• Gujarati News
  • Case Against Principal And Clerk For Peon Suicide Case

પટાવાળાના આપઘાત કેસમાં પ્રિન્સિપાલ ,કલાર્ક સામે ફોજદારી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતકના પત્નીએ નોકરીમાં વારંવાર નોટિસો આપી હેરાન કરતા હોવાનું નિવેદન આપ્યું
ભુજમાં રહેતા લાલન કોલેજમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા યુવાને પ્રિન્સિપાલ સહિ‌તના અધિકારીઓના ત્રાસથી કંટાળી જઇ સાત માસ પૂર્વે ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો, જેમાં મૃતકના પત્નીએ નોકરી સમયે મેણાટોણા મારી પતિને મરવા મજબૂર કરવામાં આવ્યા હોવાનું નિવેદન આપ્યું હતું, જેને આધારે શુક્રવારના પોલીસે પ્રિન્સિપાલ અને સિનિયર કલાર્ક સામે ગુનો નોંધ્યો હતો.
તાલુકા પોલીસમથકના સૂત્રોએ કહ્યું હતું કે, શહેરના પ્લોટ નં. ૧૦૪માં રહેતા અને લાલન કોલેજમાં પટાવાળા તરીકે નોકરી કરતાં શકુર અબ્દુલ મેમણે ગત ૨૬ મેના જીઆઇડીસી રેલવે ફાટક પાસે ભુજથી મુબંઇ જતી ટ્રેન નીચે સૂઇ જઇ મોત મીંઠુ કરી લીધું હતું. જે-તે સમયે મૃતકના ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં કોલેજના પ્રિન્સિપાલ અને સિનિયર કલાર્કના ત્રાસથી પગલું ભરી લીધું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
ઉપરાંત તેના પત્ની માસૂમાબેને પણ પતિને નોકરીના સમય દરમિયાન યેનકેન પ્રકારે કામમાં વાંધા ઊભા કરી અધિકારી દ્વારા નોટિસ અને મેમો ફટકારવામાં આવતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ સ્યુસાઇડ નોટને એફએસએલમાં પરિક્ષણ અર્થે પણ મોકલી હતી, જેમાં આ હસ્તાક્ષર મૃતકના જ સાબિત થયા હતા, જેથી પોલીસે મહિ‌લાએ આપેલા બયાનને ધ્યાને લઇને શુક્રવારના રાત્રિના કોલેજના પ્રિન્સિપાલ પરેશ રાવલ અને સિનિયર કલાર્ક નિલેશ પટેલ ઉર્ફે મુકેશ બળદેવ સામે મરવા મજબૂર કરવાનો ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.