તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાયલા ડેમના પાણી વેડફાટનું મૂળ કારણ કોલસાનો કાળો કારોબાર?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- હજારો બોરી કોલસા બનાવવા રિપેરિંગ ન કરાયાની ઉઠી રાવ

ચોમાસાંના આગોતરા વરસાદમાં જ કાયલા ડેમમાંથી સ્લૂઝ વાલ્વની મરંમત ન થવાને કારણે ૨૩ ફૂટ જેટલું વરસાદી પાણી વેડફાઇ ગયું છે. આ જળ સંગ્રહ વેડફાઇ ગયો છે કે વેડફવામાં આવ્યો છે, તેવો સવાલ કચ્છ સિંચાઇ વિભાગના અંતરંગ વર્તુળમાં જ ચર્ચાઇ રહ્યો છે. સિંચાઇ ખાતા દ્વારા દરેક ડેમના કેચમેન્ટ એરિયામાંથી 'અડચણરૂપ’ ગાંડો બાવળ કાપવા માટે રજિસ્ટર થયેલી મંડળીને મંજૂરી આપવામાં આવે છે. કેનાલની આસપાસ તથા ડેમના સ્ત્રાવ ક્ષેત્રની સફાઇનો મુખ્ય ઉદેશ ખેડૂતોને વધુ જળરાશિ આપી શકાય તે છે.કેનાલને નિયમિત સાફ કરવાથી પાણીનો વેડફાટ બચે તથા સ્ત્રાવ ક્ષેત્રમાં જંગલ કટિંગથી પાણીનો સંગ્રહ વધુ થાય, પરંતુ આ કામ કરતી મંડળી દ્વારા કોલસામાં કામ લાગતો જાડાં થડનો ગાંડો બાવળ જ કપાય છે, જેથી તેના કોલસા બનાવી આવક ઊભી થાય, જ્યારે ઝીણા અને અવિકસિત બાવળને રાખી દેવાય છે.

કાયલા ડેમનો કેચમેન્ટ એરિયા બહુ વિશાળ છે. પાવરપટ્ટીના ઝૂરા, જતવાંઢ, પાલનપુર, લોરિયા વગેરે વિસ્તારના ખેડૂતો માટે અમૂલ્ય એવાં આ સિંચાઇના પાણીને વેડફી નાખવા પાછળ કચ્છ સિંચાઇ વિભાગના અધિકારીઓની જવાબદારીને ગંભીરતાપૂર્વક લઇએ, ઉચ્ચ અધિકારીએ શિક્ષાત્મક પગલાં લેવાં જોઇએ તેવી માંગ ઉઠી છે. એકતરફ સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનામાં ફાળવીને મોટાં પ્રમાણમાં જળરાશિના સંગ્રહની વાત કરે છે, ત્યાં જ્યાં વર્ષોથી જળ સંગ્રહવાની વ્યવસ્થા છે, ત્યાં છીંડાં કરીને પૈસા અને પાણીનો વ્યય કરાય છે.
જોકે, થોડા દિવસો અગાઉ જ ડેમમાંથી અનધિકૃત રીતે ગાંડા બાવળ કાપવાના ખબર મળતાં અધિક્ષક ઇજનેર ડી.કે. પટેલે કાર્યવાહી રોકી અને લેખિતમાં હુકમ બહાર પડાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. કચ્છ સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરને પૂછતાં તેમણે કહ્યું હતું કે, આવા કોઇ કારણે સ્લૂઝ વાલ્વનું રિપેરિંગ બાકી નથી, પરંતુ પાણી ભરેલું હોય, ત્યાં સુધી મરંમત ન થઇ શકે. તુરંતમાં રિપેર થશે તેવું પૂછતાં જણાવ્યું કે, નહીં થાય. વરસાદની આગાહી છે, આથી હાલમાં કંઇ કામ ન થઇ શકે, હજુ પણ જળરાશિ વેડફાય તેવી શકયતા જણાય છે, ત્યારે તકનીકી તજજ્ઞો કોઇ ઉપાય કાઢે તેવી લોકલાગણી વ્યક્ત કરાઇ હતી.