કચ્છભરના સિનેમાઘરોમાં ઝૂલ્યાં હાઉસફુલના પાટિયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-કચ્છભરના સિનેમાઘરોમાં ઝૂલ્યાં હાઉસફુલના પાટિયાં
-ભુજ-ગાંધીધામ-અંજાર-માંડવીમાં ઘણા સમયે થિયેટરો ચિચિયારીથી ગુંજ્યાં
-છ દિવસમાં ૨૦ હજારથી વધાર લોકોએ માણ્યું મનોરંજન
વેકેશન પડે એટલે હરવા-ફરવાનો આનંદ લોકો માણતા હોય છે. કોઇ ટુર પર જાય, તો કોઇ સ્થાનિકે જ ફિલ્મ જોઇને લાંબી રજાની મજા માણતા હોય છે. ટીવીના યુગમાં સિનેમાઘરમાં જઇ ફિલ્મો જોવાનું પ્રમાણ ઘટયું છે, ત્યારે આ વખતે કચ્છના નગરોમાં થિયેટર, મલ્ટીપ્લેકસમાં ઘણા વખતે હાઉસફુલના પાટિયાં ઝૂલતાં જોવા મળ્યાં હતાં. એક અંદાજ મુજબ ૨૦ હજારથી પણ વધારે લોકોએ ક્રિશ-૩ જોવાનો લ્હાવો લીધો હતો.
કચ્છમાં પ્રવાસીઓના ધસારા વચ્ચે ભુજ, ગાંધીધામ, અંજાર અને માંડવીમાં ટોકિઝમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. હવે સિનેમાઘરોની સંખ્યા ઘટી છે અને ટિકિટના દર પણ વધ્યા છે, એટલે વરસો-વરસ પ્રેક્ષકો ઘટી રહ્યા છે, પણ હવે જાણે લોકોનો ટેસ્ટ બદલી રહ્યો હોય તેમ પુન: ટોકિઝ ભણી લોકો વળી રહ્યા છે તેની સાબિતી આ વખતે દિવાળીના છ દિવસ દરમિયાન થયેલાં બુકિંગમાં જોવા મળી.
કચ્છના પાટનગર ભુજ તથા તેના પરાં સમા માધાપર મળીને કુલ પાંચ સિનેગૃહ આવેલાં છે, જેમાં એક અંદાજ મુજબ છ દિવસમાં ૧૦૦૦૦ લોકોએ ફિલ્મ માણી હતી, તો માંડવીમાં આ આંક પાંચેક હજાર આસપાસ રહ્યો હતો. અંજારના એકમાત્ર જૂના થિયેટરમાં પણ ચાર દિવસની ચાંદની જોવા મળી હતી. ભુજમાં દિવાળીથી ભાઇબીજ સુધીમાં તમામ ટોકિઝમાં ભારે ભીડ જોવા મળી હતી, જે બુધવાર સુધી રહી હતી. અંજારમાં આવેલું એકમાત્ર થિયેટર કે જે હવે જર્જરિત થયું છે, ત્યાં પણ લાગેલી નવી ફિલ્મ જોવા માટે દિવાળીના તહેવારોમાં ભારે ગિરદી જોવા મળી હતી. ટોકિઝના માલિકે પણ ધસારો જોઇએ આનંદ વ્યકત કર્યો હતો.
બંદરીય નગરી માંડવીમાં આવેલાં એકલોતાં સિનેમાઘરમાં છ દિવસ સુધી તમામ શો પેક રહ્યા હતા. છ દિવસમાં કુલ પ૦૩૭ લોકોએ ક્રિશ-૩ના કારનામા નિહાળ્યાં હતાં. એક શો પૂરો થાય એટલે બીજા શો માટે લાંબી લાઇનો જોવા મળી હતી, તો થિયેટરમાં પણ ઘણા વખતે જીવંત આનંદ જોવા મળ્યો હતો.