હાલાપર અને કૈયારી પાસે ૧પ૮ બોરી કોલસો પકડાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લખપત તાલુકામાં છેલ્લા લાંબા સમયથી વનતંત્ર દ્વારા આ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર કોલસાના કારોબાર સામે કરવામાં આવી રહેલી કડક કાર્યવાહીને પગલે સોમવારે મોડી રાત્રે કૈયારી પાસે બિનવારસુ પડેલા અંદાજે રૂ. ૨૨૦૦૦નો ૭પ બોરી કોલસાનો જથ્થો ઉતરરેન્જ વનવિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.

આ અંગે વનતંત્રના અધિકારીએ જણાવ્યું હતું કે વનવિભાગ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન કૈયારી પાસે પડેલા કોલસાના જથ્થા અંગે તપાસ દરમિયાન ૭પ જેટલી બોરીઓ બિનવારસુ હાલતમાં મળી આવતાં તેનો કબજો કરી વધુ હાથ ધરાઇ રહી છે.

લખપત તાલુકામાં છેલ્લા દોઢ બે માસમાં વનતંત્ર દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહીને પગલે લાખો રૂપિયાની કિંમતનો મોટી માત્રામાં કોલસાનો જથ્થો પકડાયો છે. ત્યારે હજી પણ આ તાલુકામાં ચાલતા કોલસાના કારોબારમાં વધુ કોલસાનો જથ્થો પડયો હોવાનું લોકો કહી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક માસમાં લાખો રુપિયાનો કોલસો પકડાયો છે. અને આગામી દિવસોમાં વધુ કાળુ સોનુ પકડાય તેમ મનાય છે. આ બનાવને પગલે કેટલાક કર્મચારીઓની બદલી પણ થઇ ગઇ હતી. ત્યારે આગામી દિવસોમાં આ બનાવ કેવા રંગ બદલશે તેના પર નજર મંડાઇ છે.બીજી તરફ ભુજ નજીક પણ કોલસાનો કારોબાર થતો હોવાનું જણાયું છે.

હાલાપર રખાલમાંથી ૮૩ બોરી કોલસો પકડાયો

ના.સરોવર અભ્યારણ વિસ્તારમાં હાલાપર રખાલ વિસ્તારમાં ટાવર પાસેથી પણ ૮૩ બોરી કોલસાનો જથ્થો પકડાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તેમજ સોમવારે મોડી રાત્રીએ ઉતર રેન્જ વિસ્તારમાંથી પકડાયેલ આ જથ્થો અંગે વનવિભાગના અધિકારીનો સંપર્ક કરતા તેમણે આ વાત નકારી હતી.