મોટી ખેડોઈમાં ૮૮ હજારના દારૂ સાથે બૂટલેગર ઝડપાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંજારમાં હજી બે દિવસ પહેલાં જ પકડાયેલા દારૂના પ્રકરણમાં નાની ખેડોઈના બૂટલેગરનું નામ બહાર આવ્યું એના બીજા દિવસે જ પોલીસે તાલુકાના મોટી ખેડોઈ ગામમાં દારૂનો માતબર જથ્થો લઈને જતા શખ્સને ઝડપી લીધો હતો.

બાતમીના આધારે પડેલા આ દરોડા દરમિયાન પોલીસે ગામની પ્રાથમિક શાળા પાસે જ આરોપીને કારમાં બોટલ અને બિયરના ટીન લઈ જતો પકડી લીધો હોત. આ દરોડામાં રૂા.૮૮૦૦૦ના દારૂ-બિયરનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, મોટી ખેડોઈ ગામમાં વિદેશી દારૂનો મોટો જથ્થો આવ્યો હોવાની મંગળવારે સવારે બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસની ટીમે ગામની પ્રાથમિક શાળા પાસે વોચ ગોઠવી હતી, એ દરમિયાન કાર હંકારીને નીકળેલા આરોપી વીરેન્દ્રસિંહ ઉર્ફે ગોપાલસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાને પકડી લેવામાં આવ્યો હતો.

તેની કારની તલાશી લેતાં એમાંથી વિવિધ બ્રાન્ડની દારૂની ૨૦૪ બોટલ તેમજ બિયરના ૧૧૩ ટીનનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. કુલ રૂા.૮૮૦૦૦ના દારૂ-બિયરના જથ્થા સાથે આ સૂત્રધારને પકડી લીધા બાદ આ જથ્થો તે ક્યાંથી લાવ્યો એની પૂછપરછ હાથ ધરવામાંઆવી હતી.

અહીં ઉલ્લેખીનય છે કે, અંજારમાં બે દિવસ પહેલાં રૂા.૧૨૦૦૦ના વિદેશી દારૂ સાથે એક શખ્સ પકડાયો હતો, જેની પૂછપરછમાં નાની ખેડોઈના સૂત્રધારનું નામ ખૂલ્યું હતું, ત્યાં બીજા દિવસે મોટી ખેડોઈમાં દારૂ સાથે બૂટલેગર ઝડપાતાં ચકચાર વ્યાપી ગઈ હતી. ભચાઉ પંથક બાદ હવે જાણે અંજારમાં દારૂની હેરાફેરી વધી હોવાનું લાગી રહ્યું છે.