ભુજ: દત્તક ગામોની તંત્રને ખબર જ નથી, 4 ધારાસભ્યે જવાબદારી સ્વીકારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકાજ : સાંસદના સુવઇ સિવાય કોઇ ગામડાની જાણ આયોજન શાખામાં નહીં
મોટા પાયે જાહેરાતો કરીને 4 ધારાસભ્યે જવાબદારી સ્વીકારી, કાર્યવાહી કંઇ નહીં
ભુજ: કેન્દ્ર સરકારના માર્ગે ચાલી રહેલી ગુજરાત સરકારના મુખ્યપ્રધાન આનંદીબેનની હાકલથી ભાજપી ધારાસભ્યો ગામો દત્તક લેવાની મોટાપાયે જાહેરાતો કરી રહ્યા છે, પરંતુ કચ્છમાં આવા એકેય ધારાસભ્યનું નામ સરકારી ચોપડે ચઢ્યું નથી. સત્તાવાર રીતે આયોજન શાખાને જાણ કરવાની હોય, તેની પાસે આવી કોઇ જ માહિતી પહોંચી નથી. આદર્શ ગ્રામ યોજના તળે જુદા-જુદા કથિત અવિકસીત ગામોના વાલી બનીને સરકારી યોજનાઓનો અમલ કરાવીને વિકાસ કરવાના વાદા રાજ્યનાકચ્છ સહિતના ધારાસભ્યોએ શરૂ કર્યા છેે.
કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ રાપર તાલુકાનું સુવઇ ગામ એડોપ્ટ કર્યું છે, તો ભુજના વિધાનસભ્ય ડો. નીમાબેન આચાર્યે તાલુકાનું નારાયણ પસાયતી દત્તક લઇને આશ્ચર્ય ઊભું કર્યું છે, તેમણે તો શહેરની 4 રિલોકેશન સાઇટ માટે પણ વાલીપણુ દર્શાવ્યું છે. રાજ્યમંત્રી તારાચંદ છેડાએ પણ માંડવીનું કોટાયા અને મુન્દ્રાનું ટપ્પર સોનારાવાળી 2 ગામ તથા રાપરના પંકજ મહેતાએ પદમપર અને ગાંધીધામના રમેશ મહેશ્વરીએ ભચાઉનું વામકા દત્તક લીધું છે.
અંજારના ધારાસભ્ય વાસણભાઇની જાહેરાત બાકી છે અને અબડાસાના શક્તિસિંહ ગોહિલ દત્તક લેવાના નથી, પણ અહીંના જ માજી ધારાસભ્ય ભાજપના છબીલ પટેલે આખા તાલુકામાં શૌચાલય બને તેવી જવાબદારી સ્વીકારી છે, જેમણે ગામની જવાબદારી લીધી છે, તેમણે માત્ર જાહેરાતો કરીને કે માધ્યમોને જણાવીને જ જાણે સંતોષ માની લીધો હોય તેમ ચિત્ર ઊભું થયું છે. કારણ કે, જિલ્લા સેવા સદન હસ્તકની આયોજન શાખા કે જ્યાં લોકપ્રતિનિધિઓની સરકાર તરફથી આવતી ગ્રાન્ટ્સનો ઉપયોગ વિવિધ યોજનાઓમાં કરવાનો હોય છે, ત્યાં કોઇઅે લેખિતમાં જાણ જ નથી કરી, જ્યાં સુધી આવા દત્તક ગામોની માહિતી આયોજન શાખાના ચોપડે જ ચઢે તેને દત્તક કેમ માની શકાય એ સવાલ છે. રાજ્ય સરકારની રાહે કચ્છ જિલ્લા પંચાયતના સભ્યો પણ પોતાના વિસ્તારમાં ગામોને એડોપ્ટ કરવાના છે, પણ હજુ પસંદગી પૂરી થઇ નથી અને સત્તાવાર રીતે નામો પસંદ કરવાનો સમય 15મી ડિસેમ્બર સુધી છે.
ગામમાં સાવરણોય ન ઉપાડવો પડે
જો પંચાયતી ધારાની માર્ગદર્શિકાને માત્ર ધ્યાનમાં રાખીને કામગીરી કરાય, તો એકેય ગામ દત્તક લેવાની જરૂર પડે નહીં. મહેસૂલ અને પંચાયતી વહીવટ સાથે સંકળાયેલા અેક અધિકારીએ જણાવ્યું હતું કે, પંચાયતી ધારામાં તમામ પ્રકારની કામગીરીની જોગવાઇ સમજાવવામાં આવી છે, જો તેને અનુસરવામાં આવે તો કોઇ ગામમાં સાવરણો પણ ઉપાડવો ન પડે, એવી સફાઇ સહિતની તમામ કામગીરી પર પડી શકે. ધારાધોરણો અનુસાર આપોઆપ વિકાસ થતો જોવા મળે. માત્ર સુવઇ ગામ દત્તક લેવાશે તેવી લેખિત જાણ આયોજન શાખાને કરવામાં આવી છે. આના સિવાય કોઇ પણ ગામ દત્તક અંગે માહિતી અમારા સુધી પહોંચી નથી. > જી.ડી. ઓઝા, જિલ્લા આયોજન અધિકારી