સુખપરમાં રિક્ષા ડ્રાઇવરે પોલીસ પુત્રને ફટકારી લાકડી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સલાયામાં બનેવીએ સાળાને છરી ઝીંકી
- મારવા ગયો અન્ય ડ્રાઇવરને, યુવાન વચ્ચે આવી ગયો

ભુજ તાલુકાના સુખપર ગામમાં પોલીસ કર્મચારીના દીકરા પર અજાણ્યા શખ્સે લાકડીથી હુમલો કરતાં તે ઘવાયો હતો. બીજી બાજુ માંડવી તાલુકાના સલાયા ગામમાં એક બનેવીએ તેના સાળાને સામાન્ય કારણથી ઉશ્કેરાઈને છરી ઝીંકી હતી. આ બનાવ વિશે માનકૂવા પોલીસે જણાવ્યું કે, ગુરુવારે સાંજે બનેલી આ ઘટનામાં ભાવેશ બાબુલાલ રાઠોડને ઇજા થઈ હતી. દેશલપર(વાંઢાય)માં રહેતો આ યુવાન રિક્ષામાં બેસીને જતો હતો. તે ડ્રાઇવરની બાજુમાં બેઠો હતો, ત્યારે અન્ય રિક્ષાના ચાલકે તેને લાકડી ઠોકી હતી. વાસ્તવમાં તે રિક્ષાના ડ્રાઇવરને મારવા ગયો હતો. પેસેન્જર મુદ્દે તેણે હુમલો કર્યો હતો, વચ્ચે યુવાન આવી જતાં એને લાગ્યું હતું. આ બનાવ વિશે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. ઘાયલ યુવાનના પિતા વાયોર પોલીસમાં ફરજ બજાવે છે.

જ્યારે માંડવી મરીન પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, ગુરુવારે મોડી રાત્રે સુલતાન જીયા સીદીને તેના બનેવી રજાક મજીદ સીદીએ કોણીમાં છરી ઝીંકી હતી. સલાયાના મિસ્કિનનગરમાં રહેતો સુલતાન તેની માતા સાથે વાતચીત કરતો હતો, ત્યારે કોઇ બાબતે ઉશ્કેરાઈ ગયેલા રજાકે હુમલો કર્યો હતો. આ બનાવ અંગે ફોજદારી ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.