ગાંધીધામ: BSNLના ધાંધિયા, ફ્રી હોલ્ડ જમીન મુદે પસ્તાળ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(લોક દરબારમાં પ્રવચન કરી રહેલા સાંસદ તેમજ ધારાસભ્ય નજરે પડે છે.)

-લોક અવાજ| પૂર્વ કચ્છ- ગાંધીધામમાં સાંસદનો પ્રથમ લોકદરબાર : નગરપાલિકાને કોર્પોરેશનનો દરજ્જો આપવા, ટિમ્બર પર વેટનો દર ઓછો કરવા સહિતના પ્રશ્નો રજૂ કરાયા
-
કચ્છના સંસદ સભ્યે બહાનાબાજી નહીં કરવા જવાબદારોને કહ્યું

ગાંધીધામ: કચ્છના સાંસદનો પૂર્વ કચ્છ-ગાંધીધામમાં સર્કિટ હાઉસ ખાતે સૌથી પહેલો લોકદરબાર યોજવામાં આવ્યો હતો, જેમાં કેન્દ્ર સરકાર હસ્તકના કેપીટી, બીએસએનએલ, રેલવે સહિતના વિભાગના વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. વ્યક્તિગત ધોરણે પણ વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવતાં આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

શનિવારે ગાંધીધામના સર્કિટહાઉસ ખાતે સાંસદ વિનોદ ચાવડાની હાજરીમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકદરબારમાં તાજેતરમાં થોડા સમય પહેલાં બીએસએનએલના કેબલ કપાતા દૂરસંચાર વ્યવસ્થા ઠપ થઇ હતી તેનો પડઘો પડ્યો હતો. નેટવર્ક ખોરવાતા લોકોને પડેલી હાડમારી અંગે રજૂઆત કરવામાં આવ્યા છતાં પગલાં ભરવામાં ન આવતાં બીએસએનએલ કંપની પર તડાપીટ બોલાવામાં આવી હતી. આ મુદે સાંસદે કોઇ બહાનાબાજી નહીં ચાલે, જરૂર પડે, તો અન્ય સુવિધા ઊભી કરવા અને કેબલ કપાય નહીં તેની તકેદારી રાખવા ટકોર કરી હતી.

સંકુલના સળગતા પ્રશ્ન ફ્રી હોલ્ડ જમીન સંદર્ભે પણ રજૂઆત કરવામાં આવી હતી. કેપીટીમાં લાંબા સમયથી ખાલી પડેલી ટોચના અધિકારીની જગ્યાઓ સહિતના પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે. લોકોના પ્રશ્નોનો તાકીદે નિકાલ થાય અને વહીવટીતંત્ર ગતિશીલ રહે, તે સંદર્ભે કેન્દ્ર, રાજ્ય સરકારના પ્રતિનિધિ દ્વારા તબક્કાવાર આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં મુખ્યમંત્રી ઓનલાઇન ફરિયાદ નિવારણના કાર્યક્રમમાં પણ તાલુકા અને શહેરના વિવિધ પ્રશ્નો લોકોએ ઊભા કર્યા હતા અને આ પ્રશ્નોનો નિવેડો લાવવા રજૂઆત કરતાં પ્રશ્નો ઉકેલવા વહીવટીતંત્રે કવાયત હાથ ધરી હતી.

કેપીટીના કર્મચારીના પ્લોટનો મુદો ઉછળ્યો

રહેણાકના પ્લોટના મુદે કંડલા પોર્ટના કર્મચારીઓ દિલ્હીમાં શિપિંગ મિનિસ્ટ્રી અને કંડલા પોર્ટમાં વારંવાર રજૂઆતો કરી રહ્યા છતાં આ મુદે હજુ સુધી કોઇ યોગ્ય નિરાકરણ થયું નથી. લોકદરબારમાં ગોપાલપુરીના નગરસેવકને સાથે રાખીને કંડલા પોર્ટના કર્મચારીઓએ રહેણાક પ્લોટના મુદે રજૂઆત કરી હતી. સાંસદે રજૂઆત બાદ ખાતરી આપી હતી કે, તેઓ દિલ્હીમાં આ મુદે તેમના લેવલે રજૂઆત કરશે. આ ઉપરાંત તેમણે તાત્કાલિક કેપીટીના ચેરમેન અને સેક્રેટરીને પત્ર લખીને આગામી બોર્ડ મીટિંગમાં એજન્ડા તરીકે સામેલ કરવા કહ્યું હતું.

અઢળક પ્રશ્નોની હારમાળા રજૂ કરી

ચેમ્બરના પ્રમુખ બચુભાઇ આહિર દ્વારા સાંસદ સભ્યને સુપરત કરવામાં આવેલી નોંધમાં જણાવવામાં આવ્યું છે કે, સંકુલની ફ્રી હોલ્ડ જમીનની પ્રક્રિયા સરળ અને લોકભોગ્ય બનાવી જમીનના અતિશય ઉંચા દર ઘટાડવા જોઇએ. કંડલા પોર્ટ ટ્રસ્ટમાં લાંબા સમયથી મહત્ત્વપૂર્ણ જગ્યાઓ ખાલી હોવાથી કોઇ નિર્ણય ન લેવાતા ન હોવાથી આ જગ્યાઓ ભરવા, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 8ની લગોલગ ઝોન-કંડલા વચ્ચે પાર્કિંગ પ્લોટ માટેની જગ્યા ફાળવવા, નમકના લોડિંગ માટે પૂરતી રેકની ફાળવણી કરવા, કંડલા એરોડ્રામ કાર્યરત કરવા, ભારત સંચાર નિગમ લિ.ની કથળેલી સેવા દુરસ્ત કરવા અને કંડલા કસ્ટમ તથા કાસેઝમાં કમિશનરની નિમણૂ઼ક, સામખિયાળી ટોલનાકા પર સિક્સ લેનની કામગીરી પૂર્ણ થયેલા ન હોવા છતાં પણ સિક્સલેનનો ટોલટેક્સ વસૂલવામાં આવે છે, તે સંદર્ભે ધ્યાન દોરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત રાજ્ય સરકારને લગતા પ્રશ્નોમાં ગાંધીધામ નગરપાલિકાને કોર્પોરેશનનો દરજ્જો, નમક ઉત્પાદન માટેની લીઝના નવીનીકરણમાં પર્યાવરણ વિભાગની મંજૂરી લેવાની જોગવાઇમાંથી મુક્તિ આપવા, પૂર્વ કચ્છ માટે પોલીસ જિલ્લા જેમ મહેસૂલ જિલ્લાની રચના, ટિમ્બર પર વેટનો દર ઓછો કરવા, રાજવી રિસોર્ટ પાસેના રેલવે ફાટક પર વાહનોની ઝડપી હેરફેર માટે તથા વારંવાર થતા ટ્રાફિકજામ અને અકસ્માત અટકાવવા ઓવરબ્રિજ બાંધવા માટે માગણી કરવામાં આવી હતી. ચેમ્બર વતી આશિષ જોશી, પૂર્વ પ્રમુખ અશોક ચાવલા અને દિનેશ ગુપ્તા, અન્યોમાં મહેશ તીર્થાણી, દીપક પારખ વગેરે હાજર રહ્યા હતા તેમ ચેમ્બર માનદ સહમંત્રી આશિષ જોશીએ જણાવ્યું હતું.

જમીન ફ્રી હોલ્ડના દર પોસાય તેમ નથી : વિપક્ષના નેતા

લોકદરબારમાં નગરપાલિકાના વિપક્ષના નેતા સંજય ગાંધી દ્વારા ગાંધીધામ સંકુલના કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ પ્રશ્નો અંગે પડઘો પાડવામાં આવ્યો હતો. સંસદ સભ્યને લેખિતમાં અપાયેલી રજૂઆતમાં ગાંધીએ જણાવ્યું છે કે, સંકુલની જમીન ફ્રી હોલ્ડ કરવામાં આવી છે, પરંતુ કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા જે દર નક્કી કરવામાં આવ્યા છે, તે ખૂબ ઉંચા છે અને સામાન્ય પ્રજાને પરવડે તેમ નથી, તેનાથી નાગરિકને ભારે આર્થિક બોજો આવશે, તેથી વ્યાજબી દર નક્કી કરવા તેમજ બાકી રહેતી ઔદ્યોગિક તેમજ વાણિજ્યિક જમીન પણ ફ્રી હોલ્ડ કરવા જણાવ્યું છે.
આ ઉપરાંત કેપીટી દ્વારા જંત્રીના આધારે પ્લોટની ટ્રાન્સફર ફી નક્કી કરવામાં આવી છે તેની દર ઉંચા છે. જમીનની મૂળ કિંમતના આધારે ટ્રાન્સફર ફી વસૂલવામાં આવે, તો લોકોને રાહત થશે. એક વર્ષથી કેપીટીમાં ચેરમેનની જગ્યા ખાલી પડી છે. ડે. ચેરમેન તથા એફએએન્ડસીએઓ જેવી મહત્ત્વની જગ્યા પણ ખાલી હોવાથી ટ્રસ્ટમાં કોઇ નિર્ણય લેવામાં ન આવતાં વિકાસકામો અટકી ગયાં છે.