• Gujarati News
  • Commit Suicide In Gandhidham Due To 10th Result Fail

ગાંધીધામની કરુણ ઘટનાઃ પરિણામના ભયથી બોર્ડની છાત્રાનો આપઘાત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રૂમમાં દુપટ્ટાથી ફાંસો ખાધો
લગ્ન પ્રસંગે ભોજન પછી ભાઇ ઘરે મૂકીને ગયો,ને તરૂણીએ જિંદગીથી છેડો ફાડી નાખ્યો


સીબીએસઇ (સેન્ટ્રલ બોર્ડ)ની ધો. ૧૦ની પરીક્ષા આપનારી અહીંના લુણંગનગર વિસ્તારની ૧પ વર્ષીય વિદ્યાર્થિ‌નીએ નાપાસ થવાના ભયે પરિણામના ૩૩ કલાક પૂર્વે, મંગળવારે રાત્રે પોતાના રૂમમાં દુપટ્ટાવડે ગળે ફાંસો ખાઇને જીવનનો અંત આણ્યો હતો. ભણતરની ચિંતામાં તરૂણીએ ઓચિંતાનું આત્યંતિક પગલું ભરી લેતાં તેનો શ્રમજીવી પરિવાર આઘાતમાં ગરકાવ થઇ ગયો હતો.

એ ડિવિઝન પોલીસના જણાવ્યા અનુસાર શહેરના વોર્ડ ૯/બીમાં આવેલાં લુણંગનગરમાં રહેતી સવિતા ભોજરાજભાઇ માતંગે (ઉ.વ.૧પ) ધોરણ ૧૦ સીબીએસઇની પરીક્ષા આપી હતી, જે સમયે અમુક પેપરો નબળાં ગયાં હોવાથી તેને ઓછા માર્કસ આવશે કે નાપાસ થઇશ તો તેવો ભય સતાવી રહ્યો હતો અને ગુરુવારના સીબીએસઇ બોર્ડનું રિઝલ્ટ હોવાથી સપ્તાહથી તો સાવ ઉદાસ રહેતી હતી. મંગળવારના નજીકના સગાને ત્યાં લગ્નપ્રસંગ હોવાથી ભોજરાજભાઇ
પરિવાર સાથે ત્યાં ગયા હતા, જ્યાં રાત્રિના ભોજન સમારંભ પૂર્ણ થતાં તરૂણીને ઘરે જવું હોવાથી તેનો ભાઇ તેને ઘરે મૂકી ગયો હતો, જ્યારે પપ્પા-મમ્મી અને ભાઇ પ્રસંગમાં જ હતા. ત્યાર બાદ નીચેના રૂમમાં ટીવી જોઇ રહી હતી, પરંતુ પરીક્ષા બાદ હતાશા તેનો પીછો છોડતી નહોતી અને રાત્રિના ૧:૧૦ વાગ્યે પોતાના રૂમમાં જઇ દુપટ્ટા વડે ફાંસો ખાઇ લટકી ગઇ હતી.

ઘટનાની થોડી જ ક્ષણોમાં માતા-પિતા ઘરે પરત ફર્યા હતા. ઘરમાં લાઇટ ચાલુ હતી, પણ પુત્રી નજરે ન પડી હતી, જેથી રૂમમાં તપાસ કરતાં લાડકવાયી સવિતાની લાશ લટકતી જોવા મળી હતી. ત્યાર બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ હતી, જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના પિતા ભોજરાજભાઇ મજૂરી કામ કરતા હોવાનું તેમજ સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું ખૂલ્યું છે.

ચાર દિ’થી હું પાસ નહીં થાઉં તો તેવું માતાને કહેતી હતી
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક ચાર દિવસથી દરરોજ તેની માતા સમક્ષ પોતે નાપાસ તો શું થશે? તે અંગે વાતચીત કરતી હતી. આ સમયે તેના માતા પુત્રી કોઇ આત્મઘાતી પગલું ભરી ન લે તે માટે સાંત્વના આપતા હતા કે બધું બરાબર થઇ જશે, પરંતુ સવિતાને ડર જ સતાવ્યે રાખતો હતો અને અંતે રિઝલ્ટ આવ્યાના એક દિવસ પૂર્વે જ આત્મઘાતી પગલું ભરી લીધું હતું.