આજે "ધનતેરસ' : કચ્છમાં દીપોત્સવ ઉજવવા થનગનાટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુધવારે કાળી ચૌદસ, ગુરુવારે દિવાળી બાદ નૂતનવર્ષને આવકારાશે
ભુજ: ભારતભરની સાથે કચ્છમાં પણ ધૂમધડાકા અને રોશનીઓના ઝળહળાટ સાથે દીપોત્સવ પર્વને ઉમંગભેર ઉજવવાનો માહોલ સમગ્ર જિલ્લામાં છવાઇ ગયો છે. ધનતેરસથી તેનો ઉત્સાહભેર આરંભ થશે. બુધવારે કાળી ચૌદસ, ગુરુવારે દીપાવલીને મનમૂકીને ઉજવ્યા બાદ લોકો શુક્રવારે એકમેકને નૂતન વર્ષની શુભકામના પાઠવશે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારના દેવાલયો સોમવારથી જ વિવિધ રંગીન રોશનીઓથી શણગારી દેવાયાં હતાં. સોના-ચાંદીની ખરીદી તેમજ લક્ષ્મીકૃપા મેળવવા માટે વણજોયા મુહૂર્ત એવી ધનતેરસના પણ ગુરુુપુષ્ય નક્ષત્ર જેટલી જ કિંમતી આભૂષણોની ખરીદી થવાની સંભાવના બજાર સાથે સંકળાયેલા સૂત્રોએ વ્યક્ત કરી હતી, તો આજે મંગળવારે દશેરાની જેમ જ નવાં વાહનોની ખરીદી, ભૂમિપૂજન અને વાસ્તુપૂજન જેવાં શુભકાર્યો પણ લોકો આટોપશે.
મહાકાળી અને હનુમાનજીની ભક્તિ માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે તે કાળીચૌદસની બુધવારે કચ્છભરમાં ધર્મોલ્લાસ સાથે ઉજવણી થશે. લોકવાયકા મુજબ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સંધ્યા ટાણે કકળાટ કાઢીને ઘરમાં કોઇ કંકાશ કે કલેશ ન રહે તેવો ટોટકો ગૃહણીઓ અજમાવશે. ગુરુવારે પર્વોમાં શિરમોર એવી દિવાળીની વહેલી સવારથી જ ઉજવણી શરૂ થશે. ખાસ કરીને મંદિરોમાં ભાવિકોની ભીડ જામશે, તો બજારોમાં સ્વાદિષ્ટ વ્યંજનોની ખરીદી માટે સ્વાદ રસિકો ઉમટી પડશે. રાત્રે ધૂમ-ધડાકા સાથે દીપોત્સવ પર્વની ઉજવણી પરાકાષ્ટાએ પહોંચશે. અવનવી આતશબાજીથી આકાશ ઝગમગી ઉઠશે, તો ગૃહિણી અને યુવતીઓ આંગણે અવનવી ભાતની રંગોળી પાડીને આવનારા વર્ષને આવકારવા વ્યસ્ત બની જશે. શુક્રવારે કચ્છના તમામ વિસ્તારોમાં લોકો સજીધજીને નૂતન વર્ષની શુભકામના એકમેકને પાઠવશે, તો મંદિરોમાં 56 ભોગ સાથે અન્નકૂટ પ્રસાદ ધરાવીને આખું વર્ષ સૌના ઘરમાં અન્નપૂર્ણા દેવીની કૃપા વરશે, તેવી પ્રાર્થના કરાશે.
ભુજમાં મંગળાઆરતી સાથે આતશબાજી
શહેરની આગવી પરંપરા મુજબ ધનતેરસથી દિવાળીના ત્રણ દિવસ દરમિયાન મહાદેવનાકા બહાર, હમીરસરના કિનારે વિવિધ દેવ-મંદિરોમાં પરોઢીયે મંગળા આરતી થશે અને એ પછી હજારો શહેરીજનો ફટાકડાના ધૂમધડાકાની મોજ માણશે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવશે.