકાર્ડ ખોવાઇ ગયું હોય તો નવું મેળવી શકાશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં મામલતદાર કચેરીમાં મતદાર સુવિધા કેન્દ્રનો પ્રારંભ મતદાતાના નામ અને ઓળખકાર્ડમાં થતી ભૂલો નિવારી શકાય અને મતદારયાદી અદ્યતન બને તે હેતુથી ભુજ મામલતદાર કચેરીમાં મતદાર સુવિધા કેન્દ્રનો પ્રારંભ કરાયો હતો. કલેકટર એમ. થેન્નારસને કેન્દ્રનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું હતું કે, આવાં કેન્દ્રો તમામ તાલુકા મથકોએ શરૂ થશે. ૩૧મી ડિસેમ્બર સુધી ચાલનારી આ સુવિધાથી ઓળખકાર્ડ ખોવાઇ કે ફાટી ગયું હોય, તો નવું મેળવી શકાશે. સરનામા બદલવા સાથે લગ્નને કારણે નામમાં ફેરફાર પણ કરી શકાશે, પરંતુ મતદાર યાદીમાં નામ હોવું આવશ્યક છે. તા.૧૮મી જૂન સુધી ચાલતા મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ફોર્મ ૬-૭-૮ ભરી રજૂ કરવાના રહેશે. જો મતદાર યાદીમાં નામ ન હોય તો પ્રથમ ફોર્મ નં. ૬ સાથે જરૂરી રહેણાકના પુરાવા, જન્મતારીખના પુરાવા ફોટોગ્રાફસ સાથે જમા કરાવાશે તો ૪પ દિવસ બાદ નવું ઓળખકાર્ડ મળી શકશે. ઓળખકાર્ડ માટે જૂનું ઓળખકાર્ડ સાથે લાવવું જરૂરી છે. આ પ્રસંગે નાયબ કલેકટર એફ.એ.બાબી તથા પી.એ. ગામિત, ભુજના નગરપતિ નરેન્દ્રભાઇ ઠક્કર, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વિનોદ ચાવડા, મામલતદાર એમ.જે. ભંડેરી, ચીફ ઓફિસર ચેતન ડુડિયા ઉપસ્થિત રહ્યા હતા, જયારે સી.એમ.સી.ના અંકિત ઠક્કર તેમજ નાયબ મામલતદાર ચૂંટણીએ પુરક વિગતો આપી હતી.