• Gujarati News
  • Dissolute Nephew Uncle Put On The Car In Sikara Deleted Kasala

શિકરામાં વંઠેલ ભત્રીજાએ કાકા પર કાર ફેરવી કાસળ કાઢી નાખ્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભચાઉ પંથકમાં સતત બીજા દિવસે પણ હત્યાનો સિલસિલો યથાવત્ રહ્યો

નશામાં જ રહેતા પોલીસ પુત્રે તાજેતરમાં જમીન વેચી મારતાં કાકાએ આપેલો ઠપકો કારણભૂત


કરમરિયાની કંપનીના ગાર્ડની હત્યાના બીજા જ દિવસે શિકરામાં હત્યાનો બીજો બનાવ પ્રકાશમાં આવ્યો હતો, જેમાં કણાની માફક ખૂંચતા કાકાનું સગા ભત્રીજાએ જ માથે કાર ફેરવી કાસળ કાઢી નાખતાં ચકચાર મચી ગઇ છે. હત્યા પાછળ પિતાનાં મોત બાદ પોલીસ પુત્રે તાજેતરમાં જમીન વેચી મારતાં કાકાએ ઠપકો આપ્યો હતો, જેનો ખાર રાખી બનાવને અંજામ આપ્યાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે.

ભચાઉ તાલુકાના શિકરા ગામના નારણભાઇ જીવણભાઇ જાદવ (ઉ.વ.૪પ) સવારે ૧૦ વાગ્યે પોતાની વાડીએ ગયા હતા, ત્યારે તેનો ભત્રીજો મહેશ કરસનભાઇ જાદવ (૨૭) આવી ચડયો હતો અને જમીન વેચવા બાબતે આપેલા ઠપકાનું મનદુ:ખ રાખી બોલાચાલી કરી પોતાની ક્વાલિસ ગાડીની જોરથી ટક્કર મારી કાકાને પછાડી દીધા હતા. ત્યાર બાદ ઉપરાછાપરી ગાડીના વ્હીલો તેના પર ફેરવી મોતને ઘાટ ઉતારી દીધા હતા. અકસ્માત બાદ કાર ખાડામાં ફસાઇ જતાં આરોપી ભત્રીજો ત્યાં કાર છોડી પરત ગામમાં આવી ગયો હતો. બનાવની જાણ થતાં કાકા નારણભાઇ જાદવને સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. સગા ભત્રીજાના કૃત્યથી નાના એવા ગામમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે બનાવની નોંધ કરી ડીવાયએસપી ભીમાવતે વધુ તપાસ હાથ ધરી છે.


હજુ ચાર દિવસ પૂર્વે જ અમદાવાદથી કાર નવી બનાવીને લાવ્યો હતો
સૂત્રોના જણાવ્યા મુજબ મહેશ જાદવ હજુ ચાર દિવસ પહેલાં જ પોતાના પિતાની ક્વાલિસ કાર બનાવીને અમદાવાદથી લાવ્યો હતો અને બેફામ રીતે તે કાર ગામમાં દોડાવતાં તેના કાકાએ ગાડી ધીરે ચલાવવા ઠપકો પણ આપ્યો હતો. આ ઉપરાંત છેલ્લા ત્રણ દિવસથી પોલીસ પણ વોચમાં હતી, પરંતુ તે હાથ આવ્યો ન હતો.

ત્રણમાંથી એક હત્યાનો ભેદ જ ઉકેલાયો
પૂર્વ કચ્છ પોલીસ આટઆટલી ચોરી અને મારામારીના બનાવ બાદ પણ ઉંઘતી જ રહી છે. શિકરામાં બનેલા હત્યાના બનાવ બાદ પોલીસ માટે ભચાઉમાં બનેલા ઉપરાઉપરી ખૂનનો ત્રીજો બનાવ નોંધાયો છે. ત્રણ પૈકી માત્ર એક બનાવમાં પોલીસને સફળતા મળી છે. ત્યાર બાદ એક પરપ્રાંતીયના ખૂન બાદ બીજા દિવસે એક ભત્રીજા દ્વારા કાકાના હત્યાનો બનાવ બનતાં પોલીસ માટે વધતો-જતો ક્રાઇમ રેટ કાળી ટીલી સમાન સાબિત થઇ રહ્યો છે.

મહેશ રિવોલ્વર સાથે પકડાયો હતો?
મહેશ જાદવ અગાઉ આદિપુર-ગાંધીધામમાં ખંડણી અને ગેરકાયદે રિવોલ્વર રાખવાના ગુનામાં એક વર્ષ પહેલાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે, જેનો કેસ પણ ચાલી રહ્યાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
---