પ. કચ્છને સંપૂર્ણ અછતગ્રસ્ત જાહેર કરો, સુધારા કરવા માટે રજૂઆત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મુખ્યમંત્રીને અંગ્રેજોના સમયથી ચાલ્યા આવતા રાહત મેન્યુઅલમાં સુધારા કરવા માટે કરાઇ રજૂઆત

કચ્છના છેવાડાના અબડાસા અને લખપત તાલુકામાં અર્ધ અછત જાહેર કરવામાં આવી છે, તેના બદલે બન્ને તાલુકામાં સંપૂર્ણ અછત જાહેર કરવા ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પાસે જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા માગણી કરવામાં આવી છે. ગત ડિસેમ્બર માસથી ઘાસચારાના અભાવે અબોલા જીવો તેમજ કામ વગર લોકો અને પીવાના પાણી વિના પ્રજા ખૂબ જ બેહાલ બની છે. સ્થાનિક તાલુકા-વહીવટી તંત્રે સાચી માહિ‌તી ગંભીરતાપૂર્વક જિલ્લા કે રાજ્યસ્તરે પહોંચાડી ન હોવાથી પાણી હોવા છતાં છ મહિ‌ના સુધી જાહેરાત કરાઇ ન હતી. અબડાસા તાલુકાના ૮પ ગામ વહીવટી તંત્રની માફ ન કરી શકાય તેવી ગંભીર બેદરકારીના કારણે આ ગામો અછતની યાદીમાં રહી ગયાં છે. જિલ્લા બહારના કર્મચારીઓ સજામાં આવ્યા હોય તેવું વર્તન આ બન્ને તાલુકામાં કરી રહ્યા છે. અછતથી અજાણ અને રાહત મેન્યુઅલના નિયમોમાં જાણકારી ન હોવાને કારણે તાલુકાઓની ખોટી આનાવારી ટેબલ પર બેઠા-બેઠા તૈયાર કરી મોકલાવી છે. આ બન્ને તાલુકાના મુખ્યમથકથી ૪૦ કિમીની ત્રિજિયામાં નાના-નાના ગામડાંમાં વહેંચાયેલા છે.

બન્ને તાલુકાના ૨પ૦ ગામમાં વરસાદી માપક યંત્ર જ નથી. અપૂરતા તલાટીઓએ, ગ્રામસેવકોએ કોઇ ગામની જાત મુલાકાત લઇ પાકની આનાવારી લીધી નથી. અછતની કામગીરીથી બચવા માટે બેઠા-બેઠા ઉંચી ટકાવારી બતાવીને સંપૂર્ણ અછતગ્રસ્ત હોવા છતાં તાલુકાને અછત વિહોણા દર્શાવ્યા છે, તેવી રજૂઆત કરતાં જિલ્લા પંચાયતના સભ્ય જયંતીભાઇ ઠક્કરે મુખ્યમંત્રી સમક્ષ ઉમેર્યું હતું કે, ૨પ હજારથી વધુ અબોલા જીવ આ બન્ને તાલુકામાં નિરાધાર થઇ ફરી રહ્યા છે. ૧૦ હજારથી વધારે ચોપગાં ઘાસચારો, પાણીના અભાવે ગંભીર મુશ્કેલી વેઠી રહ્યા છે તેમજ ગામડામાં પીવાના પાણીની પરીસ્થિતિ અતિગંભીર છે. સરકારી નિયમોમાં ફેરફાર કરીને દરેક ગ્રામ પંચાયત અથવા ગ્રામ સમિતિને કેટલ કેમ્પ નહીં, પણ જીવદયા કેન્દ્ર તરીકે શરૂ કરવાની સત્તા આપવામાં આવે. એક અબોલા જીવની સબસિડી દરરોજની રૂા. ૪૦ આપવામાં આવે છે .

દરેક ગામમાં ઘાસ કેન્દ્ર શરૂ કરો

હાલે ૧પ૦ ગામ વચ્ચે ૧૦થી ૧પ ઘાસ કેન્દ્ર શરૂ કરવામાં આવશે, તેની જગ્યાએ દરેક ગામે ઘાસ ડેપો જો ખોલવામાં આવે, તો ગરીબ પશુ માલિકો રાહત દરે મળતું ઘાસ પશુઓને ખવડાવી શકે. ભૂતકાળમાં રાહત દરે મળતું ઘાસ પોતાના ગામડે પહોંચાડવાનું ભાડું જ પાંચ ગણુ થઇ જવાના કારણે ખરીદી શકતા નથી. ઘાસકાર્ડની જગ્યાએ રાશનકાર્ડ ઉપર ઘાસનું વિતરણ શરૂ કરવામાં આવે, તો જ સાચા અર્થમાં વરસાદ પડે, ત્યાં સુધી અબોલા જીવ બચી શકે, તેવી રજૂઆત
કરાઇ છે.

રાહત કામમાં ભ્રષ્ટાચાર ન આચરાય

જંગલખાતાના કામોમાં કર્મચારી અને મજૂરો ૯૯ ટકા ખોટું કરે છે, જૂના ખામણા ખોદી તેના ઉપર વહીવટી તંત્રની મિલિભગતથી ભ્રષ્ટાચાર આચરે છે, તેની જગ્યાએ દરેક ગામમાં રાહત કામો શરૂ કરાવી અને ગરીબ પરિવારોના ખેતરોમાં બંધ પાળાનું કામ કરાવવામાં આવે, તો ખેત માલિક ખોટું કરવા નહીં આવે અને મજૂરોને તેમ કરવાનો મોકો મળશે નહીં તેવી માંગ જિલ્લા પંચાયતના સભ્યે કરી છે.