• Gujarati News
  • Does Not Promote The Interests Of Farmers On The Scheme

ખેડૂતોના હિ‌તની યોજના વિશે પ્રચાર થતો નથી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માઇક્રો ઇરિગેશન સિસ્ટમ હેઠળ પાંચ એચ.પી.ના જોડાણ અપાય, તો કચ્છ નંદનવન બની જાય

રાજય સરકાર અને વડોદરાની ગુજરાત ગ્રીન રિવોલ્યૂશન કંપની દ્વારા માઇક્રો ઇરિગેશન સિસ્ટમ હેઠળ સમગ્ર રાજયને હરિયાળું બનાવવાની યોજના અમલમાં મૂકાઇ છે, જે માટે જરૂરી એવા વીજ જોડાણ સહિ‌તની માહિ‌તી કચ્છના કિસાનો સુધી પહોંચતી નથી. પરિણામે, આ જિલ્લો નંદનવન બની શકયો નથી. આ અંગે વહવટી તંત્ર દ્વારા જો ૧પ દિવસમાં પ્રચાર-પ્રસાર નહીં કરાય, તો જિલ્લાના પ્રતિનિધિ મંડળ સાથે રાજયમાં ધા નખાશે તેવું જિલ્લા પંચાયતના સદસ્યની યાદીમાં જણાવાયું છે.

આ યોજનાની માહિ‌તી આપતાં જિલ્લા પંચાયતના સદસ્ય જયંતીલાલ ઠક્કરે જણાવ્યું હતું કે, કચ્છમાં ભૂકંપ બાદ ઔદ્યોગિક ક્ષેત્રની જેમ ખેતી ક્ષેત્રે પણ ખૂબ વિકાસ થયો છે. બાગાયત ક્ષેત્રે કેસર કેરી, કચ્છી ખારેક, ઈઝરાયેલી ખારેક, દાડમ, સીતાફળ, મોસંબી, કેળા, પપૈયા, કપાસ, એરંડા, મગફળી, તરબૂચ અને શક્કરટેટી જેવા રોકડિયા પાકની ખેતી ખેડૂતોએ પોતાની કોડાસૂઝ અને દિવસ-રાતની મહેનતથી કરી દેશ-વિદેશમાં મોખરાનું સ્થાન અપાવ્યું છે. ખેડૂતોને ઉપયોગી થાય તેવી સરકારની એમ.આઇ.એસ. યોજના આજથી લગભગ સવા વર્ષ પહેલાં અમલમાં મૂકવામાં આવી હતી, પરંતુ તેનો અમલ ન થતાં લાખો હેકટર જમીનમાં બાગાયતી કે રોકડિયા પાકો લઇ શકાતા નથી.

પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ યોજનાને યોગ્ય પ્રચાર-પ્રસાર કરવામાં ન આવતાં ડ્રીપ પદ્ધતિથી ખેતી કરવા ઇચ્છતા ખેડૂતો પણ લાભ મેળવી શકતા નથી. ડ્રીપ સિંચાઇમાં પાણીનો સંગ્રહ ટાંકામાં કરવામાં આવે છે, જેમાં પ્રેશર આપવા માટે વીજ કનેકશન જરૂરી હોય છે. રાજયમાં તમામ તાલુકાઓ (ડાર્ક ઝોન સહિ‌તના)માં પોતાના નામે ખેતી વિષયક વીજ જોડાણ ધરાવતા ખેડૂતને પાંચ ર્હોસપાવર થ્રી ફઇઝ કનેકશન આપવામાં આવે છે, તેનો લાભ મેળવી અન્ય જિલ્લાઓના ખેડૂતો કરોડો હેકટર જમીનમાં વધારાની પિયત કરી પાક મેળવે છે, જયારે કચ્છમાં અધિકારીઓની સ્થૂળતાના કારણે આ યોજના લોકો સુધી પહોંચી નથી શકી, કિસાનો માટે આર્શીવાદરૂપ આ યોજનાના અમલ માટે વહીવટી તંત્ર ખેડૂતો સાથે મીટિંગો કરે, જાહેરાતો આપે અને ઝુંબેશના રૂપમાં કામગીરી કરે અને જો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે અમલ કરવામાં નહીં આવે, તો જિલ્લાના પ્રતિનિધિ મંડળ સાથે રાજય સરકારમાં રજૂઆત કરી ખેડૂતોને ન્યાય આપવા માટે ૧પ દિવસ બાદ કાર્યવાહી કરાશે તેવું તેમણે યાદીમાં ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં કિસાનો અને વીજ કંપની વચ્ચે વારંવાર નાના-મોટા વિવાદો થતાં રહે છે, જેના પાછળનું કારણ સુવિધા અને માહિ‌તીનો અભાવ હોય છે.

તો પાંચ ગણા વિસ્તારમાં પિયત થઇ શકે
જો આ યોજના અમલી બને, તો જિલ્લામાં પાંચ ગણો વિસ્તાર પિયત ઉપર આવી શકે તેમ છે, પરંતુ જિલ્લા બહારથી આવતા અધિકારીઓને માત્ર ખેડૂતોના વીજ કનેકશન ચેક કરવામાં જ રસ હોઇ માત્ર ચેકિંગ કરી મસમોટાં બિલો પકડાવી દેવામાં આવે છે, જયારે કિસાનોના હિ‌તની યોજનાઓની જાણકારી આપવામાં આવતી નથી.