ભુજિયાના વિકાસકાર્યમાં ભ્રષ્ટાચાર? આવી રીતે ચીનને અપાશે ટક્કર?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રીએ અંગત રસ લઇને શરૂ કરેલા ભુજના પર્યટનક્ષેત્રે મહત્ત્વાકાંક્ષી એવા પ્રથમ પ્રોજેક્ટમાં જ ગોબાચારીની આશંકા પ્રોટેક્શન વોલના સાડા પાંચ કરોડના કામમાં હલકી ગુણવત્તાની શંકા કચ્છમાં પર્યટનના વિકાસને પ્રાથમિકતા આપનારી રાજ્ય સરકાર કરોડોનો ખર્ચ પણ કરે છે, પરંતુ ક્યારેક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટમાં તેનું અમલીકરણ કેટલું બોદું અને ભ્રષ્ટાચારની આશંકા જગાવે તેવું થતું હોય છે, એનો નમૂનો ભુજિયા વિકાસ યોજના પૂરો પાડે છે. ભુજના નાક સમાન ભુજિયો ડુંગર લશ્કરના કબજામાંથી મુક્ત થયા પછી, સાત સાત વર્ષથી વિકાસની વાતો બહુ થઇ, પણ આખરે પપ૦ કરોડના ખર્ચે તેના વિકાસનું નક્કર આયોજન ઘડાયું છે, ત્યારે પહેલા તબક્કામાં ડુંગર ફરતે રૂ. પ.૨૭ કરોડના ખર્ચે કચ્છની સૌથી મોટી (સવા પાંચ કિ.મી. લાંબી) પ્રોટેકશન વોલ બાંધવાના કામમાં જ મોટી ગરબડ જણાઇ છે. આમ લોકોનું ધ્યાન પણ ન જાય અને તકનીકી સમજ પણ ન હોય એટલે આ વિશાળ દીવાલના પાયામાં જ આસાનીથી ભ્રષ્ટાચારનું રોપણ થતું હોવાની કેટલાક જાણકારોએ શંકા દર્શાવતાં 'દિવ્ય ભાસ્કર’ની ટીમે કેટલાક તજજ્ઞને સાથે રાખીને જ્યાં વોલનું કામ થાય છે એ ભુજિયાની તળેટીની તબક્કાવાર મુલાકાત લીધી અને ગુણવત્તાની ચકાસણી કરી તો, કેટલીક દેખિતી ગેરરીતિ નજરે પડી હતી. એન્જિનિયરીંગ તથા કન્સટ્રકશનક્ષેત્ર સાથે સંકળાયેલી આ તટસ્થ વ્યક્તિઓને સાથે રાખીને આદરેલી તપાસમાં કાચો માલ સામાન હલકી ગુણવત્તાનો (સબસ્ટાન્ડર્ડ) જણાયો હતો. રાજ્યના માર્ગ અને મકાન વિભાગના હસ્તક થતાં આ કામો પૈકી પ્રથમ પ્રોટેક્શન વોલની કામગીરીમાં લોખંડના મજબૂત સળિયાને કોંક્રિટ કરી અને ટકાઉ બનાવવાના છે. કામના એસ્ટીમેટમાં જણાવેલી આઇટમ મુજબ દીવાલના ચણતરમાં જમીનથી દોઢ ફૂટ ઉપર સુધી ર્કોસરબલ મેશનરી કરવાની છે, જેમાં પોઇન્ટિંગ એટલે કે, ચોડાઇ કરેલા પથ્થર ખુલ્લા દેખાય. આ પથ્થર કામેરાઇ પથ્થર અથવા સ્થાનિક ભાષામાં ટોડા પાણા કહેવાય તે વાપરવાના છે, જેને હથોડા વડે માંડ તોડી શકાય. (સેમ્પલ દીવાલમાં વપરાયા છે), જ્યારે અત્યારે ધમધોકાર ચાલતાં આ કામમાં ઠેકેદાર દ્વારા હલકો ભૂકરિયો પથ્થર (ગજિયા) વપરાય છે, જેને વાતાવરણ તરત જ અસર કરે. આ પથ્થર માત્ર ચોડાઇની અંદર જ વાપરી શકાય એવું કામની મુલાકાત લેનારા જાણકારોનું કહેવું છે. કામેરાઇ ટોડા એક ટ્રેકટરના અંદાજે રૂ. ૧૮૦૦ છે, જ્યારે ભૂકરિયો પાણો અડધાથી ઓછા ભાવે મળી જાય. ઘરની દીવાલમાં વપરાતી પડદી તરીકે ઓળખાતા પથ્થરનો આ વેસ્ટેજ માલ કુલ પ.૩૦૦મીટરમાં વપરાશે, તો કેટલો ટકાઉ હશે ? સવા પાંચ કરોડના કામમાં ભાવનગરની એજન્સી બફુલ કન્સ્ટ્રકશને ૧૨.૮૮ ટકા ભાવ નીચા ભર્યા બાદ કામ મેળવી ખોટ સરભર કરવાની વાત પણ અંતરંગ સૂત્રો જણાવે છે. સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચાર તથા લોકજાગૃતિનો અભાવ અને લોકપ્રતિનિધિઓની નિષ્ક્રિ‌યતા થકી આવું જ કામ જો થશે તો કુલ સાડા પાંચસો કરોડના કામની ગુણવત્તા કેવી હશે ? ભ્રષ્ટાચાર કેટલો થશે ? તેવા સવાલ ઉભા થયા હતા. હિ‌સ્ટોરીકલ મોન્યુમેન્ટરી વર્ક તકલાદી ન જ હોવું જોઇએ ધરતીકંપ બાદ કચ્છ અને ઇન્ડોનેશિયા સુધી અર્થક્વેક પ્રૂફ કન્સ્ટ્રક્શન અંગે પ્રદાન આપનારા હુન્નરશાળાના મેનેજિંગ ડાયરેકટર કિરણભાઇ વાઘેલાએ ભુજિયા સાઇટ વિઝિટ બાદ મત આપ્યા હતા, જે નીચે મુજબ છે. કામેરાઇ પથ્થરને બદલે સેન્ડ સ્ટોન વપરાય છે, જે અક્ષ્મ્ય છે. સેન્ડ સ્ટોનને ભેજ સાથે સીધો સંબંધ છે એટલે જલ્દી ખવાઇ જાય. બધા પથ્થરની ચોડાઇ ઊભી છે, જે ધરતીકંપમાં ટકી ન શકે. લોખંડના સળિયા અત્યારથી કાટ ખાઇ ગયા છે, પૂરતા જોઇન્ટ નથી. કયોરિંગ નથી થતું તથા કરવાની કોઇ વ્યવસ્થા નથી. હિ‌સ્ટોરીકલ મોન્યુમેન્ટરી વર્ક તકલાદી ન જ ચલાવાય. કોંક્રિટ વર્ક ઠેકેદારને ભરોસે જે પ્રોજેકટ માટે ડીડીઓ તથા કાર્યપાલક ઇજનેર ચીન સુધી અભ્યાસાર્થે ગયા હતા તે પ્રોજેક્ટના પ્રથમ ચરણસમા ભુજિયાની પ્રોટેક્શન વોલની ડિઝાઇનિંગમાં ૧ મીટર પહોળાઇ, ૧૦ સે.મી. જાડાઇનું ૧:૩:૬નું ફૂટિંગ પર ૩૦ સે.મી. દીવાલ અને ચાર ચાર ફૂટે કોલમ તથા કોર્સરબલ મેશનરીનું કામ છે આ કામ દરમિયાન સરકારી નિયમ મુજબ કોંક્રિટ વર્ક પર સરકારી કર્મચારી હાજર હોવો જ જોઇએ. નાયબ ઇજનેર સાઇટ સુપરવાઇઝર મિસ્ત્રી કે સેકશનલ ઓફિસર કોઇએ હાજર રહેવું પડે, પરંતુ આશ્ચર્ય વચ્ચે ચાર વખત અલગ અલગ સમયે કામની મુલાકાત લીધી, ત્યારે એક વખત પણ સરકારી કર્મચારી હાજર નહોતો. આટલું મોટું કામ ઠેકેદારના ભરોસે મૂકવાની પાછળનો ઉદ્દેશ શું ? જો કોઇ સરકારી પ્રતિનિધિ જ હાજર ન હોય તો કામની સારી ગુણવત્તાની અપેક્ષા પણ કયાંથી રાખી શકાય ? સેમ્પલ કરતાં પથ્થરમાં ફર્ક છે બી. બી. ચાવડા, ના.કા.ઇ. માર્ગ મકાન વિભાગ સાથે સીધી વાત ભુજિયાની પ્રોટેશન વોલમાં સેમ્પલના અને અત્યારના પથ્થરમાં ફર્ક છે ? હા થોડો ફર્ક છે. કામેરાઇ ટકાઉ પથ્થર કેમ નથી વપરાતો ? આ પથ્થર નજીકના ૧પથી ૨૦ કિમીમાં ઉપલબ્ધ નથી. હાલ ચણતરમાં કયો પથ્થર વપરાય છે ? લોકલ પથ્થર છે, ભુજ નજીક મળતો કોર્સરબલ (ક્યૂસીઆર) વપરાય છે. તેને વાતાવરણ અસર કરે ? હા ચોક્કસ કરે, વરસાદ તથા તડકાથી નુકસાન થાય. ઠેકેદારને કંઇ સૂચના આપી ? આસપાસ આવો કોઇ પથ્થર ન મળે તો શું થાય ? કામ તો કરાવવું જ પડે ને ?