આજે ભુજમાં ડો. કાદરીની તકરીર, હજારો લોકો ઉમટશે

Dr Kadari in Bhuj on today
Bhaskar News

Bhaskar News

Mar 07, 2012, 02:18 AM IST
શહેરની ભાગોળે આલીશાન આયોજન, કચ્છ બહારથી પણ મુસ્લિમો આવવાની વકી લાંબા સમયથી કચ્છના મુસ્લિમો જેનો બેસબરીથી ઈન્તજાર કરી રહ્યા હતા એ ઘડી બુધવારે આવી ચૂકી છે. ભુજ શહેરની ભાગોળે પાકિસ્તાનના વિદ્વાન આલિમ ડૉ. તાહેરુલ કાદરી સાંજે શાનદાર તકરીર ફરમાવશે. આ મુબારક ઇજલાસમાં હજારો લોકોની મેદની ઉમટી પડે એવી શક્યતા છે, જો કે, આયોજકોના મત મુજબ લાખથી સવા લાખ લોકો કચ્છ ઉપરાંત ગુજરાત તેમજ અન્ય રાજ્યના મુસ્લિમો પણ સામેલ થશે. મિન્હાજુલ કુઆન સંસ્થાના સૂત્રોએ જણાવ્યું કે ભુજમાં તા. ૭ માર્ચના સાંજે આયોજિત ડૉ. તાહેરુલ કાદરીના ધાર્મિક પ્રવચન અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ છે.શહેરની ભાગોળે સેવન સ્કાય સર્કલ પાસે કેન્સન મોટર્સની સામે ભવ્ય શામિયાના નીચે બુધવારે સાંજે ૬:૩૦ વાગ્યાથી કાર્યક્રમ શરૂ થઈ જશે, જે રાતે ૧૦:૩૦ વાગ્યા સુધી ચાલશે. ડૉ. કાદરી મગરબિની નમાજ બાદ સ્ટેજ પર તશરીફ લાવશે. આ પવિત્ર પ્રસંગે આશરે એકથી દોઢ લાખની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહેશે. આ તકરીરી જલસામાં હાજી અહેમદશા બાવા તથા તેમના ભાઇ હાજી જહાંગીરશા બાવા ખાસ તશરીફ લાવશે. આ ઉપરાંત ભુજના સૈયદ નજમુલ હસન બાપુ સહિત કચ્છભરના અનેક નામી-ગિરામી ઉલેમા-એ-કિરામ તશરીફ લાવશે. ઉલ્લેખનીય છે કે, કયૂ ટી.વી. પર પ્રસારિત થતી ડૉ. કાદરીની તકરીરોને ભારતમાં ભારે લોકચાહના મળી છે. ઉપરાંત મિન્હાજુલ કુઆન દ્વારા ડીવીડીના માધ્યમથી પણ કચ્છના મુસ્લિમ સમાજમાં તેમની તકરીરનો પ્રસાર કરવામાં આવ્યો હોવાથી અહીં પણ તેમના સેંકડો અકીદતમંદો રહેલા છે. બુધવારના કાર્યક્રમમાં શિર્કત કરવા કચ્છ બહાર ગુજરાત-સૌરાષ્ટ્ર તેમજ રાજસ્થાન તથા મહારાષ્ટ્ર ખાસ કરીને મુંબઇથી મિનહાજુલ કુઆન સાથે સંકળાયેલા મુસ્લિમો જંગી સંખ્યામાં હાજર રહેશે. કુલ સંખ્યા એકાદ લાખને પાર કરી જાય તેમ આયોજકો માની રહ્યા છે. અને એ અંગે તૈયારી પણ કરવામાં આવી હતી.
X
Dr Kadari in Bhuj on today

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી